જામનગરમાં બેંકના લોકરમાંથી દાગીના ચોરીમાં પટાવાળો અને સાગરીત ઝડપાયા
૪૩.૧૬ લાખનો મુદ્દામાલ રિકવર : અન્ય એક શખ્સની શોધખોળ : ગોલ્ડ લોનના અસલી દાગીના કાઢી નકલી મુકી દીધાનો તપાસમાં પર્દાફાશ
જામનગર શહેરમાં ચોરી, ઘરફોડ ચોરી તેમજ નોકરચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય, રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ એન. ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જામનગર સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે નોકરચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડી કુલ ૪૩.૧૬ લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
તા.૩ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સીટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમના પોલીસ હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા, વિજયભાઈ બળદેવભાઈ કાનાણી તથા હિતેષભાઈ રાણાભાઈ સાગઠીયાને મળેલી બાતમીના આધારે માધવ પ્લાઝા વિસ્તારમાંથી વિજયભાઈ આલાભાઈ વઘોરાને શંકાસ્પદ સોનાના દાગીના વેચવા માટે આવ્યો હોવાની હકીકતે ઝડપી લેવામાં આવ્યો હતો.
પોલીસે તપાસ કરતાં વિજયભાઈએ કબૂલાત આપી હતી કે રણજીતસાગર રોડ ઉપર આવેલી ઇન્ડિયન (અલ્હાબાદ) બેંકમાં પટાવાળા તરીકે નોકરી કરતા હસમુખભાઈ દિનેશભાઈ પારીયાએ બેંકના લોકરમાં રહેલા અસલી સોનાના દાગીના ચોરી કરી તેના બદલે નકલી દાગીના લોકરમાં મૂકી દીધા હતા અને અસલી દાગીના વેચવા માટે વિજયભાઈને આપ્યા હતા.
આ અંગે બેંક મેનેજરને જાણ કરી તપાસ કરતાં હસમુખભાઈ પારીયાએ કુલ ૩૯,૪૮,૯૧૨ના સોનાના દાગીના ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું અને તેની ફરિયાદના આધારે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયાના માર્ગદર્શન હેઠળ તપાસ એ.એસ.આઈ. નરેન્દ્રસિંહ ઝાલાને સોંપવામાં આવી હતી. પોલીસે આરોપી હસમુખભાઈ દિનેશભાઈ પારીયા ઉ.વ.૩૫, રહે. હર્ષદમીલની ચાલી, પ્રણામી ટાઉનશીપ, શેરી નં.૬, જામનગર તથા વિજયભાઈ આલાભાઈ વઘોરા, રહે. રણજીતનગર સરકારી હાઉસિંગ ક્વાર્ટર, જામનગર, મૂળ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા, બંનેને ઝડપી લીધા હતા.
પ્રાથમિક તપાસમાં બંને પાસેથી ૧૭.૦૪૦ ગ્રામ સોનાના દાગીના, બે મોબાઇલ ફોન તથા અન્ય મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ સઘન તપાસ હાથ ધરવામાં આવતા .૨.૬૦ લાખ રોકડા તથા કુલ ૩૩૦.૦૫ ગ્રામ સોનાના દાગીના, જેની કિંમત ૩૮.૫૫ લાખ થાય છે, તે પણ રિકવર કરવામાં આવ્યા હતા.
આમ સમગ્ર તપાસ દરમિયાન કુલ ૩૪૭.૦૯ ગ્રામ સોનાના દાગીના, જેની હાલની કિંમત રૂ.૪૦.૪૬ લાખ, રૂ.૨.૬૦ લાખ રોકડા અને બે મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦ હજાર મળી કુલ રૂ.૪૩.૧૬ લાખનો મુદ્દામાલ રિકવર કરી જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૦૬, ૫૪ મુજબ મુદ્દામાલ તરીકે કબ્જે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા રમેશભાઈ ભીમજીભાઈ પારીયાને અટક કરવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે.
પોલીસ તપાસમાં આરોપી વિજયભાઈ આલાભાઈ વઘોરા વિરુદ્ધ અગાઉ પણ વિવિધ પોલીસ મથકોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો, ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળનો ગુનો, જામનગર સીટી સી ડિવિઝનમાં પ્રોહિબિશનનો ગુનો, રાજકોટ શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ચોરી તથા ઘરફોડ ચોરીનો ગુનો તેમજ સલાયા, વલસાડ-બીલાડ અને અમરેલી-પીપાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાઓનો સમાવેશ થાય છે.