જામનગરમાં રોગચાળો બેફામ, મહીનામાં ઝાડા-ઉલ્ટીના ૧૦૯૨, તાવના ૯૯૩ કેસ
સાવચેતી જ સલામતી: સતત વાદળછાયા વાતાવરણથી મચ્છરોનો ઉપદ્વવ વઘ્યો, મહીનામાં ટાઇફોઇડના ૧૫, ડેન્ગ્યુના ૨ અને મેલેરિયાના ૪ કેસ નોંધાયા
ઘેર-ઘેર વાયરલ અને પાણીજન્ય રોગના કેસ: મિશ્ર ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર: દર્દીઓથી ઉભરાતી સરકારી અને ખાનગી હોસ્પિટલો
જામનગરમાં સાતમ-આઠમના તહેવાર ટાંકણે વાયરલ અને વાહકજન્ય રોગચાળો વકર્યો છે. કારણ કે, ઓગષ્ટ મહીનામાં શહેરમાં ઝાડા-ઉલ્ટીના ૧૦૯૨, અને તાવના ૯૯૩ કેસ નોંધાયા છે. સતત વાદળછાયા વાતારવણથી મચ્છરોનો ઉપદ્વવ વઘ્યો છે. આથી મહીનામાં ટાઇફોઇડના ૧૫, ડેન્ગ્યુના ૨ અને મેલેરિયાના ૪ કેસ મનપાના ચોપડે નોંધાયા છે. મિશ્ર ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્યને માઠી અસર થતાં ઘેર-ઘેર વાયરલ અને પાણીજન્ય રોગના કેસથી સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. રોગચાળાની આ સ્થિતિમાં સાવચેતી એ જ સલામતી બની છે.
જામનગરમાં આવતીકાલથી સાતમ-આઠમના તહેવારો શરૂ થઇ રહ્યા છે. તહેવારો અને રજાની મોજ માણવા લોકોએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. પરંતુ તહેવારો ટાંકણે શહેરમાં વાયરલ અને વાહકજન્ય રોગચાળો વકર્યો છે. હાલમાં ઘેર-ઘેર વાયરલ તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળી રહ્યા છે તો મચ્છરજન્ય રોગચાળાએ પણ માથું ઉચકયું છે.
આથી શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની કતારો જોવા મળી રહી છે. શહેરમાં ઓગષ્ટ મહીનામાં ઝાડા-ઉલ્ટીના ૧૦૯૨, તાવના ૯૩ કેસ મહાનગરપાલીકાના ચોપડે નોંધાયા છે. એટલે કે શહેરમાં રોજના ઝાડા-ઉલ્ટીના ૩૬ અને તાવના ૩૩ સરેરાશ કેસ સામે આવ્યા છે. બીજી બાજુ ગત મહીનામાં અને હાલમાં સતત વાદળછાયું વાતાવરણ રહેતા મચ્છરોનો ઉપદ્વવ વઘ્યો છે. આથી મચ્છરજન્ય મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. ગત મહીનામાં શહેરમાં ડેન્ગ્યુના ૨ અને મેલેરિયાના ૪ કેસ નોંધાયા છે તો જી.જી.હોસ્પિટલમાં ચીકનગુનીયાના ૪ કેસ નોંધાયા છે. આટલું જ નહીં નવાઇની વાત એ છે કે, ચાલુ વર્ષે ચોમાસામાં શહેરમાં મેઘરાજાએ હજુ મહેર કરી નથી. આમ છતાં શહેરમાં પાણી અને ખોરાકજન્ય રોગના કેસનું પ્રમાણ વધેલું પ્રમાણ ચિંતાજનક બન્યું છે. કારણ કે, ગત મહીનામાં મનપાના ચોપડે ટાઇફોઇડના ૧૫ અને જી.જી.હોસ્ટિપલમાં ૧૬ કેસ નોંધાયા છે.
અત્રે નોંધનીય છે કે, શહેરમાં છેલ્લાં થોડા દીવસોથી મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. કારણ કે, બપોરે ગરમી અને બફારો તો સાંજે ઠંડા પવનના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. આ કારણથી તાવ,શરદી, ઉધરસનો વાયરલ રોગચાળો વકર્યો હોવાનું તબીબોએ જણાવ્યું છે. શહેરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ઓપીડીમાં રોજની ૭૫૦ થી ૮૫૦ કેસ નોંધાઇ રહ્યા છે. જેમાં મહદઅંશે તાવ,શરદી, ઉધરસ તથા મચ્છર અને પાણી તથા ખોરાકજન્ય રોગના કેસ વધુ નોંધાઇ રહ્યા છે. હાલમાં શહેરમાં રોગચાળો વકર્યો છે ત્યારે શહેરીજનોએ સાવચેતી રાખવી ખૂબજ જરૂરી બની છે. મચ્છરજન્ય રોગથી બચવા ઘરની અંદર અને બહાર પાણી ભરાવા ન દેવું, પાણીના વાસણો ઢાંકીને રાખવા, જુના ટાયર, પ્લાસ્ટીકના વાસણોમાં પાણી ભરાવા દેવું નહીં અને પાણી અને ખોરાકજન્ય રોગથી બચાવ ઉકાળેલું અને કલોરીનેટેડ અથવા શુઘ્ધ પાણી પીવું, દૂષિત ખોરાક ન ખાવો, તાવ, ઝાડ-ઉલ્ટી અથવા કમળાના લક્ષણો જણાય તો તુરંત આરોગ્ય કેન્દ્વનો સંપર્ક કરવો. રોગચાળાના નિયંત્રણ માટે મનપા દ્વારા ડોર ટુ ડોર સર્વે કરી મચ્છરોના પોરાનો નાશ તથા લોકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ આવે તે માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.