BREAKING NEWS

ઓપરેશન હેલ્થ હેઠળ હાઈવેની હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં આજથી ફૂડ સેફ્ટીની મેગા ડ્રાઈવ

  • November 19, 2026 02:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્યના નાગરિકો અને હાઈવે પરથી પસાર થતા મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ગુજરાત સરકાર એક્શન મોડમાં આવી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ખાદ્ય એકમોમાં અસ્વચ્છતાની ફરિયાદોને પગલે આજથી એટલે કે 19 નવેમ્બરથી સમગ્ર ગુજરાતમાં ’ઓપરેશન હેલ્થ’ અંતર્ગત ફૂડ સેફ્ટીની વિશેષ તપાસણી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ નેશનલ હાઈવે અને રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી તમામ હોટલો, રેસ્ટોરન્ટ, ઢાબા તેમજ ફૂડ સર્વિસ સાથે સંકળાયેલા એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરાશે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાદ્ય પદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવા અને લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.


મંત્રીએ તમામ મહાનગરપાલિકાઓ અને જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરોને તપાસણી ઝુંબેશ અસરકારક રીતે હાથ ધરવા આદેશ આપ્યા છે.



’ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડડ્ર્સ એક્ટ, 2006’ હેઠળ હાથ ધરાનારી આ કામગીરીમાં ખાસ કરીને હાઈવે કોરિડોર પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ અને ઢાબાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ તપાસ થશે. તમામ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા ઋજ્ઞજઈજ્ઞજ પોર્ટલ મારફતે ઓનલાઈન ઇન્સ્પેક્શન કરવામાં આવશે, જેથી તપાસની પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે.



તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને કર્મચારીઓની સ્વચ્છતા સહિતના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. રસોઈયા અને અન્ય કર્મચારીઓ માટે કેપ, એપ્રોન તથા હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ ફરજિયાત બનાવવામાં આવ્યો છે. શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના સ્થળ પર જ સેમ્પલ લેવામાં આવશે. આ ઉપરાંત ’ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન મારફતે પણ ખાદ્ય ચીજવસ્તુઓનું સ્થળ પર પરીક્ષણ કરવામાં આવશે.


મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. ફૂડ સેફ્ટી એક્ટના શિડ્યુલ-4ના નિયમોનો ભંગ કરનારા એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવા ઉપરાંત લાયસન્સ સસ્પેન્ડ કરવા કે કાયમી રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને પણ સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચુસ્ત પાલન કરવા આરોગ્ય મંત્રીએ અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application