BREAKING NEWS

જામનગર: જાડાની ટીપી સ્કીમમાં તમામ ધર્મના લોકો માટે અંતિમ સંસ્કાર સ્થળોની જમીન કાયમી અનામત રાખો

  • November 19, 2026 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જાડાની ટીપી સ્કીમમાં તમામ ધર્મના લોકો માટે અંતિમ સંસ્કાર સ્થળોની જમીન કાયમી અનામત રાખો

વોર્ડ નં.૧૨ના આપના નગરસેવિકા જેનબબેન ખફી દ્વારા કારોબારી અધિકારીને રજૂઆત

૧૦ ગામનો સમાવેશ થતો હોય વસ્તી વધારાને ઘ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ

જાડાની ટીપી સ્કીમમાં તમામ ધર્મના લોકો માટે અંતિમ સંસ્કારના સ્થળોની જમીન કાયમી અનામત રાખવા વોર્ડ નં.૧૨ના આમ આદમી પાર્ટીના નગરસેવિકા જેનબબેન ખફીએ મુખ્ય કારોબારી અધિકારીને રજૂઆત કરી છે. ટીપી સ્કીમમાં ૧૦ ગામનો સમાવેશ થતો હોય વસ્તી વધારાને ઘ્યાનમાં રાખી યોગ્ય વ્યવસ્થા કરવા માંગ કરી છે.

જામનગરના વોર્ડ નં.૧૨ના નગરસેવિકા જેનબબેન ખફીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, જાડા દ્વારા શહેરના વિસ્તાર વિકાસ આયોજનમાં નવા ૧૦ ગામનો સમાવેશ કરવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહી છે. શહેરની સતત વધતી જતી વસ્તી અને ભવિષ્યના શહેરી વિકાસને ઘ્યાનમાં રાખીને નવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે ત્યારે ફકત રહેણાંક, રસ્તા, પાણી, ગટર, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાનું આયોજન ન થાય. પરંતુ નાગરિકોની સામાજીક, ધાર્મિક અને જીવનની જરૂરિયાતોનું પણ સમાન મહત્વ સાથે આયોજન કરવામાં આવે તે અત્યંત આવશયક છે. ખાસ કરીને નવા સમાવિષ્ટ થનારા ગામોમાં ભવિષ્યમાં વસ્તી વધવાની સંભાવનાને ઘ્યાનમાં રાખીને તમામ ધર્મ અને સમાજના લોકો માટે અંતિમ સંસ્કારની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવી ખૂબજ જરૂરી છે.

વર્તમાન સમયમાં અનેક વિસ્તારોમાં સ્મશાનભૂમિ અને કબ્રસ્તાન માટે પૂરતી જગ્યા ઉપલબ્ધ ન હોવાની સમસ્યા જોવા મળે છે.ભવિષ્યમાં રહેણાંક વિસ્તારોનો વિકાસ થયા બાદ આ પ્રકારની જગ્યાઓ માટે જમીન મેળવવી મુશ્કેલ બને છે અને સ્થાનિક નાગરિકોને અંતિમવિધિ માટે અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આથી નવા તૈયાર થતા ડેવલોપમેન્ટ પ્લાનમાં સ્મશાનભૂમિ અને કબ્રસ્તાન માટે યોગ્ય સ્થળો અલગથી દર્શાવી તે જમીન અનામત રાખવામાં આવે, આ હેતુ માટે અનામત રાખવામાં આવેલી જમીનનો ભવિષ્યમાં અન્ય કોઇ બાંધકામ, રહેણાંક, વેપારી કે અન્ય હેતુ માટે ઉપયોગ કે ફેરફાર ન થાય તે માટે ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી માંગણી કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application