ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા યોજાયું સ્નેહમિલન: મોટી સંખ્યામાં લોકો જોડાયા
જામનગર ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા જામનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારનું નૂતન વર્ષાભિનંદન સ્નેહમિલન ગઈકાલે ઉત્સાહભેર યોજાયું હતું. ૭૯-જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની અધ્યક્ષતામાં દીપાવલી તથા વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો અને વિસ્તારના નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં અંડરબ્રિજ પાસે સત્યમ કોલોની સ્થિત કચ્છી ભાનુશાળી પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ સ્નેહમિલન સમારોહમાં સૌએ પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. સૌપ્રથમ આ કાર્યક્રમમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચુઅલ માધ્યમથી જોડાયા હતા અને સર્વે ભાજપના સ્થાનિક પદાધિકારીઓ કાર્યકરોને દિપાવલીની શુભકામનાઓ પાઠવી હતી, અને પોતાનો પ્રેરક સંદેશો આપ્યો હતો. ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી,ગુજરાત પ્રભારી તરૂણ ચુગ, ભાજપના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા વગેરેએ પણ પ્રેરક ઉદબોધન આપ્યું હતું, સાથો સાથ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ઉપસ્થિત સૌને દીપાવલી તથા નૂતન વર્ષના મંગલમય શુભેચ્છા સંદેશ પાઠવતાં ભાજપના કાર્યકર્તાઓની ચૂંટણીલક્ષી કામગીરી અને પક્ષ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. અનેક ચૂંટણીના પડકારોને કાર્યકર્તાઓએ અવસરમાં પરિવર્તિત કરી પક્ષને શ્રેષ્ઠ પરિણામો અપાવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સર્વાંગી વિકાસની કામગીરી થઈ રહી હોવાનું જણાવી દિવ્યેશ અકબરીએ જામનગર મહાનગરમાં પણ વિકાસની અનેકવિધ કામગીરી આગળ ધપતી હોવાનું જણાવ્યું હતું. સૌનો સાથ, સૌનો વિકાસના મંત્રને સાર્થક કરતાં આગામી વર્ષમાં જામનગરને વધુ પ્રગતિના પંથે લઈ જવા સૌએ સંકલ્પબદ્ધ થવા તેમણે અનુરોધ કર્યો હતો.
વિકસિત ભારતવિકસિત ગુજરાતની સંકલ્પનાને સાકાર કરવા માટે દરેક કાર્યકર્તા અને નાગરિકે પોતાની જવાબદારી નિભાવી સહભાગી બનવું જોઈએ તેવો સંદેશ આ સ્નેહમિલન કાર્યક્રમમાં આપવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન સમારોહમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, પૂર્વ ધારાસભ્ય મનહરભાઈ ઝાલા, લાલજીભાઈ સોલંકી, નગરના મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, સ્ટેન્ડિંગ ચેરમેન ધીરેનભાઈ મોનાણી, દંડક પ્રવિણાબેન પડીયા, પૂર્વ અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, મુકેશભાઈ દાસાણી, ઉપરાંત પૂર્વ મેયર જયશ્રીબેન જાની, હસમુખભાઈ જેઠવા, પ્રતિભાબેન કનખરા ઉપરાંત વિવિધ સમાજના આગેવાનો, હોદેદારો, સ્વૈચ્છીક અને સામાજિક સંસ્થા ના આગેવાનો, વેપારી અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવો, કાર્યકર્તાઓ અને નગરજનોએ સ્વરુચિ ભોજન સાથે સ્નેહમિલનનો આનંદ માણ્યો હતો.