મોડર્ના અને મર્ક કંપની દ્વારા વિકસાવવામાં આવેલી નવી થેરાપી શરીરની ઇમ્યુન સિસ્ટમને સક્રિય કરવામાં મદદ કરી કેન્સર સેલ્સને ઓળખીને તેના પર હુમલો કરશે
કેન્સરની સર્જરી સફળ થયા બાદ પણ દર્દીઓ અને ડોક્ટરો સામે સૌથી મોટો પડકાર એ રહે છે કે બીમારી ફરીથી પાછી ન આવે. ખાસ કરીને સ્કિન કેન્સરના એક ગંભીર પ્રકાર મેલાનોમામાં સારવાર બાદ પણ કેન્સર સેલ્સ શરીરમાં ફરી ફેલાવાનું જોખમ રહે છે. હવે આ જોખમ ઘટાડવાની દિશામાં નવી આશા ઊભી થઈ છે.
મોડર્ના અને મર્ક કંપની દ્વારા વિકસાવવામાં આવેલી નવી એમઆરએનએ આધારિત પર્સનલાઇઝ્ડ થેરાપીએ ફેઝ-3 ક્લિનિકલ ટ્રાયલમાં સારા પરિણામો આવ્યા છે. આ થેરાપીમાં મોડર્નાની પર્સનલાઇઝ્ડ કેન્સર વેક્સિન ઇન્ટિસ્મેરન અને મર્કની કેન્સર દવા કીટ્રુડાનું કોમ્બિનેશન આપવામાં આવે છે. તેનો હેતુ સર્જરી બાદ મેલાનોમા ફરીથી થવાનું જોખમ ઘટાડવાનો છે.
આ થેરાપીની ખાસિયત એ છે કે તે દરેક દર્દીના કેન્સર પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો સૌપ્રથમ દર્દીના ટ્યુમરની તપાસ કરીને તેમાં રહેલા ચોક્કસ જિનેટિક મ્યુટેશન શોધે છે. ત્યારબાદ દર્દીના કેન્સરમાં જોવા મળેલા મ્યુટેશનના આધારે પર્સનલાઇઝ્ડ એમઆરએનએ વેક્સિન તૈયાર કરવામાં આવે છે.
આ થેરાપી શરીરની ઇમ્યુન સિસ્ટમને સક્રિય કરવામાં મદદ કરે છે, જેથી તે કેન્સર સેલ્સને ઓળખી શકે અને તેના પર હુમલો કરી શકે. એટલે કે એક જ પ્રકારની દવા તમામ દર્દીઓને આપવાને બદલે દર્દીના કેન્સરની વિશિષ્ટ જિનેટિક માહિતીના આધારે સારવાર તૈયાર કરવામાં આવે છે.
ફેઝ-3 ટ્રાયલમાં એવા મેલાનોમા દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેમની સર્જરી દ્વારા કેન્સર સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમને એમઆરએનએ વેક્સિન અને કીટ્રુડાનું કોમ્બિનેશન આપવામાં આવ્યું.
ટ્રાયલના પરિણામોમાં જાણવા મળ્યું કે આ કોમ્બિનેશનથી કેન્સર ફરીથી થવાનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે. આ અભિગમને પર્સનલાઇઝ્ડ કેન્સર ટ્રીટમેન્ટની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પહેલાંના ફેઝ-2બી ટ્રાયલમાં પણ સારા પરિણામો જોવા મળ્યા હતા. પાંચ વર્ષના ફોલોઅપમાં ઇન્ટિસ્મેરન અને કીટ્રુડાના કોમ્બિનેશનથી કેન્સર ફરી થવા અથવા દર્દીના મૃત્યુના જોખમમાં 49 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે કેન્સર શરીરના અન્ય દૂરના અંગોમાં ફેલાવા અથવા મૃત્યુના જોખમમાં 59 ટકા ઘટાડો નોંધાયો હતો.
જોકે ફેઝ-3 ટ્રાયલના સારા પરિણામો આવ્યા હોવા છતાં આ થેરાપી તાત્કાલિક બજારમાં ઉપલબ્ધ થઈ શકતી નથી. દવા કંપનીએ ટ્રાયલના સંપૂર્ણ ડેટાની સમીક્ષા માટે સંબંધિત આરોગ્ય નિયમનકારી સંસ્થાને અરજી કરવી પડશે. ત્યારબાદ નિયમનકારી મંજૂરી મળ્યા પછી જ આ થેરાપીનો વ્યાપક ઉપયોગ અને બજારમાં વેચાણ શક્ય બનશે.
જો આ થેરાપીને મંજૂરી મળે છે, તો મેલાનોમા દર્દીઓમાં સર્જરી બાદ કેન્સર ફરી થવાનું જોખમ ઘટાડવા માટે પર્સનલાઇઝ્ડ એમઆરએનએ સારવારનો નવો વિકલ્પ ઉપલબ્ધ થઈ શકે છે.