BREAKING NEWS

બાંગ્લાદેશમાં ફરી હિંસાની આગ ભડકી યુનુસના મકાનને પણ આગ ચાંપી દેવાઈ

  • November 19, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




બાંગ્લાદેશમાં શેખ હસીનાની વાપસીની જાહેરાત બાદ રાજકીય હિંસાએ ફરી માથું ઊંચક્યું છે. દેશના 64 પૈકી 28 જિલ્લામાં બોમ્બધડાકા અને આગચંપીની ઘટનાઓ બનતાં સ્થિતિ તંગ બની ગઈ છે. ભૂતપૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનને પણ અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દીધી છે. રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચેની અથડામણોમાં અનેક લોકોનાં મોત થયાં છે.



શેખ હસીનાની પ્રતિબંધિત અવામી લીગે આપેલા લોકડાઉનના એલાન પહેલાં જ રાજધાની ઢાકા સહિત અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી. ઢાકામાં દેશી બોમ્બના સંખ્યાબંધ ધડાકા થયા હતા. અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. સિલહટ, રાજશાહી, બારીસાલ અને ફરીદપુરમાં યુનુસ સાથે સંકળાયેલી ગ્રામીણ બેંકની કેટલીક શાખાઓમાં આગચંપી કરવામાં આવી હતી.



ચટગાંવના પાંચલાઈશ વિસ્તારમાં આવેલા મોહમ્મદ યુનુસના પૈતૃક મકાનને અજાણ્યા હુમલાખોરોએ સળગાવી દીધું હતું. બીજી તરફ વડાપ્રધાન તારિક રહેમાનની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના કાર્યકરોએ ઢાકામાં અવામી લીગના બે નેતાઓનાં મકાનો પર હુમલો કરીને આગ લગાવી હોવાના અહેવાલો છે.



પશ્ચિમ બાંગ્લાદેશના નરાઈલ જિલ્લામાં બીએનપીની રેલી પર અવામી લીગના કાર્યકરોના હુમલામાં સત્તાધારી પક્ષના બે સ્થાનિક નેતાઓનાં મોત થયાં હતાં. ફરીદપુર અને પિરોજપુરમાં પણ બે વ્યક્તિઓ માયર્િ ગયા હતા. ઢાકામાં ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા છે.આ હિંસા પાછળ શેખ હસીનાની સ્વદેશ વાપસીની જાહેરાત મુખ્ય કારણ માનવામાં આવે છે. વર્ષ 2024માં વિદ્યાર્થીઓના આંદોલનને પગલે સત્તા ગુમાવ્યા બાદ હસીના ભારતમાં રહે છે. માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં તેમને ગેરહાજરીમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. આ સજા છતાં હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે.




વડાપ્રધાન તારિક રહેમાને અવામી લીગને આતંકવાદી સંગઠન ગણાવી તેની સામે એક થવા હાકલ કરી છે. તેમણે પોતાના સમર્થકોને માત્ર સરકારી તંત્ર પર આધાર રાખવાને બદલે રસ્તા પર ઊતરવા પણ જણાવ્યું છે.


હિંસાને કાબૂમાં લેવા ગોપાલગંજ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશના હજારો જવાનો તૈનાત કરાયા છે. ઢાકામાં 24 કલાક દરમિયાન 565 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા લોકોમાં હસીનાની સરકારના ભૂતપૂર્વ શિક્ષણમંત્રી નુરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે.ગૃહમંત્રી સલાહુદ્દીન અહમદે હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જોકે રાજકીય પક્ષો વચ્ચે વધતી દુશ્મનાવટને કારણે આગામી દિવસોમાં હિંસા વધુ વકરવાની આશંકા ઊભી થઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application