મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા પર વધુ એક મોટો આર્થિક ફટકો પડ્યો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યા બાદ હવે સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરીએ પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધની વિવિધ વેરાયટી અને પેકિંગ સાઈઝ પ્રમાણે પ્રતિ પેકેટ રૂ. એકથી લઈને રૂ.છ સુધીનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ભાવ આજથી એટલે કે 19 નવેમ્બરથી જ અમલી બની જતાં સુરત અને તાપી જિલ્લાના લાખો ગ્રાહકોના ખિસ્સા પર સીધો બોજ વધ્યો છે.
ડેરીના આ ભાવ વધારાની સૌથી વધુ અસર ભેંસના દૂધનો વપરાશ કરતા પરિવારો પર જોવા મળશે. સુમુલ ડેરી દ્વારા બફેલો મિલ્ક (ભેંસનું દૂધ)ના એક લિટરના પેકેટમાં સૌથી વધુ એટલે કે રૂ. છનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ અત્યાર સુધી રૂ. 78માં મળતું એક લિટર ભેંસનું દૂધ હવે ગ્રાહકોને રૂ. 84માં પડશે. બીજી તરફ, સૌથી વધુ વેચાતા અમૂલ ગોલ્ડ દૂધના ભાવમાં પણ વધારો થયો છે, જેના એક લિટરના પેકેટમાં રૂ. ચારનો વધારો થતાં હવે ગ્રાહકોએ રૂ. 72ના બદલે રૂ. 76 ચૂકવવા પડશે. આ જ રીતે અમૂલ ગોલ્ડનું 500 એમએલનું પેકેટ રૂ. 36થી વધીને રૂ. 38 પર પહોંચી ગયું છે.
દૂધની અન્ય વેરાયટીઓના નવા ભાવ પર નજર કરીએ તો, અમૂલ તાઝાના 500 એમએલના પેકેટમાં બે રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે, જેથી તે હવે રૂ. 28ના બદલે રૂ. 30માં મળશે. જ્યારે અમૂલ શક્તિના 500 એમએલના પેકેટમાં એક રૂપિયાનો વધારો થતાં તેનો નવો ભાવ રૂ. 33થી વધીને રૂ. 34 થયો છે. આ ઉપરાંત, સુમુલ ગાયના દૂધના 500 એમએલના પેકેટ પર બે રૂપિયાનો વધારો થતાં ગ્રાહકોએ હવે રૂ. 30ના બદલે રૂ. 32 ચૂકવવા પડશે. અમૂલ સ્લીમ એન્ડ ટ્રીમના ભાવમાં પણ ફેરફાર કરાયો છે, જેમાં 500 એમએલના પેકેટ પર એક રૂપિયાનો વધારો થતાં તે રૂ. 26ના બદલે રૂ. 27માં મળશે, જ્યારે તેના 180 એમએલના નાના પેકેટમાં એક રૂપિયાનો વધારો થતાં તે રૂ. 10ના બદલે હવે રૂ. 11માં ઉપલબ્ધ થશે.
ઉલ્લેખનીય છે કે, સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરીનું વિશાળ નેટવર્ક છે અને અહીં દરરોજ આશરે 12.50 લાખ લિટર દૂધનું વેચાણ થાય છે. દૂધના દૈનિક વેચાણના આ જંગી આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે આ ભાવ વધારો કોઈ ગણતરીના લોકો પૂરતો સીમિત નથી, પરંતુ બંને જિલ્લાના લાખો પરિવારોના માસિક આર્થિક બજેટ પર તેની સીધી અને ગંભીર અસર પડવાની છે.