જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીની કાનૂની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. દિલ્હીની સાકેત કોર્ટ દ્વારા વર્ષ 2018ના એક જૂના માનહાનિ કેસમાં ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટજારી કરવામાં આવ્યું છે. ફરિયાદી વિકાસ સાંકૃત્યાયન ઉર્ફે વિકાસ પાંડે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર સુનાવણી હાથ ધર્યા બાદ જજ અનમ રઈસ ખાને આ કડક આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલે હવે આગામી સુનાવણી 3 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, ફરિયાદી વિકાસ પાંડે સોશિયલ મીડિયા પર 'આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી' નામનું પેજ ચલાવે છે. તેમનો આરોપ છે કે ધ્રુવ રાઠીએ મે 2018માં 'બીજેપી આઈટી સેલ પાર્ટ ટુ' શીર્ષક હેઠળ એક વીડિયો બનાવ્યો હતો, જેમાં વિકાસ પાંડે વિરુદ્ધ પાયાવિહોણા, ખોટા અને માનહાનિકારક દાવાઓ કરવામાં આવ્યા હતા. આ વીડિયોમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપના આઈટી સેલ દ્વારા પાંડેને લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેનાથી તેમની જાહેર પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું.
ધ્રુવ રાઠીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ વિવાદાસ્પદ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હીના તત્કાલીન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વીડિયોને રિટ્વીટ કરીને આગળ વધાર્યો હતો. આ ઘટનાથી નારાજ થઈને વિકાસ પાંડેએ અરવિંદ કેજરીવાલ અને ધ્રુવ રાઠી બંને વિરુદ્ધ અદાલતમાં માનહાનિની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
આ કેસની કાનૂની પ્રક્રિયામાં ગત 12 ઓક્ટોબરના રોજ કોર્ટે સુનાવણી હાથ ધરીને ધ્રુવ રાઠીને હાથોહાથ સમન્સ પાઠવવાની અરજીને મંજૂરી આપી હતી. ફરિયાદી પક્ષના વકીલે કોર્ટ સમક્ષ એવી મહત્વની દલીલ રજૂ કરી હતી કે ધ્રુવ રાઠી મુખ્યત્વે વિદેશમાં વસવાટ કરતા હોવાથી છેલ્લા ઘણા વર્ષોથી તેમના પર સમન્સની બજવણી થઈ શકી નથી અને તેઓ કોર્ટ સમક્ષ હાજર થતા નથી. ફરિયાદી પક્ષની આ રજૂઆત અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લીધા બાદ સાકેત કોર્ટે હવે ધ્રુવ રાઠી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાનો નિર્ણય લીધો છે, જેના પગલે આગામી 3 ડિસેમ્બરની સુનાવણી પર સૌની નજર ટકેલી છે.