જામનગરમાં શ્રાવણી મેળાનો માર્ગ મોકળો, આજથી પ્રારંભ
સ્ટેની માંગણી સિવિલ કોર્ટે નામંજુર કરી,આવતીકાલે કાનૂની દાવામાં વધુ સુનાવણી
બાકી ચાર પ્લોટની મહાનગરપાલીકાએ રાખેલી જાહેર હરરાજીનો ફીયાસ્કો
જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં મનપા દ્વારા આયોજીત શ્રાવણી લોકમેળા સામે સ્ટેની માંગણી અદાલતે નામંજૂર કરતા મેળાનો માર્ગ મોકળો થતાં આજથી પ્રારંભ થશે. કાનૂની દાવામાં વધુ સુનાવણી આવતીકાલે થશે. બાકી ચાર પ્લોટની મહાનગરપાલીકાએ રાખેલી જાહેર હરાજીમાં કોઇ ધંધાર્થીએ ભાગ ન લેતા ફીયાસ્કો થયો હતો.
જામનગરમાં મનપા દ્વારા પ્રદર્શન ગ્રાઉન્ડમાં તા.૧ થી ૧૧ સપ્ટેમ્બર સુધી આયોજીત શ્રાવણી લોકમેળાના આયોજનમાં ચાલી રહેલી ગંભીર વહીવટી બેદરકારી સામે પ્રિન્સિપાલ સિવિલ કોર્ટમાં સામાજિક કાર્યકર દ્વારા એડવોકેટ મારફતે અદાલત સમક્ષ દસ્તાવેજી પુરાવાઓ સાથે રજૂઆત કરી છે કે મંજૂરી વિના ગેરકાયદેસર ટેન્ડરિંગ , પ્રદર્શન મેદાન સરકારી માલિકીનું હોઈ, પ્રાંત અધિકારી (શહેર) ના ૧ ઓગસ્ટ ૨૦૨૬ ના પત્ર મુજબ જમીન ફાળવણી ની પ્રક્રિયા હજી વહીવટી વિચારણા હેઠળ છે. આમ છતાં, મહાનગરપાલિકાએ કાયદાને નેવે મૂકી ને સત્તાવાર જમીન ફાળવણી પહેલાં જ ૩૧ જુલાઈ એ ટેન્ડર બહાર પાડી વેપારી ઓ પાસે થી લાખો રૂપિયાની વસૂલાત શરૂ કરી દીધી છે.
મેળો યોજવા માટે લાલ બંગલો થી સાત રસ્તા સુધીનો મુખ્ય હાઈવે બંધ કરવાની સત્તા જામનગર મહાનગરપાલિકા પાસે નથી. મોટર વ્હીકલ એક્ટની કલમ મુજબ, પૂરતી પાર્કિંગ વ્યવસ્થા વિના અને ટ્રાફિક પોલીસ/કલેક્ટર ની સત્તાવાર મંજૂરી વિના રસ્તાઓ બંધ કરી શકાય નહીં. પ્રદર્શન મેદાન ખાતે લાખોની મેદની માટે પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી, જેનાથી કટોકટીના સમયે એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ પણ ફસાઈ જશે. તદઉપરાંત પ્રદર્શન મેદાન પર યોજાનારા મેળા, પ્લોટ ફાળવણી અને ગેરકાયદેસર ટેન્ડર પ્રક્રિયા પર તાત્કાલિક વચગાળાનો મનાઈહુકમ મેળવવા માંગણી કરી હતી. કાનૂની જંગમાં મેળા સામેના સ્ટેની માંગણી અદાલતે નામંજૂર કરી હતી. જેથી શ્રાવણી મેળાનો માર્ગ મોકળો બન્યો છે. બીજી બાજુ મહાનગરપાલીકાએ બાકીના ૪ પ્લોટની ગઇકાલે રાખેલી હરાજીમાં કોઇ ધંધાર્થી ન આવતા આ હરાજીનો ફીયાસ્કો થયો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.