ઔદ્યોગિક વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિકાસની આડમાં પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં થઈ રહ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ અને સુરતની નદીઓ અને ભૂગર્ભજળમાં 'ફોરેવર કેમિકલ્સ' નામના અત્યંત ઘાતક રસાયણો ભળી રહ્યા છે. 'હેઝાર્ડોઉસ મટિરિયલ્સ એડવાન્સ' જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ બાદ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ આ મુદ્દે કડક વલણ અપનાવી લાલ આંખ કરતાં ગુજરાત સરકારમાં દોડધામ મચી છે.
અતિ-ઔદ્યોગિકરણ ધરાવતા ગુજરાતમાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ, ટેક્સટાઇલ, પેઇન્ટ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉદ્યોગોમાંથી ઠલવાતો પ્રવાહી કચરો પાણીમાં ફોરેવર કેમિકલ્સ ભળવાનું મુખ્ય કારણ બની રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને સુરત જેવા મોટા ટેક્સટાઇલ હબમાં કાપડને વોટરપ્રૂફ અને ડાઘ-પ્રતિરોધક બનાવવા વપરાતા ફ્લોરિનેટેડ કોટિંગ્સ, તેમજ કેમિકલ ઝોનમાં વપરાતા ઇન્ડસ્ટ્રિયલ ક્લીનર્સ અને મેટલ પ્લેટિંગની પ્રક્રિયામાંથી આ ઝેરી રસાયણો સીધા જ નદી અને જળસ્ત્રોતોમાં ભળી રહ્યા છે. માત્ર ઔદ્યોગિક કચરો જ નહીં, પરંતુ રોજિંદા જીવનમાં વપરાતા ફાસ્ટ ફૂડ રેપર્સ, નોન-સ્ટીક વાસણો, કોસ્મેટિક ઉત્પાદનો અને રિફાઇનરીઓમાં આગ બુઝાવવા વપરાતા ખાસ ફીણમાં પણ આ ઘાતક સંયોજનોનો ભરપૂર ઉપયોગ થાય છે.
આ રસાયણોને 'ફોરેવર કેમિકલ્સ' એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેના કાર્બન-ફ્લોરિન બોન્ડ અત્યંત મજબૂત હોય છે અને હજારો માનવસર્જિત રસાયણોનો સમૂહ હોવાથી તે પર્યાવરણ કે માનવ શરીરમાં વર્ષો સુધી નાશ પામ્યા વિના ટકી રહે છે. ચોંકાવનારી હકીકત એ છે કે રાજ્યના સામાન્ય વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ પણ પાણીમાંથી આ ઝેરી રસાયણોને સંપૂર્ણપણે દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આ રસાયણો સરળતાથી તૂટતા ન હોવાથી માટી, હવા, જળસ્ત્રોત અને ભૂગર્ભજળમાં ભળી જાય છે, જેના કારણે એનજીટીએ ગુજરાતના જળસ્ત્રોતમાં ફોરેવર કેમિકલ્સને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
આશ્ચર્યની વાત એ છે કે, આટલી ગંભીર સમસ્યા હોવા છતાં ગુજરાતની સાબરમતી, મહી, નર્મદા કે તાપી જેવી મુખ્ય નદીઓ કે શહેરોના ભૂગર્ભજળમાં ફોરેવર કેમિકલ્સનું પ્રમાણ કેટલું છે, તેનો કોઈ સત્તાવાર ડેટાબેઝ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે ઉપલબ્ધ નથી. એટલું જ નહીં, ઔદ્યોગિક કચરામાં આ રસાયણોની મહત્તમ મર્યાદા નક્કી કરતા કોઈ કાયદેસરના ધોરણો જ નથી, પરિણામે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગોને જાણે કે ખુલ્લો દોર મળી ગયો છે.
નિષ્ણાતોના મતે, લાંબા સમય સુધી ફોરેવર કેમિકલ્સના સંપર્કમાં રહેવાથી માનવ શરીરમાં હોર્મોનલ અસંતુલન, થાઇરોઇડ, લીવરને ગંભીર નુકસાન, પ્રજનન ક્ષમતામાં ઘટાડો અને કેન્સર જેવા જીવલેણ રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે. જો કડક નિયંત્રણો નહીં મુકાય, તો આવનારી પેઢી માટે પીવાનું પાણી ઝેરસમાન બની જશે. હવે એનજીટીની ફટકાર બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકાર ઉદ્યોગો પર કેવો સકંજો કસે છે તે જોવું રહ્યું.
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પીવાના પાણી અને ઔદ્યોગિક કચરામાં ફોરેવર કેમિકલ્સના નિયંત્રણને લઈને નવા નિયમો લાગુ થાય તેવી સંભાવના છે. એનજીટીએ ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પાણીમાં ફોરેવર કેમિકલ્સની હાજરીને લઈને ગંભીર નોંધ લીધી છે અને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય તથા સીપીસીબી પાસે ખુલાસો માંગ્યો છે, જેના પગલે હવે પીવાના પાણીમાં ફોરેવર કેમિકલ્સની મહત્તમ મર્યાદા નક્કી થઈ શકે છે.