BREAKING NEWS

દેવદિવાળીની રાત્રે જામનગરમાં ફટાકડાના કારણે ચાર સ્થળે આગજની

  • November 23, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવદિવાળીની રાત્રે જામનગરમાં ફટાકડાના કારણે ચાર સ્થળે આગજની

​​​​​​​આજકાલ પ્રતિનિધી
જામનગર
જામનગર શહેરમાં દેવદિવાળીની રાત્રે આતશબાજી અને ફટાકડા ફોડવાના કારણે આગ લાગવાના ચાર બનાવો બન્યા હતા. દેવદિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને પહેલેથી જ સજ્જ અને એલર્ટ રહેલા ફાયર બ્રિગેડના તંત્રને અલગ-અલગ સ્થળેથી આગની જાણ થતાં ફાયર ફાઇટરોની ટીમોએ તાત્કાલિક દોડી જઈ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. ચારેય સ્થળે સમયસર પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમોએ આગને વધુ પ્રસરે તે પહેલાં કાબૂમાં લઈ લીધી હતી.
​​​​​​​

આગનો સૌથી મોટો બનાવ જામનગરમાં રણજીત સાગર રોડ પર મારૂ કંસારા હોલની બાજુમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં બન્યો હતો. જતીનભાઈ રાઠોડ દ્વારા દિવાળીના તહેવાર નિમિત્તે વિશાલ મંડપમાં દિવાળીના તોરણો, હાર-તોરા, માતાજીની ચૂંદડીઓ, માતાજીના ફોટા, ડેકોરેશનની વસ્તુઓ સહિત વિવિધ સામગ્રીના વેચાણનું મોટું કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું.

રાત્રિના આશરે એકાદ વાગ્યાના સમયે માર્ગ પર ફોડવામાં આવેલા ફટાકડાના કારણે મંડપમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર મંડપ અને તેમાં રાખવામાં આવેલી દિવાળીની સામગ્રી આગની લપેટમાં આવી ગઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની બે ફાયર ફાઇટર સાથેની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગના કારણે મંડપમાં રાખવામાં આવેલી કૃત્રિમ જ્વેલરી, હાર-તોરા, માતાજીના ફોટા, ચૂંદડીઓ સહિતની મોટી માત્રામાં સામગ્રી બળીને ખાખ થઈ જતાં સ્ટોલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

આગનો બીજો બનાવ રણજીતનગર વિસ્તારમાં શાક માર્કેટ પાસે બન્યો હતો. અહીં ચપ્પલની દુકાનની બહાર રાખવામાં આવેલા કપડામાં માર્ગ પર ફોડવામાં આવેલો ફટાકડો પડતાં આગ લાગી હતી. આ સમયે ત્યાંથી પસાર થતા એડવોકેટ જગદીશભાઈ ચંદારાણાએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્થાનિક લોકો પણ એકત્ર થઈ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલાં જ સ્થાનિકોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે આગ દુકાન કે આસપાસના વિસ્તારમાં પ્રસરી શકી નહોતી.

આગનો ત્રીજો બનાવ ગોલ્ડન સિટી સામે સરલાબેન આવાસની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં બન્યો હતો. પ્લોટમાં કચરો અને સૂકું ઘાસ સહિતની વેસ્ટજ સામગ્રી મોટા પ્રમાણમાં એકત્ર થયેલી હતી. ત્યાં ફટાકડો પડતાં આગ લાગી હતી અને સૂકા કચરાના કારણે આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડને જાણ કરાતાં ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લઈ લીધી હતી.

જ્યારે ચોથો બનાવ જામનગરમાં નહેરના કાઠે બન્યો હતો જ્યાં એક ગેરેજના છાપરા ઉપર સળગતો ફટાકડો પડતા ઉપર રાખેલ ભંગાર જેવી વસ્તુઓમાં આગ લાગી હતી, પરંતુ ફાયરની ટુકડીએ સમયsr4t4fvસર પહોંચી જઇ આગને કાબુમાં લઈ લીધી હતી. અન્ય બનાવમાં નુરી પાર્ક શેરી નં. ૨માં એક મકાનમાં આગ લાગી હોવાનો મોહીનુદીનભાઇનો મેસેજ મળતા ત્યાં જઇને આગ બુઝાવી હતી.
આમ, દિવાળીની રાત્રે જામનગર શહેરમાં ફટાકડાના કારણે પાંચ અલગ-અલગ સ્થળોએ આગના બનાવો બન્યા હતા. જોકે, દિવાળીના તહેવારને અનુલક્ષીને સજ્જ રહેલા ફાયર બ્રિગેડના તંત્રની સમયસૂચકતા અને ત્વરિત કામગીરીના કારણે તમામ સ્થળોએ આગને સમયસર કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને મોટી જાનહાનિ કે વધુ નુકસાન થતું અટક્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application