શંકા-કુશંકાને તિલાંજલિ આપી રક્ષાબંધન શુક્રવારે આખો દિવસ રાખડી બાંધવા જાથાની અપીલ
શુક્રવાર તા. ૨૮મી એ આખો દિવસ બહેન-ભાઈને રાખડી બાંધી શકશે.
પુનમને શુક્રવારે રક્ષાબંધનની ઉજવણી કરવા વિજ્ઞાન જાથાની અપીલ.
શંકા-કુશંકા, ચોઘડીયા, મુર્હુતને ફગાવી આખો દિવસ રાખડી બાંધવી.
બહેન-ભાઈના ત્યૌહારમાં જયોતિષીઓ અસમંજસ ઉભી કરે છે.
નકારાત્મક ફળકથનો સામે જાથા આશ્ચર્યજનક કાર્યક્રમ આપશે.
તા. ૨૭–૨૮ મી એ બહેનની મરજી મુજબ રાખડી બાંધી શકશે.
ભારતમાં સદીઓથી ધાર્મિક તેમજ સામાજિક ત્યૌહારની ઉજવણી વખતે અમુક જયોતિષીઓ, લેભાગુઓ ચોપડીના આધારે ભદ્રા યોગ, ધર્મ સિંધુ ગ્રંથો, દ્વિધા, શંકા-કુશંકા ઉભી કરી ફળકથનો આપી લોકોમાં અસમંજસ ઉભી કરી મુર્હુત, ચોઘડીયા, શુભ-અશુભ દર્શાવી વાતાવરણ ડહોળતા નજરે પડે છે તેનો ભારત જન વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે. આ વર્ષે પુનમનો ભાગ તા. ૨૭ અને તા. ૨૮મી દર્શાવી રાખડી શુક્રવાર સવારે ૧૧ પહલા બાંધવી તેવી વણમાગી સલાહ આપી છે. જેથી રક્ષાબંધન બહેન–ભાઈનો પવિત્ર ત્યૌહાર હોય આખો દિવસ રાખડી બાંધી શંકા-દ્વિધાને તિલાંજલિ આપવા જાથાએ અનુરોધ કર્યો છે. બે દિવસ પોતાની મરજી મુજબ રાખડી બાંધવી શુભ જ ગણાય છે.
જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજયમાંથી જાગૃત લોકોએ ટેલિફોન ઉપર પૃચ્છા કરતાં શંકાનું સમાધાન કરવા પુનમનો ભાગ તા. ૨૭ મી અને તા. ૨૮મી સવાર સુધી આવતો હોય અને ગ્રહણ અને પુનમ શુક્રવારે હોય સવારથી મોડી રાત સુધી બહેન ભાઈને રાખડી બાંધી શકશે, તેમાં નકારાત્મક વિચારને તિલાંજલિ આપી બહેન અનુકુળતા મુજબ ભાઈને રાખડી બાંધી લાગણી, સ્નેહ, પ્રેમનું આદાનપ્રદાન કરી શકશે. ત્યૌહારોમાં મુર્હુત– ચોઘડીયા જોવાની કશી જ જરૂર નથી તેવો જાથા મત દર્શાવે છે. સકારાત્મક વલણથી ગુરૂવાર-શુક્રવારે રાખડી બાંધવી તેવું જાથા માને છે. ૨૧ મી સદીમાં જયોતિષની ચોપડી માનવી માટે અવરોધક સાબિત થઈ ગયેલ હોય તેના ફળકથનો ફગાવવા અપીલ કરે છે.
વધુમાં જાથાના જયંત પંડયા જણાવે છે કે પૃથ્વી ઉપર દર મિનિટે–સેકન્ડે સારી-ખરાબ, શુભ-અશુભ, હોની–અનહોની ઘટના બને છે તેને કોઈ રોકી કે અટકાવી શકતું નથી. કુદરત પોતાના નિયમમાં સર્વોપરી સાથે અકબદ્ધ છે. તેને પ્રાર્થના, પૂજા-પાઠ, જપ-તપ, અનુષ્ઠાન, માનતા સાથે કશી જ લેવા દેવા નથી. તેથી સકારાત્મક વલણ રાખવા જાથા પોતાનો વિચાર મૂકે છે. તેમાં શુક્રવાર આખો દિવસ બહેન માટે રાખડી બાંધવી શુભ જ છે. મુર્હુત–ચોઘડીયાની માનસિક પછાતતામાંથી બહાર આવવા જાથા અનુરોધ કરે છે. વિશ્વની આઠ અબજની વસ્તીમાં માત્ર હિન્દુઓને માથે જયોતિષીની ચોપડી ઉજવણી વખતે બાધારૂપ કામ કરે છે તેને દેશવટો આપવા જાથા પોતાનો વિચાર પ્રગટ કરે છે.
વિશેષમાં જયંત પંડયા જણાવે છે કે લોકો ઉપર એકાએક આવતી મુશ્કેલી, આપત્તિ વખતે ધાર્મિક ગ્રંથો અસરકર્તા નથી તેવું નજરે જોયું છે. કોરાના વખતે આ ચોપડી નિઃસહાય સાબિત થઈ હતી. દુનિયામાંથી કોઈએ આગોતરી જાણકારી આપી નથી. વિશ્વના તમામ ધાર્મિક સ્થાનો, મંદિરો, મસ્જિદો, ચર્ચો, દેવળ સ્થાન કે ગુરૂદ્વારા બંધ રહ્યા હતા. મેડિકલ સારવારથી લોકોને રાહત થઈ હતી. પૂજા-પાઠ, જપ-ત૫, પ્રાર્થનાનું કશું જ ઉપજણ ન હતું તેમાંથી બોધપાઠ લેવો જોઈએ. તેથી રાખડી આખો દિવસ બાંધવામાં કશું જ નુકશાનકર્તા નથી. આકસ્મિક ઘટનાને લેભાગુઓ ચાલાકીથી બતાવી ભય ઉભો કરશે તેની જથા આગોતરી જાણ કરે છે. જાથા જયોતિષની ચોપડી, મુર્હુત, ચોઘડીયા, શુભ-અશુભમાં શ્રધ્ધા કે વિશ્વાસ ધરાવતું નથી. તેથી માનવું કે ન માનવું લોકોના અધિકાર ક્ષેત્રમાં આવે છે.
