BREAKING NEWS

અમદાવાદ મ્યુનિ. કામોની વાહવાહી કરાવવા ખર્ચશે બે કરોડ, સો.મીડિયા ઇન્ફ્લુએન્સરની ભરતી કરશે

  • November 19, 2026 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પર જો કોઈ જાણીતા ઈન્ફ્લુએન્સર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીના વખાણ કરતા જોવા મળે, તો તેમાં જરાય નવાઈ પામવા જેવું નથી. પોતાની કામગીરીનો પ્રચાર-પ્રસાર કરવા અને ખાસ કરીને આજની યુવા પેઢી એટલે કે 'જેન ઝી'ને આકર્ષવા માટે મ્યુનિ. તંત્રે હવે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સનો સહારો લેવાનું નક્કી કર્યું છે. આ ડિજિટલ પ્રચાર પાછળ પ્રજાના પરસેવાની કમાણીના બે કરોડ રૂપિયાથી વધુનો જંગી ખર્ચ કરવાની તૈયારી કરી લેવામાં આવી છે.


અમદાવાદ મ્યુનિ. તંત્રને પણ હવે જાણે સોશિયલ મીડિયાનો ફીવર ચડ્યો હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશનના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર આકર્ષક રીલ્સ, વીડિયો અને પોસ્ટ મૂકીને ફોલોઅર્સ વધારવા માટે વાર્ષિક રૂ.1.08 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ કામગીરી આગામી બે વર્ષ માટે કુલ રૂ. 2.16 કરોડના ખર્ચે 'ઈવીએમ કન્સલ્ટન્સી' નામની એજન્સીને સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, આ રૂ. 2.16 કરોડ ઉપરાંત જીએસટીની રકમ પણ અલગથી ચૂકવવામાં આવશે.


આ સમગ્ર પ્રક્રિયામાં ખર્ચના અંદાજમાં થયેલો તોતિંગ વધારો પણ ચર્ચાનો વિષય બન્યો છે. આજથી આશરે ત્રણેક મહિના અગાઉ જ્યારે મ્યુનિ. તંત્ર દ્વારા સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે આયોજન કરાયું હતું, ત્યારે વાર્ષિક રૂ. 60 થી 70 લાખના ખર્ચનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ તે સમયે કોઈ એજન્સી આ કામ કરવા માટે તૈયાર ન થતાં તંત્ર દ્વારા રિ-ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. હવે રિ-ટેન્ડરની પ્રક્રિયા બાદ આ ખર્ચની રકમ સીધી વધારીને વાર્ષિક એક કરોડ રૂપિયાથી પણ વધુ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધી અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા પોતાની યોજનાઓ અને કામગીરીની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે શહેરના મુખ્ય રસ્તાઓ પર મોટા હોર્ડિંગ્સ, બેનરો લગાવવા તેમજ પત્રિકાઓનું વિતરણ કરવા જેવી પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ બદલાતા સમય સાથે યુવા વર્ગ સુધી સીધી પહોંચ બનાવવા માટે હવે તંત્રને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડી રહ્યો છે. આ કરાર મુજબ, નિયુક્ત થનારી એજન્સીને તંત્રના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ અથવા રીલ અપલોડ કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application