ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર કરારની વાટાઘાટો અંતિમ તબક્કામાં પહોંચી હોવા છતાં કરાર પર હસ્તાક્ષર થવામાં હજુ વિલંબ થશે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા પોતાનું નવું ટેરિફ માળખું નક્કી નહીં કરે ત્યાં સુધી બંને દેશો વચ્ચે વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે નહીં.
કેન્દ્રીય વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે ફિક્કીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની રૂપરેખા અગાઉથી નક્કી થઈ ચૂકી છે. કરારનો કાનૂની મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. જોકે અમેરિકામાં આયાત જકાત અંગે બદલાયેલી પરિસ્થિતિને કારણે કરારને આખરી સ્વરૂપ આપવામાં મુશ્કેલી ઊભી થઈ છે.
અગ્રવાલે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે વેપાર કરારની જાહેરાત થઈ ત્યારે અમેરિકામાં ચોક્કસ પ્રકારની આયાત જકાત અમલમાં હતી. ત્યારબાદ અમેરિકાની સુપ્રીમ કોર્ટે કેટલીક જકાત રદ કરી દીધી હતી. પરિણામે અમેરિકન સરકાર હવે નવું ટેરિફ માળખું તૈયાર કરી રહી છે.આ નવું માળખું નક્કી થયા વિના ભારત માટે કરાર પર હસ્તાક્ષર કરવાનું યોગ્ય નહીં રહે. તેનું કારણ એ છે કે આયાત જકાતના દરો બદલાવાથી જુદા જુદા દેશોને મળતા વેપારી લાભમાં પણ ફેરફાર થાય છે.
ભારત માટે આ મુદ્દો અત્યંત મહત્ત્વનો છે. અમેરિકાનું બજાર ભારતીય નિકાસકારો માટે મોટું બજાર છે. ખાસ કરીને કાપડ, રત્ન અને ઝવેરાત, એન્જિનિયરિંગ ઉત્પાદનો, દવાઓ તથા અન્ય અનેક ક્ષેત્રોની કંપ્નીઓ અમેરિકામાં માલ મોકલે છે.અમેરિકા અન્ય દેશોની સરખામણીએ ભારત પર કેટલી આયાત જકાત લાદે છે તેના આધારે ભારતીય ઉત્પાદનોની સ્પધર્ત્મિકતા નક્કી થાય છે. જો ભારતના માલ પર વધારે જકાત હોય તો અમેરિકન બજારમાં ભારતીય ઉત્પાદનો મોંઘાં પડે અને નિકાસને અસર થાય.વેપાર કરારનો મુખ્ય હેતુ બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો અને આયાત-નિકાસમાં આવતા અવરોધો ઘટાડવાનો છે. પરંતુ તેના માટે કઈ વસ્તુ પર કેટલી જકાત લાગશે તેની સ્પષ્ટતા અનિવાર્ય છે.