BREAKING NEWS

અમદાવાદમાં દિલજીત દોસાંઝના કોન્સર્ટમાં 1300 પોલીસકર્મી તૈનાત, બોમ્બ-ડોગ સ્કવોડ દ્વારા ચેકિંગ

  • November 19, 2026 01:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આગામી 21 નવેમ્બર, 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબી સીંગર અને કલાકાર દિલજીત દોસાંઝનો મ્યુઝિક કોન્સર્ટ યોજાવા જઈ રહ્યો છે. આ મેગા ઇવેન્ટને લઈને અવારનવાર બોમ્બની ધમકીઓ મળી રહી હોવાથી સુરક્ષા એજન્સીઓ અને અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે સતર્ક બની ગઈ છે. કોન્સર્ટ દરમિયાન કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેડિયમ અને તેની આસપાસના વિસ્તારોમાં 1300થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સાથે જ કોન્સર્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સતત સઘન તપાસ અભિયાન ચલાવવામાં આવશે.


દિલજીતના કોન્સર્ટને લઈને અત્યાર સુધીમાં અનેક વખત ધમકીભર્યા મેસેજ મળી ચૂક્યા છે, જેને ગંભીરતાથી લઈને અમદાવાદ પોલીસે વિશેષ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. ધમકી આપવા માટે જે ઈમેલ આઇડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેના પર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, સોશિયલ મીડિયા પર પણ સતત સર્વેલન્સ રાખવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ કોન્સર્ટ અંગે ખોટી અફવા ફેલાવશે, તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


કોન્સર્ટના દિવસે સ્ટેડિયમ, પાર્કિંગ એરિયા અને તમામ પ્રવેશદ્વારો પર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવશે. સમગ્ર સ્ટેડિયમ અને આસપાસના વિસ્તાર પર સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા હવામાંથી સતત નજર રાખવામાં આવશે. મોટી સંખ્યામાં પ્રેક્ષકો ઉમટી પડવાના હોવાથી ભીડ નિયંત્રણ અને ક્રાઉડ મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. નાસભાગ કે સ્ટેમ્પેડ જેવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે હોલ્ડિંગ એરિયા ઊભા કરવામાં આવશે અને એક જ ગેટ પર ભીડ એકઠી ન થાય તે માટે અલગ-અલગ ગેટથી પ્રવેશ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરી, ટિકિટની કાળાબજારી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસકર્મીઓ સાદા કપડામાં પણ તૈનાત રહેશે. મહિલા પ્રેક્ષકોની સુરક્ષા અને સગવડ માટે શી ટીમની મહિલા કર્મચારીઓ પણ સાદા કપડામાં સતત પેટ્રોલિંગ કરતી રહેશે. મુખ્ય રસ્તાઓથી લઈને સ્ટેડિયમના સ્ટેજ સુધી અલગ-અલગ લેયરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને સ્ટેડિયમ તરફ આવતા તમામ શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવશે.

પ્રવેશદ્વારો પર કડક ચેકિંગ કર્યા બાદ સ્ટેડિયમની અંદર પણ સુરક્ષા તપાસ ચાલુ રહેશે. સ્ટેડિયમમાં સ્ટેજની નજીક આવેલા સ્ટેન્ડિંગ એરિયામાં પણ પોલીસ જવાનો તૈનાત રાખવામાં આવશે, જેથી ભીડ બેકાબૂ ન બને કે કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. મહિલાઓ માટે ચેકિંગની અલગ વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થાની સંપૂર્ણ ચકાસણી અને તૈયારીના ભાગરૂપે કોન્સર્ટના આગલા દિવસે પોલીસ દ્વારા ખાસ રિહર્સલ પણ કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application