અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ખાનગી એરલાઇન્સ કંપની સ્પાઇસજેટની ગંભીર બેદરકારી અને ગેરવહીવટ સામે આવ્યો છે. ગઈકાલે, રાત્રે 10:20 વાગ્યે અમદાવાદથી નવી દિલ્હી જનારી ફ્લાઇટને એરલાઇન્સ દ્વારા એક-બે વાર નહીં, પરંતુ અંદાજે 10 વખત ડિલે કરવામાં આવી હતી. કલાકો સુધી મુસાફરોને રાહ જોવડાવ્યા બાદ અંતે રાત્રે 12 વાગ્યે અચાનક આ ફ્લાઇટ કેન્સલ કરી દેવાની જાહેરાત કરવામાં આવતા 100થી વધુ મુસાફરો એરપોર્ટ પર જ રઝળી પડ્યા હતા અને સમગ્ર ટર્મિનલ પર ભારે હોબાળો મચ્યો હતો.
ઘટનાની વિગતો મુજબ, દિલ્હી જવા માટે 100થી વધુ મુસાફરો સમયસર એરપોર્ટ પર પહોંચી ગયા હતા. રાત્રે 10:20 કલાકે ટેકઓફ થનારી ફ્લાઇટમાં વારંવાર વિલંબ થતો રહ્યો હતો. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સના સ્ટાફ દ્વારા શરૂઆતથી જ ફ્લાઇટ ચોક્કસપણે ઉડાન ભરશે તેવો ખોટો ભરોસો આપીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. જેના કારણે મુસાફરો અન્ય કોઈ ફ્લાઇટ કે મુસાફરીનો બીજો વિકલ્પ પસંદ કરી શક્યા નહોતા. અંતે મધ્યરાત્રિએ 12 વાગ્યે ફ્લાઇટ રદ થવાની જાહેરાત થતાં મુસાફરોના સબ્રનો બાંધ તૂટ્યો હતો અને સ્પાઇસજેટના કર્મચારીઓ સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ફ્લાઇટ રદ થયા બાદ સૌથી વધુ કફોડી હાલત દૂર-દૂરથી આવેલી મહિલા મુસાફરો, વૃદ્ધો અને પરિવારોની થઈ હતી. મધ્યરાત્રિના સમયે મુસાફરો માટે એરલાઇન્સ દ્વારા ન તો કોઈ હોટેલ કે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, કે ન તો અન્ય કોઈ ફ્લાઇટમાં વૈકલ્પિક મુસાફરીની સુવિધા ઊભી કરવામાં આવી હતી. આ ઉપરાંત, કલાકોથી ભૂખ્યા-તરસ્યા હેરાન થઈ રહેલા મુસાફરોને એરલાઇન્સ સ્ટાફ દ્વારા પ્રાથમિક સુવિધા કે પીવાના પાણી માટે પણ પૂછવામાં ન આવ્યું હોવાના ગંભીર આક્ષેપો મુસાફરોએ કર્યા હતા.
એરપોર્ટ પર થયેલા હોબાળાના સામે આવેલા વીડિયોમાં મુસાફરોનો ભારે આક્રોશ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. મુસાફરોએ આરોપ લગાવ્યો હતો કે લોકોની મુશ્કેલી જોઈને સ્પાઇસજેટના કર્મચારીઓ મદદ કરવાને બદલે દાંત કાઢીને મજાક ઉડાવી રહ્યા હતા. જ્યારે એરલાઇન્સના કર્મીએ મુસાફરોને ટિકિટનું રિફન્ડ આપવાની વાત કરી, ત્યારે એક ઉશ્કેરાયેલા મુસાફરે રોષભેર કહ્યું હતું કે, રિફન્ડ નથી જોઈતું, તમને અને તમારી આ ભિખારી કંપનીને હું ડોનેટ કરું છું.
આ દરમિયાન અન્ય એક મુસાફરે પણ એરલાઇન્સની રિફન્ડ પ્રક્રિયા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, રિફન્ડની તો વાત જ ન કરશો, અગાઉ પણ મારી સાથે આવો જ કડવો અનુભવ થયો હતો અને ત્યારે ટિકિટનું રિફન્ડ મેળવવામાં ચાર મહિના જેટલો લાંબો સમય લાગ્યો હતો. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે મુસાફરોમાં સ્પાઇસજેટની સેવાઓ સામે ભારે રોષની લાગણી ફેલાઈ છે.