આજના ડિજિટલ યુગમાં નોકરી શોધવી જેટલી સરળ બની છે, એટલું જ જોખમ પણ વધ્યું છે. લિંક્ડઈનના તાજેતરના સંશોધન મુજબ, ભારતમાં નોકરીની છેતરપિંડીમાં યુવા પેઢી એટલે કે જેન-ઝી સૌથી વધુ જોખમમાં છે. આશ્ચર્યજનક વાત એ છે કે, જાણકારી હોવા છતાં આ પેઢીના 54 ટકા ઉમેદવારો સારી તકની લાલચમાં ચેતવણીના સંકેતોને અવગણે છે. ભારતમાં હવે નોકરી શોધનારાઓમાં શંકા અને સાવધાનીની ભાવના વધી છે. અહેવાલ મુજબ, 82 ટકા ભારતીય વ્યાવસાયિકો હવે કોઈ પણ નોકરીમાં અરજી કરતા પહેલા તેની કાયદેસરતા તપાસે છે. લગભગ 53 ટકા લોકો માને છે કે તેઓ એક વર્ષ પહેલાની સરખામણીએ અત્યારે નોકરીની જાહેરાતો પર વધુ પ્રશ્નો ઉઠાવે છે. આમ છતાં, યુવા પેઢી છેતરપિંડી કરનારાઓની જાળમાં ફસાઈ રહી છે. \સંશોધનમાં જાણવા મળ્યું છે કે 49 ટકા જેન-ઝી વ્યાવસાયિકો નોકરીના કૌભાંડનો ભોગ બનતા માંડ-માંડ બચ્યા છે. તેની સરખામણીએ જનરેશન એક્સ (વધુ ઉંમરના વ્યાવસાયિકો)માં આ પ્રમાણ માત્ર 36 ટકા છે. આ તફાવત દર્શાવે છે કે અનુભવી લોકોની સરખામણીએ યુવાનો જલ્દી વિશ્વાસ કરી લે છે અથવા ઉતાવળમાં ભૂલ કરી બેસે છે. છેતરપિંડી કરનારાઓ સામાન્ય રીતે ઉમેદવારોને લિંક્ડઈન જેવા વિશ્વસનીય પ્લેટફોર્મ પરથી હટાવીને ખાનગી મેસેજિંગ એપ્લિકેશન્સ (જેમ કે વોટ્સએપ કે ટેલિગ્રામ) પર લઈ જવાનો પ્રયાસ કરે છે. રિપોર્ટ કરાયેલા 90 ટકા કિસ્સાઓમાં આવું જ જોવા મળ્યું છે. એકવાર ઉમેદવાર સુરક્ષિત પ્લેટફોર્મની બહાર નીકળી જાય, પછી તેની ચકાસણી કરવી મુશ્કેલ બને છે અને છેતરપિંડી કરનારાઓ તેને ઉતાવળમાં નિર્ણય લેવા દબાણ કરે છે. નિષ્ણાતો અને અનુભવી વ્યાવસાયિકો હવે નોકરીની અરજી કરવાની પદ્ધતિમાં ફેરફાર લાવી રહ્યા છે. ઉદાહરણ તરીકે, યુઆઇ/યુએક્સ ડિઝાઇનર અનુષા છેત્રી જણાવે છે કે હવે તેઓ કોઈ પણ પદ માટે અરજી કરતા પહેલા કંપનીના લિંક્ડઈન પેજની તપાસ કરે છે અને પદની વિગતોને ઊંડાણપૂર્વક સમજે છે. સુરક્ષિત રહેવા માટે અરજી કરતા પહેલા કંપનીનું સરનામું, વેબસાઈટ અને અગાઉના કર્મચારીઓના રિવ્યુ તપાસો, જો કોઈ રિક્રૂટર તરત જ ખાનગી મેસેજિંગ એપ પર વાત કરવાનું કહે, તો સાવધ થઈ જાવ, કોઈ પણ પ્રતિષ્ઠિત કંપની નોકરી આપવા માટે ક્યારેય પૈસા કે સિક્યોરિટી ડિપોઝિટની માંગણી કરતી નથી અને જો કોઈ ઓફર "તક ફરી નહીં મળે" તેવી રીતે ઉતાવળ કરાવે, તો તે કૌભાંડ હોવાની શક્યતા વધુ છે. તમારી કારકિર્દીની શરૂઆતમાં ઉત્સાહ હોવો સ્વાભાવિક છે, પરંતુ એક નાની બેદરકારી આર્થિક અને માનસિક નુકસાન પહોંચાડી શકે છે. તેથી, 'થોભો, તપાસો અને પછી જ આગળ વધો'નો મંત્ર અપનાવવો અનિવાર્ય છે.