જાથાના જયંત પંડયા તા. ૨૮ મી શુક્રવાર સવારે ૧૧ પછી સામુહિક રક્ષાબંધન ત્યૌહાર બહેન-ભાઈને રાખડી બાંધી સ્નેહનું તાંતણું બાંધી ઉજવણી કરશે. ત્યાર બાદ નકારાત્મક ફળકથનો સામે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી લોકોમાં દ્રઢ મનોબળ આવે તેવું આયોજન નક્કી કર્યું છે. જાથાની શાખાઓ, શુભેચ્છકો, સમર્થકો પોતાના ગામ, વિસ્તારમાં રક્ષાબંધનની ઉજવણી કરી વૈજ્ઞાનિક મિજાજના દર્શન કરાવશે. અકસ્માત રોજીંદી પ્રક્રિયાનો ભાગ છે તેવું સૌ કોઈ માને છે. જાથાની વિચારધારા સાથે સંમંત લોકોએ કાયદાની મર્યાદા સાથે લોકલાગણી ધ્યાને રાખી પર્વ કાર્યક્રમ યોજવા અપીલ કરવામાં આવે છે. વિજ્ઞાન યુગમાં મુર્હુત-ચોઘડીયાની લપમાંથી લોકોને બહાર આવવું પડશે. વિમાન યુગ અને જેટ યુગને છોડી ગાડા યુગમાં જવું તે લોકોએ નક્કી કરવું. વર્તમાન સમયે માનવી ૨૪ કલાક વિજ્ઞાન વગર જીવી શકે તેમ નથી. દર મિનિટે વિજ્ઞાન ઉપલબ્ધિનો ઉપયોગ કરતો વ્યક્તિ વિજ્ઞાનનો પરાજય થાય તેવી માનસિકતા જોવા મળે છે તે દુઃખ છે. લોકોને ભદ્રાવિષ્ટિ, ભદ્રાદોષ, ભદ્રાકાલ, યોગ–કરણ, તિથિ ઉદિતનું કે ધર્મ સિંધુ ગ્રંથોની વાત કે ફળકથનોની જનસમાજને જરૂર નથી કે તેમાં રસ નથી. સદીઓથી ત્યૌહાર, ઉત્સવો કે ઉજવણીમાં બાધા નાખતા લેભાગુઓથી સાવધાન રહેવું જોઈએ.
રાજયમાં તમામ જિલ્લા મથકે શુક્રવાર સવારે ૧૧ વાગ્યા પછી રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાશે તેમાં જિલ્લાના રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, મોરબી, જામનગર, કચ્છ ભુજ, અરવલ્લી મોડાસા, આણંદ, ખેડા નડીયાદ, ગાંધીનગર, છોટા ઉદેપુર, ડાંગ આહવા, તાપી વ્યારા, વાવ-થરાદ, દાહોદ, નર્મદા રાજપીપળા, નવસારી, પાટણ, પંચમહાલ ગોધરા, બનાસકાંઠા પાલનપુર, ભરૂચ, મહિસાગર લુણાવાડા, મહેસાણા, વડોદરા, વલસાડ, સાબરકાંઠા હિંમતનગર, સુરત જિલ્લાઓમાં કાર્યક્રમને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
જાથાના દિનેશ હુંબલ, અંકલેશ ગોહિલ, રોમિત રાજદેવ, રવિ પરબતાણી, નિર્મળ મેત્રા, રાજુ યાદવ, વિનોદ વામજા, અશ્વિન કુગશીયા, અરવિંદ પટેલ, વિનુભાઈ લોદરીયા, જે. ડી. ઢોલરીયા, કાર્તિક ભટ્ટ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, વિક્રમ આહિર, ભકિતબેન રાજગોર, ભાનુબેન શેઠીયા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, એડવોકેટ હર્ષાબેન પંડયા, જીવનનગર મહિલા મંડળના સુનિતાબેન વ્યાસ, આશાબેન મજેઠીયા, જયોતિબેન પુજારા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા, ભારતીબેન રાવલ, શોભનાબેન ભાણવડિયા, પ્રફુલ્લાબેન બોરીચા, ભદ્રાબેન ગોહેલ, જયશ્રીબેન મોડેસરા સહિત કાર્યકરો રક્ષાબંધન પર્વની ઉજવણીની તૈયારી કરી રહ્યા છે.
અંતમાં શુક્રવાર આખો દિવસ રક્ષાબંધન ત્યૌહારની ઉજવણી કરવી. જાથા સવારે ૧૧ વાગ્યે સામુહિક રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે અને નકારાત્મક આગાહી ફળકથનોની સામે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી લોકોને મુર્હુત–ચોઘડીયાની લપમાંથી બહાર આવવા માટેનો પ્રયત્ન કરશે. માહિતી માટે મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.