જામનગર: નવી મોખાણામાં દીપડાના અડીંગાની ફરિયાદ, વનવિભાગને પેટ્રોલીંગમાં કોઇ સગડ ન મળ્યા
ગામની સીમમાં દીપડાના આંટાફેરા યથાવત પણ કામગીરીમાં વિલંબનોે આક્ષેપ
પગપાળા જતાં યાત્રીકોએ ખીજડીયા નજીક દીપડાને માર્ગ ઓળંગતા જોયો હતો
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં દીપડાએ અડીંગો જમાવ્યાની ફરિયાદના પગલે વનવિભાગના કર્મચારીઓએ પેટ્રોલીંગ કર્યું હતું. પરંતુ દીપડાના કોઇ સગડ મળ્યા ન હતાં. નવી મોખાણા ગામની સીમમાં દીપડાના આંટાફેરા યથાવત હોવા છતાં ફોરેસ્ટ વિભાગ દ્વારા યોગ્ય રીતે દીપડાને પકડવાની કામગીરી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયની લાગણી પ્રસરી છે.દીપડાને પકડી પાડવા છેલ્લા ૨૫ દીવસથી વનવિભાગ દ્વારા ગામની સીમમાં અલગ અલગ દીશા અને સીમમાં ટ્રેપ કેમેરા સાથે ૩ પાંજરા મૂકી સતત મથામણ કરવામાં આવી રહી છે. પરંતુ દીપડો પાંજરા સુધી આવીને નાસી ગયો હતો.દીપડાએ વધુ એક વખત સ્થળ બદલતા ખીજડીયા તરફ નાસી ગયાનું અનુમાન છે. કારણ કે, અષાઢીબીજના પગપાળા જતાં યાત્રીકોએ દીપડાને માર્ગ ઓળંગતા નજરે જોયો હોવાનું જણાવ્યું હતું. જેના પગલે વનવિભાગના કર્મચારીઓએ ખીજડીયા સીમ અને પક્ષી અભ્યારણ્યમાં પેટ્રોલીંગ કર્યું હતું. પરંતુ દીપડાના કોઇ સગડ મળ્યા ન હતાં. આથી ગ્રામજનોને કોઇ ભય ન રાખવા વનવિભાગના અધિકારીઓએ અનુરોધ કર્યો છે. બીજી બાજુ ગત રાત્રીના નવી મોખાણાના ગ્રામજનોએ સીમમાં દીપડા સતત પાંચેક દીવસથી આંટાફેરા કરતો હોય વનવિભાગના કર્મચારીઓ આવતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે, વનવિભાગના કર્મચારીઓએ ગ્રામજનોની ફરિયાદને અનુલક્ષીને ગતરાત્રીના સીમ વિસ્તારમાં મોડીરાત્રી સુધી પેટ્રોલીંગ કર્યું હતું. પરંતુ દીપડાના કોઇ ફુટમાર્ક કે સગડ મળ્યા ન હતાં.