કાલાવડના નાગપુરમાં યુગલોની ગેરહાજરીમાં લગ્ન નોંધણીનો ઘટસ્ફોટ.!
કાલાવડ તાલુકાના ફકત ૭૦૦ની વસ્તી અને ૧૭૦ જેટલાં ઘરો ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ૪૩૧ લગ્નની નોંધણીના પ્રકરણમાં એક પછી એક નવા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. જેમાં મોટાભાગના યુગલોની ગેરહાજરીમાં લગ્ન નોંધણી, ૪૩૧ નહીં પરંતુ ૬૦૦થી વધુ લગ્નની નોંધણી, મોટાભાગના યુગલો બહારગામના હોવાનો સમાવેશ થાય છે. આટલું જ નહીં એક જ વ્યકિતની સાક્ષી અને ખંઢેરા ગામના મહાદેવ મંદિરને નાગપુરનું દર્શાવ્યાનો ઘડાકો પણ થયો છે. આથી આ પ્રકરણ ફકત લગ્ન નોંધણીની અસામાન્ય સંખ્યા પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ ગ્રામ પંચાયતના વહીવટ, લગ્ન નોંધણીની પ્રક્રિયા, સાક્ષીઓ, સ્થળની વિગતો અને કથિત નાણાકીય વ્યવહારો સુધી પહોંચ્યો છે.
સૌથી મહત્ત્વની નવી બાબત એ સામે આવી રહી છે કે અગાઉ આરટીઆઈમાં બહાર આવેલી ૪૩૧ લગ્ન નોંધણી ઉપરાંત પણ અન્ય નોંધણીઓ થઈ હોવાની ચર્ચા છે અને સ્થાનિક સ્તરે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આંકડો ૬૦૦થી પણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, આ આંકડાની સત્તાવાર ખરાઈ થવી હજુ બાકી છે. જો આ વિગતો સાચી સાબિત થાય તો માત્ર ૭૦૦ની વસ્તી ધરાવતા નાનકડા ગામમાં લગ્ન નોંધણીના નામે ચાલેલી સમગ્ર પ્રક્રિયા અત્યંત ગંભીર તપાસનો વિષય બની શકે છે. ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિક લોકો સાથે થયેલી પ્રાથમિક વાતચીતમાં એવી વિગતો પણ સામે આવી રહી છે કે લગ્ન નોંધણી કરાવવા માટે યુવક-યુવતીઓ અથવા તેમના વતી આવનારાઓ પાસેથી ૧૦ હજારથી માંડીને ૨૦થી ૨૫ હજાર સુધીની રકમ લેવામાં આવતી હોવાની ચર્ચા છે. આ રકમ કોણ વસૂલતું હતું, કોના સુધી પહોંચતી હતી અને તેની પાછળ કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાર્યરત હતી કે કેમ તે તપાસનો મહત્ત્વનો મુદ્દો બન્યો છે. જોકે, આ નાણાકીય વ્યવહારો અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આ સમગ્ર પ્રકરણમાં સૌથી ગંભીર સવાલ એ ઊભો થયો છે કે નાગપુર ગ્રામ પંચાયતમાં જે યુવક-યુવતીઓનાં લગ્ન નોંધાયેલા છે, તે પૈકી મોટાભાગનાં યુગલો ક્યારેય નાગપુર ગામમાં આવ્યાં જ ન હોવાની વિગતો ચર્ચામાં આવી રહી છે. લગ્નની વિધિ અને સમગ્ર વ્યવસ્થા રાજકોટ, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અથવા અન્ય સ્થળોએ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંજોગોમાં લગ્ન નાગપુર ગામમાં થયા હોવાના આધારે નોંધણી કેવી રીતે થઈ? લગ્ન કરનાર યુવક-યુવતી ખરેખર પંચાયત સમક્ષ હાજર થયાં હતાં કે કેમ? તેમની ઓળખ અને સરનામાંની ખરાઈ કોણે કરી હતી? અને લગ્ન નોંધણી માટે રજૂ કરાયેલા પુરાવાઓની તપાસ કરવામાં આવી હતી કે કેમ? તેવા અનેક સવાલો ઊઠ્યા છે. લગ્ન નોંધણીનાં દસ્તાવેજોની તપાસ દરમિયાન વધુ એક આશ્ચર્યજનક બાબત સામે આવી રહી છે. ચર્ચાતી વિગતો મુજબ, મોટી સંખ્યામાં લગ્ન નોંધણીમાં સાક્ષી તરીકે એક જ અથવા બે વ્યક્તિઓનાં નામ વારંવાર દર્શાવવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. ૬૦૦થી વધુ લગ્નની નોંધણીમાં મર્યાદિત વ્યક્તિઓ જ સાક્ષી તરીકે હાજર રહ્યા હોય તો તેમની ભૂમિકા અને ઓળખની ખરાઈ કરવી અત્યંત જરૂરી બની છે.આ ઉપરાંત, લગ્ન નોંધણી સાથે દર્શાવવામાં આવેલા સ્થળના પુરાવા અંગે પણ સવાલો ઊઠ્યા છે. કેટલીક નોંધણીમાં મહાદેવ મંદિરનો ઉલ્લેખ અને ફોટોગ્રાફ દર્શાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ મંદિર નાગપુર ગામમાં નહીં, કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં આવેલું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો ખંઢેરા ગામના મંદિરને નાગપુર ગામનું દર્શાવીને લગ્ન નોંધણી કરવામાં આવી હોય તો તે બાબતની સ્થળ તપાસ અને દસ્તાવેજોની ખરાઈ જરી બની છે.
આ સમગ્ર પ્રકરણમાં અત્યાર સુધી સરપંચ તથા તલાટી કમ મંત્રી જગદીશ ચાવડાની ભૂમિકા અંગે સવાલો ઊઠતા હતા. હવે પ્રાથમિક તપાસ દરમિયાન સરપંચના પિતાનું નામ પણ ચર્ચામાં આવ્યું છે.સ્થાનિક સ્તરે એવી ચર્ચા છે કે લગ્ન નોંધણીની સમગ્ર વ્યવસ્થામાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી. સરપંચનો મોટા ભાગનો વસવાટ રાજકોટમાં હોવાનું અને લગ્ન નોંધણી કરાવનારાઓ પણ મોટાભાગે રાજકોટ તથા આસપાસના વિસ્તારોના હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આથી નાગપુર ગ્રામ પંચાયતના વહીવટમાં સરપંચ, તલાટી કમ મંત્રી અને અન્ય કોઈ વ્યક્તિઓ વચ્ચે સંકલન હતું કે કેમ તેની તપાસ જરૂરી બની છે.અગાઉ બહાર આવેલી વિગતો મુજબ, તલાટી કમ મંત્રી પાસેથી લગ્ન નોંધણીનો ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે. જોકે, સમિતિની રચનાને બે મહિનાથી વધુ સમય વીતી જવા છતાં તપાસનો અંતિમ અહેવાલ જાહેર ન થતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે.આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવે તો લગ્ન નોંધણીના નામે ચાલેલી કથિત વ્યવસ્થાની કડીઓ જોડાઈ શકે તેમ છે. તપાસ સમિતિએ માત્ર કાગળ પરના રેકોર્ડની ચકાસણી કરવાને બદલે નોંધાયેલા યુગલો, સાક્ષીઓ, લગ્નસ્થળો અને સંબંધિત પરિવારો સુધી પહોંચીને તપાસ કરવી જરૂરી બની છે.