BREAKING NEWS

ગોધરાકાંડના આરોપીની મેડિકલ કારણોસર મોટી રાહતઃ આજીવન કેદની સજા સસ્પેન્ડ કરતી સુપ્રીમ કોર્ટ

  • November 23, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્ષ 2002ના ચકચારી ગોધરા ટ્રેન સળગાવવાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા દોષિત ઈરફાન સિરાજ પાડાને સુપ્રીમ કોર્ટે 23 નવેમ્બરના રોજ તબીબી કારણોસર મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદરેશ અને જસ્ટિસ પી.બી. વરાલેની ખંડપીઠે દોષિતના ગંભીર હૃદયરોગ અને તેના લાંબા જેલવાસના સમયગાળાને ધ્યાનમાં રાખીને તેની સજા સ્થગિત (સસ્પેન્ડ) કરીને જામીન મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2025માં પણ ઈરફાનની વહેલી મુક્તિ (પ્રીમેચ્યોર રિલીઝ)ની અરજી પર રાજ્ય સરકાર વિચારણા કરી શકે તે હેતુથી તેને વચગાળાના પેરોલ આપવામાં આવ્યા હતા.

આ સુનાવણી દરમિયાન દોષિતના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ઈરફાન ગંભીર હૃદયરોગની બીમારીથી પીડાઈ રહ્યો છે અને તે છેલ્લા 17-18 વર્ષથી જેલમાં બંધ છે. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ સ્વાતિ ઘિલ્ડિયાલે દોષિતની તબીબી સ્થિતિ અંગેની હકીકતોનો સ્વીકાર કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, જો અદાલત તબીબી કારણોસર આ રાહત આપતી હોય તો રાજ્ય સરકારને કોઈ વાંધો નથી, પરંતુ આ રાહત માત્ર તબીબી કારણો પૂરતી જ મર્યાદિત રાખવામાં આવે તેવી વિનંતી કરી હતી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે, આ અરજી મુખ્યત્વે તબીબી કારણોસર કરવામાં આવી છે અને રાજ્ય સરકારે પણ દોષિતની બીમારીની વિગતો સાચી હોવાનું સ્વીકાર્યું છે. આ તમામ બાબતો અને માનવીય અભિગમને ધ્યાનમાં રાખીને ખંડપીઠે દોષિત ઈરફાન સિરાજ પાડાની સજા સસ્પેન્ડ કરવાનો અને તેને જામીન પર મુક્ત કરવાનો મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો.

આ સમગ્ર કેસની પર નજર કરીએ તો, 27 ફેબ્રુઆરી, 2002ના રોજ અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના એસ-સિક્સ કોચમાં આગ લાગવાની ઘટનામાં 58 કાર સેવકોના કરુણ મોત નિપજ્યા હતા, જેના પગલે સમગ્ર ગુજરાતમાં વ્યાપક તોફાનો ફાટી નીકળ્યા હતા. આ કેસમાં માર્ચ 2011માં ટ્રાયલ કોર્ટે 31 લોકોને દોષિત ઠેરવ્યા હતા, જેમાંથી 11 દોષિતોને ફાંસી અને 20 દોષિતોને આજીવન કેદની સજા ફટકારાઈ હતી, જ્યારે 63 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા.

ત્યારબાદ વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટે 11 દોષિતોની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી હતી. હાઈકોર્ટના આ ચુકાદા સામે દોષિતોની અપીલ વર્ષ 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. નોંધનીય છે કે, અગાઉ મે 2022, ડિસેમ્બર 2022 અને એપ્રિલ 2023માં પણ સુપ્રીમ કોર્ટે વિવિધ કારણોસર આ કેસના અન્ય કેટલાક દોષિતોને જામીન પર મુક્ત કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application