BREAKING NEWS

જામનગર: આલેચના ડુંગરની કોતરમાંથી ટપકેશ્ર્વર દાદા પર થતો કુદરતી જલાભિષેક

  • August 28, 2026 12:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: આલેચના ડુંગરની કોતરમાંથી ટપકેશ્ર્વર દાદા પર થતો કુદરતી જલાભિષેક

અસંખ્ય મોરલાના ટહુકા,પ્રકૃતિ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર,આસ્થા અને પ્રકૃતિનું પાવન ધામ એટલે ટપકેશ્વર મહાદેવ પાટણ

જામજોધપુરથી સાતેક કિલોમીટરના અંતરે આલેચ ડુંગરમાં (નાગબાઈ માતાજી) પાટણ ગામ નજીક આવેલું ટપકેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે. શિવભક્તો માટે આ સ્થળ માત્ર મંદિર નથી, પરંતુ કુદરતી સૌંદર્ય અને ધાર્મિક શ્રદ્ધાનો સુંદર સંગમ છે. ખાસ કરીને શ્રાવણ માસ, મહાશિવરાત્રી અને સોમવારના દિવસોમાં અહીં ભક્તો ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા પરિવારજનોને સાથે ઉમટે છે.

લોકમાન્યતા અનુસાર, ટપકેશ્વર મહાદેવના નામ સાથે ટપકતા જળની ધાર્મિક માન્યતા જોડાયેલી છે. કુદરતી રીતે ટપકતા પાણીના ટીપાં ભગવાન શિવના શિવલિંગ પર પડતા હોવાની વાત સ્થાનિક શ્રદ્ધામાં પ્રચલિત છે. આ કારણે આ સ્થળને ટપકેશ્વર નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે. 

અહીં વર્ષો જુનો કુંડ અને કુવો અને પરિસરમાં ગુફા પણ આવેલ છે મોરલાઓના ટહુકા અને વનવગડામાં ડુંગર પર બિરાજમાન ટપકેશ્વર મહાદેવ શિવભક્તોના હ્રદયમાં શાંતિનો દીપ પ્રગટાવી રહ્યું છે.શિવલિંગ ઉપર પથ્થરમાંથી ટપકેશ્વર મહાદેવ પર ટપક ટપક થતો જલાભિષેક કેટ-કેટલા દુકાળ આવીને ગયા સતત ભોળાનાથને થતો ટીપાં સ્વરૂપે અભિષેક શિવભક્તોને કરે  છે ભાવવિભોર આલેચ ડુંગરની નજીક આવેલ અમરાપર (સેતા) નજીક ત્રણ જિલ્લા જામનગર,રાજકોટ,પોરબંદરની સરહદ આવેલ છે જે સંભવત: ગુજરાતમાં આવુ એક જ સ્થળ હશે
ટપકેશ્વર મહાદેવની આસપાસનું કુદરતી વાતાવરણ પણ આ સ્થળની વિશેષતા છે. વરસાદી ઋતુ દરમિયાન હરિયાળી છવાઈ જાય છે અને વાતાવરણમાં એક અલગ જ આધ્યાત્મિક અનુભૂતિ સર્જાય છે. વહેલી સવારે મંદિર પરિસરમાં ગુંજતો ૐ નમ: શિવાયનો જાપ અને ઘંટનાદ ભક્તિમય માહોલ ઊભો કરે છે.

સ્થાનિક લોકોમાં એવી પણ લોકવાયકા છે કે પ્રાચીન સમયથી આ સ્થળ સાધુ-સંતો અને શિવ ઉપાસકોની સાધનાભૂમિ રહ્યું છે. શ્રાવણ માસ દરમિયાન અહીં વિશેષ પૂજા, અભિષેક, બિલ્વપત્ર અર્પણ અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. મહાશિવરાત્રીના પર્વે પણ શિવભક્તો વહેલી સવારથી દર્શન અને પૂજા માટે પહોંચે છે. ભક્તો ભગવાન શિવને દૂધ, જળ, બિલ્વપત્ર, ધતુરો અને ફૂલ અર્પણ કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.

ટપકેશ્વર મહાદેવનું ધાર્મિક મહત્ત્વ જેટલું છે, તેટલું જ આ સ્થળ પ્રકૃતિપ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. ગામડાના શાંત વાતાવરણ વચ્ચે આવેલું આ પવિત્ર ધામ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરાવે છે.જામજોધપુર પંથકના ધાર્મિક સ્થળોની પરંપરામાં પાટણનું ટપકેશ્વર મહાદેવ એક આગવું સ્થાન ધરાવે છે.અસંખ્ય મોરલાના ટહુકા પ્રકૃતિ પ્રેમીઓનું આકર્ષણનું કેન્દ્ર છે.

હિંદુ ધર્મમાં શ્રાવણ માસને ભગવાન શિવની ઉપાસના માટે અત્યંત પવિત્ર અને વિશિષ્ટ માનવામાં આવે છે. શ્રાવણ માસ આવતા જ મંદિરોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઊઠે છે અને ભક્તો ભગવાન શિવની આરાધના, અભિષેક તથા જપ-તપમાં લીન બને છે. માન્યતા છે કે શ્રાવણ માસમાં કરવામાં આવેલી શિવભક્તિ મનને શાંતિ આપે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરાવે છે.

હર હર મહાદેવના નાદ સાથે પાટણનું ટપકેશ્વર મહાદેવ ધામ  શિવભક્તોના હૃદયમાં શ્રદ્ધા અને શાંતિનો દીપ પ્રગટાવી રહ્યું છે. જામજોધપુર જ નહીં પરંતુ સમગ્ર તાલુકાના ભોળાનાથના ભક્તો માટે આસ્થાનું કેન્દ્રની સાથોસાથ પીકનીક પોઈન્ટ પણ છે.

​​​​​​​આલેચ ડુંગરમાં આવેલા અનેક શિવાલયો:
નાગબાઈ પાટણથી ઢાંક સુધી આલેચ ડુંગરમાં પાળેશ્વર, મહાદેવ સપ્તેશ્વર મહાદેવ ટપકેશ્વર મહાદેવ,ટાકેશ્વર મહાદેવ,ડુંગરેશ્વર મહાદેવ સહિતના શિવાલયો આવેલા છે.જામજોધપુર તાલુકાની સામાજિક સંસ્થાઓ તેમજ રાજકીય નેતાઓના જમણવારની પાર્ટીઓ તેમજ ધાર્મિક કાર્યક્રમો માટે પાટણ ટપકેશ્વર મહાદેવ મુખ્ય સ્થાન છે.આલેચ ડુંગર જામજોધપુર વિસ્તારમાં આવેલો ડુંગરાળ પ્રદેશ છે. ઉપલબ્ધ ભૌગોલિક માહિતી મુજબ આલેચ ડુંગરના એક સ્થળની ઊંચાઈ આશરે ૧૭૨ મીટર નોંધાય છે, જ્યારે આલેચની ડુંગરમાળાના અભ્યાસોમાં મહત્તમ ઊંચાઈ આશરે ૧૮૧ મીટર દર્શાવવામાં આવી છે. આલેચનો વિસ્તાર જામનગર ઉપરાંત રાજકોટ અને પોરબંદર જિલ્લાના નજીકના ભૂ-ભાગો સાથે પણ ભૌગોલિક રીતે જોડાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application