BREAKING NEWS

જામનગર: મોટી ખાવડીમાંથી ૭૩૬ ગ્રામ ગાંજા સાથે સિક્કાનો શખ્સ ઝડપાયો

  • November 19, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટી ખાવડીમાંથી ૭૩૬ ગ્રામ ગાંજા સાથે સિક્કાનો શખ્સ ઝડપાયો

એન્ટી નાર્કોટીક્સ વીંગની કાર્યવાહી : કુલ ૭૨,૪૦૦નો મુદ્દામાલ કબજે : લાલપુરના શખ્સનું નામ ખુલ્યુ 

જામનગર જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણની પ્રવૃત્તિ ડામવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન અંતર્ગત એન્ટી નાર્કોટીક્સ વીંગની ટીમે મોટી ખાવડી ગામમાં દરોડો પાડી ૭૩૬ ગ્રામ ગાંજાના જથ્થા સાથે સિક્કાના એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે આરોપી પાસેથી ગાંજા ઉપરાંત મોટરસાયકલ, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ૭૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. બે દિવસ પહેલા રબ્બાની પાર્ક વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરનાર એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી, દરમ્યાનમાં વધુ એક શખ્સ ગાંજા સાથે મળી આવ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે એન્ટી નાર્કોટીક્સ વીંગના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.
​​​​​​​
તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી ખાવડી ગામમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સિક્કા ગામના ફૈઝે રઝા હાઉસ, ઈદગાહ મસ્જિદ પાસે રહેતા ઈમ્તિયાજ આમદભાઈ મુલા (ઉ.વ. ૨૯)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી ૩૬,૮૦૦ની કિંમતનો ૭૩૬ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ૩૦ હજારની મોટરસાયકલ, પાંચ હજારનો મોબાઈલ ફોન અને ૬૦૦ રોકડ સહિત કુલ ૭૨,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
​​​​​​​
આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(એ) તથા ૨૯ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો ક્યાંથી મેળવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તે સહિતની બાબતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી દરમ્યાનમાં લાલપુરના મોસીન નામના શખ્સની સંડોવણી ખુલી છે જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application