BREAKING NEWS

ખંભાળીયા: નર્મદા ડેમ ૯૬% ભરેલો છતાં દ્વારકાના ડેમોમાં માત્ર ૨% પાણી

  • November 19, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયા: નર્મદા ડેમ ૯૬% ભરેલો છતાં દ્વારકાના ડેમોમાં માત્ર ૨% પાણી

ખેડૂતોની વેદના લઈને ઇસુદાન ગઢવી મેદાનમાં, સરકારને બે દિવસ દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં રોકાવાનો પડકાર: ૨૦૨૭ની ચૂંટણીમાં ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશ નહીં આપવા ચીમકી

ગુજરાતમાં એક તરફ નર્મદા ડેમ ૯૬ ટકા જેટલો ભરેલો હોવા છતાં બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પાણીની ગંભીર અછત સર્જાઈ રહી છે. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ડેમોમાં માત્ર ૧.૪૮ ટકા એટલે કે અંદાજે ૨ ટકા જેટલું જ પાણી બચ્યું હોવાના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ રાજ્યની ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા છે. દ્વારકા જિલ્લાના પ્રવાસ દરમિયાન તેમણે પાણીની સમસ્યા, ખેડૂતોની આર્થિક સ્થિતિ અને સરકારી સહાયના મુદ્દે સરકારને ઘેરતા મુખ્યમંત્રી સહિત મંત્રીઓને દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે દિવસ રોકાઈને વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવવાનો પડકાર ફેંક્યો હતો.

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, નર્મદા ડેમમાં ૯૬ ટકા પાણી ઉપલબ્ધ છે, પરંતુ દ્વારકા જિલ્લાના ડેમોમાં માત્ર ૧.૪૮ ટકા પાણી બચ્યું છે. આવી સ્થિતિમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવું તો દૂરની વાત છે, સામાન્ય લોકોને પીવાના પાણી માટે પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, પશુઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની રહી છે. પશુપાલન અને ખેતી પર નિર્ભર વિસ્તારના લોકો માટે આ સ્થિતિ અત્યંત ચિંતાજનક છે.

તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગરિકોએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્યો અને સાંસદ સહિત તમામ સ્તરે ભાજપને સમર્થન આપ્યું હોવા છતાં બદલામાં જિલ્લાને પૂરતું પાણી મળ્યું નથી. જનતાએ સરકારને તમામ સત્તા સોંપી હોવા છતાં આજે પાણી માટે વલખાં મારવાની સ્થિતિ ઊભી થઈ છે. ઉદ્યોગોને પાણી આપવા સામે કોઈ વાંધો નથી, પરંતુ ઉદ્યોગોને કેટલું પાણી આપવામાં આવે છે અને બીજી તરફ ગામડાઓમાં લોકોને પાણી કેમ મળતું નથી તેવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો.

કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી સૌની યોજનાની કામગીરી સામે પણ ઇસુદાન ગઢવીએ સવાલો ઊભા કર્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે સરકાર સૌની યોજના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે ત્યારે તેનું પાણી છેવાડાના ગામડાઓ સુધી કેમ પહોંચતું નથી? યોજનામાં લીકેજ છે, કામગીરીમાં ગેરરીતિ થઈ છે કે પછી સરકારની પાણી પહોંચાડવાની દાનતનો અભાવ છે? યોજનાનો લાભ ખરેખર ખેડૂતો અને સામાન્ય લોકોને મળવો જોઈએ, પરંતુ આજે ગામડાઓમાં પાણીની સમસ્યા યથાવત્ છે. સરકાર ખેડૂતોની વેદના સમજવાને બદલે તેમના ઘા પર મીઠું ભભરાવી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

માત્ર દ્વારકા જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાનું જણાવતાં તેમણે પોરબંદર, જામનગર, અમરેલી, કચ્છ, ગીર સોમનાથ અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની હોવાનું જણાવ્યું હતું. વરસાદની અનિશ્ચિતતા અને પાણીની અછતના કારણે ખેડૂતોને ખેતી ટકાવી રાખવી મુશ્કેલ બની રહી છે. ખેતી માટે જરૂરી પાણી ન મળતાં પાક અને પશુપાલન બંને પર તેની અસર પડી રહી છે.

ખેડૂતોને આપવામાં આવતી સરકારી સહાયના મુદ્દે પણ તેમણે સરકારની નીતિની ટીકા કરી હતી. ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, એક તરફ સરકારે પાક વીમાની વ્યવસ્થા બંધ કરી દીધી છે અને બીજી તરફ દુષ્કાળની પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયના નામે માત્ર ૮,૫૦૦ રૂપિયા આપીને તેમની મજાક ઉડાવવામાં આવી છે. મોંઘવારી, ખેતીના વધતા ખર્ચ, બિયારણ, ખાતર અને મજૂરીના ખર્ચ વચ્ચે આટલી ઓછી સહાયથી ખેડૂતોને કોઈ મોટો આધાર મળી શકે તેમ નથી. ખેડૂતોને પૂરતી આર્થિક સહાય, દેવા માફી અને ખેતી માટે જરૂરી પાણી આપવાની માંગ પણ તેમણે કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતો હવે જ્ઞાતિ-જાતિ અને રાજકીય પક્ષોના ભેદભાવથી ઉપર ઊઠીને પોતાના હક અને પ્રશ્નો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોએ આમ આદમી પાર્ટીને આપેલા સમર્થનનો ઉલ્લેખ કરતાં તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા અને ખેડૂતોના પ્રશ્નોને રાજકીય રીતે અવગણવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓને ખુલ્લો પડકાર ફેંકતાં જણાવ્યું હતું કે, માત્ર ગાંધીનગરમાં બેસીને બેઠકો કરવાથી કે કાગળ પર યોજનાઓ બનાવવાથી ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ જાણી શકાશે નહીં. મુખ્યમંત્રી અને મંત્રીઓએ દ્વારકા, પોરબંદર, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને કચ્છ જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં બે દિવસ રોકાવું જોઈએ. ગામડાઓમાં જઈને ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોની સમસ્યાઓ સાંભળવી જોઈએ, જેથી પાણીની અછત અને ખેતીની વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવી શકે.

અંતમાં તેમણે સરકારને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, જો આ વખતે ખેડૂતોને સમયસર ન્યાય નહીં મળે, પૂરતી આર્થિક સહાય નહીં આપવામાં આવે, ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે અને ગામડાઓમાં પીવાના તથા સિંચાઈના પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ખેડૂતોમાં સરકાર સામેનો રોષ વધુ ભભૂકી ઊઠશે. આગામી ૨૦૨૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગામડાઓમાં ભાજપના નેતાઓને પ્રવેશવા નહીં દેવામાં આવે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.

દેવભૂમિ દ્વારકાથી શરૂ થયેલો પાણી અને ખેડૂતોનો આ મુદ્દો હવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના રાજકીય માહોલમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ પાણીની અછત અને બીજી તરફ ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સરકાર આ પ્રશ્નોનો કેવી રીતે ઉકેલ લાવે છે તેના પર હવે સૌની નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application