BREAKING NEWS

જામનગર: લાખોનો ખર્ચ પાણીમાં, જામ્યુકોના પ્લોટમાં કસરતના સાધનો બન્યા શોભાના ગાઠીયા..!

  • November 19, 2026 01:06 PM 

જામનગર: લાખોનો ખર્ચ પાણીમાં, જામ્યુકોના પ્લોટમાં કસરતના સાધનો બન્યા શોભાના ગાઠીયા..!

લાલિયાવાડી:વોર્ડ નં.૧૦માં રંગમતી પાર્કમાં મનપાના પ્લોટમાં મૂકાયેલા સાધનોની  જાળવણીમાં ઘોર બેદરકારી, કુંભકર્ણની નિંદ્વામાં રાચતા અધિકારીઓ સામે પગલાં લેવાશે?

પ્લોટમાં ભંગાર વાહનોના ખડકલા, કચરાના ગંજથી મચ્છર અને અન્ય જીવજંતુના ઉપદ્વવથી રહેવાસીઓ ત્રાહીમામ: મેઇનટેનન્સના નામે કરાતા લાખોના ખર્ચની વીજીલન્સ તપાસ જરૂરી

જામનગર મહાનગરપાલીકાની લાલિયાવાડીના કારણે લાખોનો ખર્ચ પર પાણીઢોળનો વધુ જીવંત અને વરવું ઉદાહરણ જોવા મળ્યું છે. શહેરના વોર્ડ નં.૧૦માં રંગમતી પાર્કમાં મનપાના પ્લોટમાં મૂકાયેલા કસરતના સાધનોની જાળવણીમાં ઘોર બેદરકારીથી કંટાઇને બીનઉપયોગી થતાં શોભાના ગાંઠીયા બન્યા છે. આટલું જ નહીં પ્લોટમાં ભંગાર વાહનોના ખડકલા, કચરાના ગંજથી મચ્છર અને અન્ય જીવજંતુના ઉપદ્વવથી રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે અને વધુ એક વખત જાળવણીના અભાવે પ્રજાના ટેકસરૂપી નાણાંનો વેડફાટ થયાનું ઉજાગર થયું છે. ત્યારે મેઇનટેનન્સના નામે કરવામાં આવતા લાખોના ખર્ચની વીજીલન્સ તપાસ જરૂરી બની છે તો કુંભકર્ણની નિંદ્વામાં રાચતા અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તે સળગતો સવાલ ઉઠ્યો છે. 

ખર્ચ કરવામાં પાવરધી જામનગર મહાનગરપાલીકા શહેરમાં જુદા-જુદા કામ અને સુવિધા પાછળ તોતીંગ ખર્ચ કરે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, મોટાભાગના કામ અને સુવિધા ઉપલબ્ધ કરાવ્યા બાદ તેની જાળવણી એટલે કે મેઇનટેનન્સમાં લાપરવાહી દાખવામાં આવે છે. આથી કામ અને સુવિધા પાછળ પ્રજાના ટેકસરૂપી નાણાંમાંથી કરવામાં આવતા મસમોટા ખર્ચ પર પાણી ઢોળ થાય છે. જેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં વોર્ડ નં.૧૦માં રાજપાર્ક વિસ્તારમાં રંગમતી પાર્ક શેરી નં.૫ માં ફલોરમીલ સામે મહાનગરપાલીકાના પ્લોટમાં આ વિસ્તારમાં રહેતા લોકો પોતાનું આરોગ્ય સ્વસ્થ રાખી શકે તે માટે મનપા દ્વારા  કસરતના સાધનો મૂકવામાં આવ્યા હતાં. રહેવાસીઓના જણાવ્યાનુસાર મનપાના આ પ્લોટમાં દસેક વર્ષ પૂર્વે આ સાધનો મૂકવામાં આવ્યા છે. પરંતુ પ્લોટ અને કસરતના સાધનોની જાળવણીમાં મનપા દ્વારા ઘોર બેદરકારી દાખવામાં આવી હોવાનું હાલમાં પ્લોટ અને તેમાં મૂકવામાં આવેલા કસરતના સાધનો પરથી પુરવાર થઇ રહ્યું છે. કારણ કે, પ્લોટમાં મૂકવામાં આવેલા કસરતના સાધનો જાળવણીના અભાવે કટાઇને ધૂળ ખાઇ રહ્યા હોય શોભાના ગાંઠીયા બન્યા છે. 

આટલું જ નહીં આ પ્લોટમાં ભંગાર વાહનોના ખડકલા અને કચરાના ગંજ જોવા મળી રહ્યા છે. આથી મચ્છર અને અન્ય જીવજંતુના ઉપદ્વવે માઝા મૂકતા રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. આટલું જ નહીં પ્લોટમાં ઘાસ ઉગી નીકળ્યું છે. ત્યારે આ પ્લોટમાં નાના ભૂલકાઓ રમવા જાય અને કોઇ જીવજંતુ કરડશે તો જવાબદારી કોની તે ગંભીર સવાલ ઉઠયો છે. બીજી બાજુ મનપા દ્વારા જુદા જુદા કામ અને સુવિધા બાદ તેના મેઇનટેનન્સ એટલે કે જાળવણી પાછળ પણ તોતીંગ ખર્ચ કરવામાં આવે છે. ત્યારે આ પ્લોટ તથા તેમાં મૂકવામાં આવેલા સાધનો તથા શહેરના અન્ય વોર્ડમાં પણ આવેલા મનપાના પ્લોટ તથા તેમાં કોઇ કસરત કે રમતગમતના સાધનો મૂકવામાં આવ્યા હોય અને તેની જાળવણી પાછળ કરાતા તોતીંગ ખર્ચની વીજીલન્સ તપાસ અત્યંત જરૂરી બની છે. આટલું જ નહીં પ્લોટ તથા કસરતના સાધનોની જાળવણી થાય છે કે કેમ તેની જવાબદારી જેમના શીરે છે તે અધિકારીઓ સામે પગલાં લેવાશે કે કેમ તે સળગતો સવાલ છે. હાલમાં તો આ વિસ્તારમાં રહેતા શહેરીજનો મનપાના પ્લોટમાં જાળવણીના અભાવે કસરતના સાધનો બિનપયોગી બનતા સુવિધાથી વંચીત હોય ભારે રોષની લાગણી ફેલાઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application