BREAKING NEWS

રાજકોટ સિવિલમાં મોતનો મલાજો ન જળવાયો, કોલ્ડ સ્ટોરેજમાં ખામીને કારણે બે દિવસમાં બે મૃતદેહ સડી ગયા

  • November 19, 2026 02:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ રૂમમાં ટેકનિકલ ખામી સર્જાતા બે મૃતદેહ સડી ગયા હોવાની ઘટના અને ત્યારબાદ નવા કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને લઈને ચર્ચાઓ જાગી છે. અહેવાલો મુજબ, કોલ્ડ સ્ટોરેજમાં માઈનસ ૧૦ ડિગ્રીને બદલે ૧૨-૧૩ ડિગ્રી તાપમાન થતાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો હતો અને બે દિવસમાં બે મૃતદેહ સડી ગયા હતા. આ મામલે બહારની કંપની આનાકાની કરતી હોવાથી, બ્લેક લિસ્ટ કરવાની ધમકી આપ્યા બાદ રિપેરિંગ કરાવવામાં આવ્યું હોવાનું તેમજ વિવાદ ટાળવા વાલી-વારસ વગરની લાશો સંગ્રહ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું પણ જાણવા મળ્યું છે.


બીજી તરફ, સિવિલ હોસ્પિટલના RMO હર્ષદ દુસરાએ આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, મૃતદેહ સડી ગયા હોવાની વાતમાં હકીકત નથી. તેમના જણાવ્યા મુજબ, ઘણી વખત ગુમ થયેલા લોકોના મૃતદેહ નદી કે કૂવામાંથી મળે છે, જે પહેલેથી જ ડીકંપોઝ (સડેલી) અવસ્થામાં હોય છે. પોસ્ટમોર્ટમ બાદ આવી અજ્ઞાત કે વાલી-વારસ વગરની મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજ રૂમમાં રાખવામાં આવે છે, તેથી કદાચ તે ડીકંપોઝ મૃતદેહના વિઝ્યુઅલ સામે આવ્યા હોઈ શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ અંગે હોસ્પિટલને કોઈ લેખિત ફરિયાદ પણ મળી નથી.


કોલ્ડ સ્ટોરેજના તાપમાન અને રિપેરિંગ અંગે વાત કરતા RMO હર્ષદ દુસરાએ જણાવ્યું કે, કોલ્ડ સ્ટોરેજના તાપમાનનું નિયમિત મોનિટરિંગ અને તપાસ કરવામાં આવે છે. આશરે દસેક દિવસ પહેલાં તેમાં થોડી ખામી અને તાપમાનમાં ફ્લક્ચ્યુએશન (ફેરફાર) જોવા મળ્યું હતું, જેની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે કંપનીના માણસોને બોલાવીને રિપેરિંગ કરાવી લેવામાં આવ્યું હતું. હાલમાં નવા કોલ્ડ સ્ટોરેજ રૂમના આઠેય કેબિનેટ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને કોઈ તકલીફ નથી.


આ ઘટના બાદ ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા મોટું પગલું ભરવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, સરકાર દ્વારા સૌરાષ્ટ્રના સૌથી મોટા, ૫૦ મૃતદેહ સાચવી શકે તેવા ૩ માળના નવા કોલ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે RMO હર્ષદ દુસરાએ જણાવ્યું કે, સમગ્ર સૌરાષ્ટ્રના રિજન માટે ભવિષ્યમાં કોઈ તકલીફ ન પડે તે હેતુથી ૭૨ કેબિનેટ ધરાવતા નવા ત્રણ માળના કોલ્ડ સ્ટોરેજની તૈયારી ચાલી રહી છે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અગવડ નહીં રહે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application