રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો સામે મેગા અભિયાન શરૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 23 ફેબ્રુઆરીએ સવારથી જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના પટ્ટા અને નગર રચના યોજના નં. 6 હેઠળના 15 મીટરના ટી.પી. રોડ પર આવેલા કુલ 1492 જેટલા ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવાશે. આ કાર્યવાહી પહેલાં આજે જંગલેશ્વરમાં પોલીસ અને મનપા અધિકારીઓ અને કર્મચારીઓના ધાડેધાડા ઉતારવામાં આવ્યા હતા અને ફૂટ પેટ્રોલિંગ અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
1500થી વધુ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા હતા
શહેરના શેઠ હાઈસ્કૂલ ખાતે ભક્તિનગર સર્કલ પાસે કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓની વિશાળ બેઠક યોજાઈ હતી. અહીં કોર્પોરેશનના 1200થી વધુ અને પોલીસ વિભાગના 1500થી વધુ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા હતા. ઉપરાંત, કોર્પોરેશનના ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, દબાણ હટાવ શાખા, વિજિલન્સ સમિતિ અને અન્ય વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ટી.પી. રોડ પર વર્ષોથી ઉભેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરાશે
આજે સવારથી સાંજના 6 વાગ્યા સુધી 7 અલગ-અલગ રૂટમાં પોલીસ અને કોર્પોરેશનની ટીમો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવશે. જંગલેશ્વર વિસ્તારમાં આવેલી અંદાજે 78 સોસાયટી અને ગલીઓમાં જઈ લોકોને દબાણ સ્વૈચ્છિક રીતે ખાલી કરવા સમજાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે બે દિવસમાં મકાનો ખાલી ન કરવામાં આવે તો 23 ફેબ્રુઆરીથી બુલડોઝર દ્વારા કાર્યવાહી હાથ ધરાશે અને તેમાં થનારા જાનમાલના નુકસાન માટે તંત્ર જવાબદાર નહીં રહે. તાજેતરમાં મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે આજી નદીના કાંઠે અને ટી.પી. રોડ પર વર્ષોથી ઉભેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરાશે. શહેરમાં પૂરની સ્થિતિ અને નદીના કુદરતી વહેણને જાળવવા માટે આ અભિયાન આવશ્યક હોવાનું મનપા તંત્રએ જણાવ્યું છે.
કુલ 3500 જેટલા વીજ કનેક્શન આપવામાં આવ્યા
વિશેષ નોંધનીય બાબત એ છે કે જંગલેશ્વર વિસ્તારમાં વીજચોરીનો દર પણ સૌથી વધુ નોંધાયો છે. PGVCLના નાયબ એન્જિનિયર ડી. વાય. મહેતાના જણાવ્યા મુજબ, રાજકોટ શહેરમાં દર વર્ષે અંદાજે રૂ. 50 લાખથી વધુની વીજચોરી આ વિસ્તારમાંથી ઝડપાઈ છે. અહીં કુલ 3500 જેટલા વીજ કનેક્શન આપવામાં આવ્યા છે, જેમાંથી આશરે 1500 કનેક્શન એવા સ્થળોએ છે જ્યાં ડિમોલિશન થવાનું છે. પરિણામે આ કનેક્શન તાત્કાલિક અસરથી કાપવામાં આવશે. ડિમોલિશન કામગીરીમાં PGVCLના 7 ડેપ્યુટી એન્જિનિયર, 33 જુનિયર એન્જિનિયર અને 140 લાઇનમેન સહિત કુલ 180 કર્મચારીઓ જોડાશે. ઉપરાંત પોલીસ બંદોબસ્ત માટે વિશેષ દળ તહેનાત કરવામાં આવશે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

23મીએ થનારી કાર્યવાહી પર સમગ્ર શહેરની નજર
જંગલેશ્વરમાં આ મેગા ડિમોલિશન અભિયાનને લઈને રાજકીય અને સામાજિક ચર્ચાઓ તેજ બની છે. એક તરફ નદીના પટ્ટા અને જાહેર માર્ગોને મુક્ત કરવા માટે કડક પગલાંનું સ્વાગત થઈ રહ્યું છે, તો બીજી તરફ દબાણકારોમાં ચિંતા અને ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. 23 ફેબ્રુઆરીએ થનારી કાર્યવાહી પર સમગ્ર શહેરની નજર ટકી છે.