જામનગર જિલ્લાની તમામ કોર્ટમાં આજે નેશનલ લોક અદાલત યોજાઇ
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશ અનુસાર અને નાલ્સાના એક્શન પ્લાન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર દ્વારા આજે જિલ્લાની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાધાનકારી વલણથી અનેક કેસોનો સુખદ નિકાલ થયો છે.
આ લોક અદાલતમાં પક્ષકારો દ્વારા પરસ્પર સહમતી અને સમાધાનકારી વલણ અપનાવી વર્ષોથી પેન્ડિંગ પડેલા વિવિધ પ્રકારના કેસોનો કાયમી નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે ફોજદારી સમાધાનપાત્ર કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ મુજબના ચેક રિટર્નના કેસો, બેંક રિકવરી દાવા, મોટર અકસ્માત વળતરના કેસો, લેબર અને લગ્ન વિષયક તકરાર તેમજ વીજળી અને પાણીના બિલોને લગતા પ્રશ્નો હાથ ધરી બંને પક્ષોની સંમતિથી ઉકેલ લાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત કૌટુંબિક તકરાર, જમીન સંપાદન, સર્વિસ મેટર, રેવન્યુ અને અન્ય સિવિલ કેસોમાં પણ સુખદ સમાધાન સાધી નિકાલ કરાયો હતો.
લોક અદાલતના માધ્યમથી બંને પક્ષકારો વચ્ચેનું વૈમનસ્ય દૂર થયું હતું અને પરસ્પર સંમતિથી કેસોનો નિકાલ થતાં કોઈની હાર નહીં, સૌની જીતની ભાવના ચરિતાર્થ થઈ હતી. પક્ષકારોને કોર્ટ-કચેરીના લાંબા ધક્કામાંથી કાયમી મુક્તિ મળતા સમય અને નાણાંની મોટી બચત સાથે ઝડપી ન્યાય પ્રાપ્ત થયો હતો. સમગ્ર આયોજન દરમિયાન જામનગર જિલ્લા અદાલતો અને તાલુકા કક્ષાની કોર્ટોમાં પક્ષકારો તેમજ વકીલનો બહોળો સહકાર જોવા મળ્યો હતો.