અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગાંજા અને ડ્રગ્સના ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલા કુખ્યાત દંપતીના ગેરકાયદે મકાન પર તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ સંયુક્ત ઓપરેશનથી નશાનો વેપાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પોલીસ તપાસમાં આ દંપતીનો ગુનાહિત ઈતિહાસ પણ બહાર આવ્યો છે. વર્ષ 2014થી અત્યાર સુધીમાં સુનિતા રાઠોડ અને તે પતિ દિપક રાઠોડ વિરુદ્ધ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 65થી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
આ આંકડાઓમાં એકલી સુનિતા રાઠોડ વિરુદ્ધ 46 ગુના અને તેના પતિ દિપક રાઠોડ વિરુદ્ધ 20 ગુનાઓ નોંધાયેલા છે. આ દંપતી સામે દેશી-વિદેશી દારૂનો વેપાર, મારામારી અને ડ્રગ્સના વેચાણ સહિતના અનેક ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
મળતી વિગતો મુજબ, ગત બુધવારે એટલે કે 18 નવેમ્બરના રોજ બોડકદેવ પોલીસે થલતેજ વિસ્તારના મળાવ તળાવ પાસેથી રાજુ ભીલ નામના એક યુવકને 131 ગ્રામ ગાંજાના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. પોલીસે જ્યારે આ આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી ત્યારે મોટો ખુલાસો થયો હતો. તેણે કબૂલ્યું હતું કે તે સરખેજ વિસ્તારમાં આવેલા સન્યાસ આશ્રમ નજીકની વસાહતમાં રહેતી સુનિતા રાઠોડ નામની મહિલા પાસેથી નિયમિતપણે ગાંજાનો જથ્થો લાવીને શહેરમાં તેનું છૂટક વેચાણ કરતો હતો.
આ બાતમીના આધારે પોલીસની ટીમે તુરંત જ સન્યાસ આશ્રમ નજીક રહેતી સુનિતા રાઠોડના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન પોલીસને ઘરમાંથી સવા બે કિલો ગાંજો તેમજ રૂ. 54 લાખની મસમોટી રોકડ રકમ મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી લીધી હતી. વધુ તપાસ દરમિયાન એવી ચોંકાવનારી વિગત સામે આવી હતી કે, સુનિતા રાઠોડ અને તેના પતિ દિપક રાઠોડ જે મકાનમાં રહેતા હતા તે સંપૂર્ણપણે ગેરકાયદેસર દબાણ કરીને બનાવવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, વર્ષ 2023-24 દરમિયાન પણ અમદાવાદ મનપા દ્વારા આ ડ્રગ્સ પેડલર દંપતીનું આ ગેરકાયદેસર મકાન તોડી પાડવામાં આવ્યું હતું. તેમ છતાં, કાયદાનો કોઈ ડર રાખ્યા વિના આરોપીઓએ અગાઉના ડિમોલિશન બાદ ફરીથી ગેરકાયદે દબાણ કરીને પાકું બાંધકામ કરી લીધું હતું અને ત્યાંથી જ ફરીવાર ગાંજાનો કાળો કારોબાર ચલાવતા હતા. આ ગંભીર બાબત ધ્યાને આવતા સરખેજ પોલીસે એએમસીને જાણ કરી હતી, જેના પગલે મનપાની ટીમે ફરી એકવાર આ ગેરકાયદે મકાનને જમીનદોસ્ત કરી દીધું છે. આ ઉપરાંત એએમસી દ્વારા આરોપીઓની બાજુમાં જ આવેલા અન્ય એક એનડીપીએસના આરોપીના ગેરકાયદે ઘર પર પણ બુલડોઝર ફેરવીને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે.