BREAKING NEWS

જામનગરમાં વડાપ્રધાનના રૂટ પર રોશનીનો ઝગમગાટ: કેટલાક માર્ગો ૨૪ કલાક બંધ રહી શકે

  • May 07, 2026 02:54 PM 

જામનગરમાં વડાપ્રધાનના રૂટ પર રોશનીનો ઝગમગાટ: કેટલાક માર્ગો ૨૪ કલાક બંધ રહી શકે

જામનગર શહેરમાં આગામી દશમી તારીખે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થતાં શહેરમાં તંત્ર સક્રિય બની ગયું છે. વડાપ્રધાન સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે તે પૂર્વે જામનગર મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને શહેરના ગૌરવ સમાન ગણાતા ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે.

ટાઉન હોલથી શરૂ થઈને સાત રસ્તા સર્કલ સુધી વિસ્તરતા આ માર્ગના ડિવાઇડરો તેમજ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર રંગબેરંગી અને ઝગમગતી લાઇટો લગાડવાની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. તે ઉપરાંત લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, દિગજામ સર્કલ અને મહાકાળી સર્કલ સહિત શહેરના મુખ્ય પાંચ સર્કલોને પણ આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવી રહ્યા છે. એરફોર્સના ગેઇટથી લાલ બંગલા સુધીના માર્ગ પર આવેલા ડિવાઇડરોમાં સ્થિત તમામ સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ ઝળહળતી રોશનીથી સજાવવામાં આવી રહ્યા છે.

ગઈકાલ રાત્રિથી જ આ સાજ-શણગારની કામગીરી શરૂ થઈ ગઈ છે, અને આગામી બે દિવસમાં શહેરના મુખ્ય માર્ગો અને સર્કલો સંપૂર્ણ રીતે ઝગમગી ઉઠશે. વડાપ્રધાનના આગમનને લઇને સમગ્ર જામનગર શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે તંત્ર દ્વારા સુચારૂ આયોજન માટે વિવિધ તૈયારીઓ અંતિમ તબક્કામાં છે, ગત વખતે જયારે વડાપ્રધાને રાત્રી રોકાણ કર્યું હતું ત્યારે ૨૪ કલાક માટે કેટલાક માર્ગો બંધ કરવામાં આવ્યા હતા, સંભવત: આ વખતે પણ સર્કિટ હાઉસ ફરતેના તમામ માર્ગ બંધ કરવા માટેનાં જાહેરનામા એક બે દિવસમાં બહાર પાડવામાં આવશે, ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે બંગાળની ભવ્ય જીત બાદ પહેલી વાર વડાપ્રધાન જામનગર આવી રહ્યા હોવાથી લાલબંગલા સર્કલ ખાતે નક્કી થયેલી વ્યકિતઓ દ્વારા નરેન્દ્રભાઇ મોદીનું કદાચ ભવ્ય સન્માન પણ થઇ શકે છે, તેની કોઇ વિગતો પણ હજુ સત્તાવાર રીતે જાહેર કરાઇ નથી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application