↵ધ્રોલ-રાજકોટ હાઇવે પર છોટાહાથી પલ્ટી જતાં ૧૨થી વધુ લોકોને ઇજા
દ્વારકા દર્શનાર્થે જતા ૬ વ્યકિતને ગંભીર ઇજા થતા જામનગર ખસેડાયા
ધ્રોલ-રાજકોટ હાઈવે પર આહીર ક્ધયા છાત્રાલય નજીક ગઇકાલે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી. દ્વારકાધીશ ભગવાનના દર્શને જઈ રહેલા એક જ પરિવારના સભ્યોથી ભરેલું છોટા હાથી (ટેમ્પો) વાહન અચાનક પલ્ટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ૧૨થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી ૬ લોકોની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ચોરવિલા ગામના રબારી સમાજના વતની છે. આ તમામ લોકો એક જ પરિવારના સભ્યો હતા, જેમાં કાકા-મામાના ભાઈ-બહેનો અને બાળકો સહિત અંદાજે ૧૮ જેટલા લોકો વાહનમાં સવાર થઈને દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં જ કાળ ભેટી ગયો હતો.
આ અકસ્માતની જાણ થતાં જ ધ્રોલ ભરવાડ સમાજના આગેવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને સમયસર સારવાર મળી રહે તે માટે ધ્રોલ અને જોડીયાની ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવી હતી. એટલું જ નહીં, પરિસ્થિતિની ગંભીરતાને સમજીને ભરવાડ સમાજના આગેવાનોએ પોતાના ખાનગી વાહનો પણ કામે લગાડ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા લોકોને તાબડતોબ જામનગર હોસ્પિટલ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી.