વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના માધવ પ્રિય ઉર્ફે એમ.પી. સ્વામી તથા દર્શન પ્રકાશ ઉર્ફે ડી.પી. સ્વામી ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના ભુપેન્દ્ર રોડ પર મંદિર ખાતે બંનેએ સાથે મળી નિવૃત શાસનાધિકારીને ડાકોરમાં 300 થી 400 વીઘા જગ્યામાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હોવાથી જમીન ખરીદી કરવાનું કહી છેતરપિંડી ઠગાઇ કરી હતી. બંને સ્વામી સહિત પાંચ શખ્સો વિરુદ્ધ નિવૃત શાસનાધિકારીએ રૂપિયા 1.25 કરોડની છેતરપિંડી આચર્યા અંગે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ લક્ષ્મીનગર નાલા પાસે દાસી જીવણપરા શેરી નંબર-૧ માં રહેતા નિવૃત્ત શાસનાધિકારી નરસિંહભાઈ લધરભાઇ વાઢેર (ઉ.વ.72) દ્વારા ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચિંતન અશ્વિનભાઈ પરમાર (રહે નારણપુરા, અમદાવાદ), જે.કી. શરદભાઈ રામી (રહે. વડોદરા), લાલજી બાવાભાઈ ઢોલા (રહે ગોળાદરા પર્વત પાટિયા, સુરત), માધવ સ્વામી ઉર્ફે એમ.પી સ્વામી (રહે પાનેલી, અંકલેશ્વર) અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી સ્વામી (રહે સિધેશ્વર ગૌશાળા આણંદ) ના નામ આપ્યા છે.
નરસિંહભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2004માં મોરબી નોકરી કરતા સમયે રાજકોટ અપ ડાઉન કરતા હતા તે વખતે મોરબીની નાની બજારમાં કપડાની દુકાન ધરાવતા ભાવેશ પરમાર સાથે પરિચય થયો હતો જેણે ચિંતન પરમાર સાથે પરિચય કરાવ્યો હતો. વર્ષ 2020 માં ચિંતને ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો 400 વીઘા જમીનમાં ભવ્ય મંદિર બનાવવા માંગે છે તેવી વાત કરી હતી તેમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે ભાગીદાર તરીકે મિત્ર વિપુલ કાપડિયા રહેશે તેમ કહ્યું હતું. ત્યારબાદ રાજકોટમાં ભુપેન્દ્ર રોડ ખાતેના સ્વામિનારાયણ મંદિરે સંતોને મળવા બોલાવતા પરિવાર સાથે ગયા હતા.
અહીં મંદિરના ઉતારામાં એમ.પી અને ડી.પી સ્વામી ઉપરાંત લાલજી મળ્યો હતો. આરોપીઓએ ડાકોરમાં મંદિર અને ગૌશાળા બનાવવાની વાત કરી હતી અને આ માટે આફ્રિકાથી દાન આવશે તેમ કહી દાન આપનારને જમીન ખરીદનુ અલસ સાટાખત બતાવવુ પડશે તેમ પણ કહ્યું હતું. વધુમાં કહ્યું હતું કે જ્યાં મંદિર બનાવવાનું છે ત્યાં સીધા ખેડૂત પાસેથી જમીન ખરીદ કરશે તો વધુ કિંમત ચૂકવવી પડશે પરંતુ જો તે આ જમીન ખરીદવા માટે રૂપિયાનો રોકાણ કરશે તો તેના નામે જમીનનો સટાખત થયા બાદ તેઓ જમીનના રૂપિયા ઉપરાંત કમિશનની રકમ પરત આપી દેશે.
આરોપીઓની વાતોમાં આવી જઇ ડાકોરના સૂઈ અને સૈયદ ગામમાં જમીન જોવા ગયા હતા જ્યાં ખેડૂત જે.કી. રામીની સાથે મુલાકાત થઈ હતી. 354 વિઘા જમીનનો 2.76 કરોડનો ભાવ નક્કી થયો હતો. ટોકન પેટે જે.કી.ને એક લાખ આપ્યા હતા નક્કી થયા મુજબ પછી જે.કી.ને રૂપિયા 1.24 કરોડ આપ્યા હતા જેના બદલામાં સ્ટેમ્પ પેપર ઉપર તેના અને ભાગીદાર વિપુલ કાપડી (રહે. સાતલપુર તા. વંથલી) ના નામનું લખાણ કરી આપ્યું હતું એટલું જ નહીં જમીનનુ સાટાખત પણ આપી દીધો હતો. બાદમાં એમ.પી અને ડી.પી સ્વામીને જમીનનો અસલ સાટાખત આપી દીધો હતો તે તેમને રાખી લીધો હતો. દસ દિવસમાં આફ્રિકાથી દાન આવ્યા બાદ તેને રકમ અને કમિશન વગેરે પરત આપી દેવાની વાત કરી હતી.
દસ દિવસ બાદ રકમ પરત નહીં મળતા એમ.પી અને ડી.પી સ્વામીને મળતા આફ્રિકાથી દાન નહીં આવ્યાનું બહાનું બતાવ્યું હતું. 15 દિવસ બાદ દાનની રકમ આવી ગયાનું જણાવી હજુ એફસીઆર સર્ટિફિકેટ આવ્યા બાદ દાનની રકમ ઉપાડી શકાશે તેવી વાત કરી હતી. 15 દિવસ બાદ દાનની રકમ નહીં આવવાનું જણાવ્યું હતું અને ફરિયાદીને કહી દીધું હતું કે તમને કોઈ રૂપિયા આપવાના થતા નથી. જેકી પાસેથી રકમ લઈ લેવાનું કહ્યું હતું. જેથી અંતે રૂ.૧.૨૫ કરોડની છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને સ્વામી સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 318(4) 61(2) મુજબ ગુનો દાખલ કરી આ અંગે વધુ તપાસ આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે.
સમાધાન બાદ સુઇ ગામની જમીનનો દસ્તાવેજ કરી દેવાની ખાતરી આપી’તી
બંને સ્વામીએ પૈસા પરત આપવા માટે હાથ ઉંચા કરી દેતા નિવૃત શાસનાધિકારી જેની પાસેથી જમીન ખરીદ હતી. જેકીને આ બાબતે વાત કરતા તેણે કહ્યું હતું કે, આઠ મહિનામાં જમીન ખરીદીના બાકીના રૂપિયા 1.51 કરોડ મળ્યા નથી તેથી રકમ ભરત આપવાનો ઇનકાર કરી દીધો હતો આ પછી તમામ આરોપીઓને કોલ કરતા હતા પણ જવાબ આપતા ન હતા. જેથી છેતરપિંડી થયાનું જણાતા 2023 માં ડાકોર પોલીસ મથકમાં અરજી કરતાં જે.કી. એ રૂપિયા 1.25 કરોડ પરત આપી સટાખત કેન્સલ કરી દેવાનું કહી સમાધાન કર્યું હતું તેમ કહ્યા બાદ જે.કી. સમજૂતી મુજબ રૂ. 1.25 કરોડની સામે સુઈ ગામની જમીનો દસ્તાવેજ કરી આપવાની લાલચ આપી હતી. પરંતુ આજદિન સુધી દસ્તાવેજ નહીં કરી આપતા કે રકમ પણ પરત નહીં આપતા અંતે ફરિયાદ નોંધાવી હતી.