ભારતીય શેરબજારમાં આજે સવારથી ભારે ઉથલપાથલ જોવા મળી હતી. સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે શરૂઆતમાં તેજી સાથે ખુલેલા બજારમાં થોડા જ સમયમાં વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1100 પોઇન્ટના ઘટાડા સાથે 82,823.80ના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 285.90 પોઇન્ટ ઘટીને 25,514.70ના સ્તરે પહોંચ્યો હતો.
ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયા બાદ હવે બંને કિંમતી ધાતુઓએ ફરી તેજી પકડી છે. લગ્નસરાની સિઝન પહેલાં ભાવ ઘટતાં સોના-ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહેલા ગ્રાહકોને વધુ ઘટાડાની આશા હતી. જોકે, આજે બજાર ખુલતાં જ ભાવમાં અચાનક મોટો ઉછાળો આવતાં ખરીદદારોને આશ્ચર્ય થયું હતું.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોમવારે સોનાના ભાવમાં રૂ. ૩૫૦૦નો વધારો નોંધાયો હતો. આ ઉછાળા સાથે સોનું વધીને રૂ. 125516 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું હતું. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. ચાંદી રૂ. ૫૬૨૫ મોંઘી થઈને રૂ. 1,53,950 પ્રતિ કિલોના સ્તરે પહોંચી હતી.
આ પહેલાં ગત સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. સોનાના ભાવમાં એક જ સપ્તાહ દરમિયાન આશરે 9 ટકાનો ઘટાડો થયો હતો, જે છેલ્લા આઠ મહિનામાં સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો હતો. જ્યારે ચાંદીના ભાવમાં પણ એક સપ્તાહમાં 15 ટકાનો કડાકો બોલ્યો હતો.
આ ઘટાડાને પગલે સોનું અને ચાંદી સપ્ટેમ્બર 2025 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયાં હતાં. જોકે, હવે અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતા ઓછી થવી અને સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ વધવી જેવા પરિબળોને કારણે બંને ધાતુઓના ભાવમાં ફરી રિકવરી જોવા મળી રહી છે.
સવારે ભારતીય બજાર સકારાત્મક સંકેતો સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 84,626.35ના સ્તરે ખુલ્યા બાદ શરૂઆતમાં 698.27 પોઇન્ટના ઉછાળા સાથે 84,617.98 સુધી પહોંચ્યો હતો. બીજી તરફ નિફ્ટી 25,929.15ના સ્તરે ખુલ્યો હતો અને શરૂઆતના કારોબારમાં 70.85 પોઇન્ટના વધારા સાથે 25,874.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.
જોકે, આ તેજી લાંબો સમય ટકી શકી નહોતી. સવારે 9:50 વાગ્યે સેન્સેક્સ 430.24 પોઇન્ટ ઘટીને 83,489.47 પર અને નિફ્ટી 139.70 પોઇન્ટના ઘટાડા સાથે 25,660.90 પર આવી ગયો હતો. સવારે 11:12 વાગ્યે ઘટાડો વધુ વધ્યો હતો. આ સમયે સેન્સેક્સ 749.34 પોઇન્ટ ઘટીને 83,170.37 અને નિફ્ટી 224.50 પોઇન્ટ ઘટીને 25,576.10 પર કારોબાર કરી રહ્યો હતો.
એશિયાના મોટાભાગના શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 3.74 ટકા, તાઇવાનનો ટાઇએક્સ 0.93 ટકા અને હેંગસેંગ ફ્યુચર્સ 0.90 ટકા ઘટ્યો હતો. જાપાનનું શેરબજાર રજાને કારણે બંધ હતું. અમેરિકાના વોલ સ્ટ્રીટમાં એઆઈ સંબંધિત શેરોમાં વેચવાલી વધતાં એશિયન બજારો પર પણ તેની અસર જોવા મળી હતી.
સવારના કારોબારમાં ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, મારુતિ અને ઇન્ફોસિસના શેરોમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. રિલાયન્સ, આઈટીસી, અદાણી પોર્ટ્સ, ઇટર્નલ, એસબીઆઈ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં પણ તેજી હતી. જોકે, ટાટા સ્ટીલ, ઇન્ડિગો, એક્સિસ બેંક અને કોટક બેંકના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
નોંધનીય છે કે, અગાઉ શુક્રવારે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો અને બજારમાં સતત ચોથા સપ્તાહે તેજી રહી હતી. જોકે, સોમવારની અચાનક વેચવાલીએ રોકાણકારોની ચિંતા વધારી છે.