ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે અત્યારથી જ રાજકીય અને સંગઠનાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુધવારે ગાંધીનગરમાં કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવવા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષના નેતાઓની નિમણૂક, આદિવાસી વિસ્તારોમાં ફરીથી પક્ષનો જનાધાર વધારવા સહિતના મુદ્દે વિસ્તૃત ચચર્િ કરવામાં આવી હતી. આગામી 25 નવેમ્બરે અમદાવાદમાં સંવિધાન દિવસની ઉજવણી સાથે કોંગ્રેસ ચૂંટણીલક્ષી કામગીરીના પણ શ્રીગણેશ કરશે.
કોંગ્રેસ પ્રભારી રણદીપસિંહ સુરજેવાલાની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા ડો. તુષાર ચૌધરી, ઉપ્નેતા શૈલેષ પરમાર સહિત ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, એઆઈસીસીના હોદ્દેદારો, મંત્રીઓ અને સહપ્રભારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસને ફરી મજબૂત બનાવવા માટે તમામ નેતાઓને માત્ર સમસ્યાઓ રજૂ કરવાને બદલે તેના ઉકેલ સાથે સૂચનો આપવા સુરજેવાલાએ જણાવ્યું હતું.
બેઠકમાં એક સમયે કોંગ્રેસના મજબૂત ગઢ ગણાતા આદિવાસી વિસ્તારોમાં પક્ષને ફરી સક્રિય કરવા વિશેષ વ્યૂહરચના ઘડવા પર ભાર મૂકાયો હતો. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પક્ષના નેતાઓ નક્કી કરવા અને સંગઠનના મહત્ત્વના હોદ્દાઓ પર ચોક્કસ જ્ઞાતિઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાના મુદ્દે પણ ચચર્િ થઈ હતી. બીજી તરફ, બેઠકમાં કેટલાક આગેવાનોએ પક્ષની કામગીરી સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી. એક નેતાને જમીન કૌભાંડમાં સંડોવવાના સરકારના પ્રયાસ સામે પક્ષ તરફથી અપેક્ષિત પ્રતિસાદ નહીં મળ્યાની ફરિયાદ થઈ હતી. જ્યારે એક ધારાસભ્યએ દબાયેલા-કચડાયેલા વર્ગ માટે અવાજ ઉઠાવવા છતાં પક્ષમાંથી પૂરતો સહયોગ મળતો ન હોવાની રજૂઆત કરી હતી.
દરમિયાન, કોંગ્રેસ પ્રભારી સુરજેવાલાના આગમન સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં પુન:પ્રવેશ અંગેની અટકળોએ પણ જોર પકડ્યું છે. જોકે, કોંગ્રેસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વાઘેલાના પ્રવેશ અંગેનો અંતિમ નિર્ણય પ્રદેશ કે પ્રભારી સ્તરે નહીં, પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવશે. આમ, ચૂંટણી પૂર્વે સંગઠનને બેઠું કરવાની કવાયત વચ્ચે વાઘેલાની વાપસીનો મુદ્દો પણ રાજકીય ચચર્નિા કેન્દ્રમાં રહ્યો છે.