દ્વારકા: જમીન સંપાદનને મુદે ખેડુતોની ૪૫૦ કિમીની પદયાત્રા દ્વારકા પહોંચી
ખેડૂતો દ્વારકાધીશના શરણે: સરકાર અને કંપનીઓ સામે ઉગ્ર વિરોધ: હજારો ખેડુતો એકઠા થયા
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ખેડુતોને ન્યાય અને પુરતુ વળતર અપાવવા માટે છેલ્લા એક વર્ષથી લડાઇ લડી રહેલ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સમિતિ દ્વારા ખેડુતોના હકક અને અધિકાર માટે કચ્છના વ્રજવાણીથી દ્વારકા સુધીની ૪૫૦ કિ.મી.ની પદયાત્રા ૧૯ દિવસ બાદ દ્વારકા ખાતે પહોંચી હતી.
જમીન સંપાદન અને વીજ ટ્રાન્સમિશન લાઇનના મુદ્દે ખેડૂતોના હકો માટે શરૂ કરાયેલી કિસાન સંઘની આશરે ૪૫૦ કિલોમીટરની પદયાત્રા ૧૯ દિવસ બાદ દ્વારકા પહોંચી હતી. વ્રજવાણીથી પ્રસ્થાન કરેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. દ્વારકાના મુખ્ય માર્ગો પર પસાર થયેલી યાત્રા દરમિયાન ખેડૂતોએ સરકાર, વીજ કંપનીઓ તેમજ અદાણી કંપની સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કિસાન સંઘના અગ્રણી પાલ આંબલિયાએ સરકારની નીતિઓ પર કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના ખેતરોમાં નહીં પરંતુ તેમની છાતીમાં થાંભલા ખોદવામાં આવી રહ્યા છે. તેમણે ખેડૂતોની પીડા વ્યક્ત કરતાં જણાવ્યું કે વિકાસના નામે ખેડૂતોના હિતોની અવગણના કરવામાં આવી રહી છે.
ખેડૂત આગેવાનોએ માંગણી કરી હતી કે જમીન સંપાદન બદલ બજાર ભાવના ચાર ગણા વળતર ચૂકવવામાં આવે અથવા અસરગ્રસ્ત ખેડૂતોને દર મહિને રૂ. ૫૦ હજારનું ભાડું આપવામાં આવે. ઉપરાંત વીજ ટ્રાન્સમિશન લાઇનના દરેક થાંભલા દીઠ રૂ. ૨ કરોડનું વળતર ચૂકવવાની પણ માંગ કરવામાં આવી હતી.
કિસાન સંઘના આગેવાનોએ અદાણી કંપની સહિત સંબંધિત વીજ કંપનીઓ સામે પણ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડતી નીતિઓને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ વધી રહ્યો છે. સમગ્ર પદયાત્રા દરમિયાન ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને દ્વારકાધીશ સમક્ષ ન્યાયની પ્રાર્થના સાથે પોતાના અધિકારો માટે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સમયે ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેશભાઇ પટેલ, ખેડુત નેતા પાલભાઇ આંબલીયા, લાલજીભાઇ દેસાઇ, મહેશભાઇ સહિતના આગેવાનો જોડાયા હતા.