BREAKING NEWS

દ્વારકામાં ફુડ વિભાગની કાર્યવાહી સામે સવાલો: અમુક એકમો પર જ તપાસ

  • July 23, 2026 12:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં ફુડ વિભાગની કાર્યવાહી સામે સવાલો: અમુક એકમો પર જ તપાસ

ગણતરીના એકમો પર ચેકીંગ કરી ર૧ કિલો અખાદ્ય પદાર્થ નાશ કરાયો

યાત્રાધામ દ્વારકા ખાતે વર્ષ દરમિયાન તેમજ ખાસ કરીને શ્રાવણ માસ, જન્માષ્ટમી અને અન્ય તહેવારો દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે. આ દરમિયાન શહેરમાં હોટલ, રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ સેન્ટર, મીઠાઈની દુકાનો અને ખાણી-પીણીના અન્ય એકમોમાં ભારે ધમધમાટ રહે છે. આવી સ્થિતિમાં યાત્રિકોના આરોગ્યની સુરક્ષા માટે ફૂડ વિભાગની સતત અને વ્યાપક દેખરેખ જરૂરી બનતી હોય છે. જોકે તાજેતરમાં ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અનેક સવાલો ઊભા કરી રહી છે.

ફૂડ વિભાગની ટીમે માત્ર ગણતરીના કેટલાક એકમોમાં જ ચેકિંગ હાથ ધરી અંદાજે ૨૧ કિલો ઉપયોગ માટે અયોગ્ય તેલ અને વાસી ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હોવાનું જણાવાયું છે. પરંતુ શહેરમાં કાર્યરત અન્ય અનેક ખાદ્ય એકમો સુધી ટીમ કેમ પહોંચી નહીં તે મુદ્દે સ્થાનિકોમાં ચર્ચા જાગી છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે યાત્રાધામમાં દરરોજ હજારો લોકો ભોજન લેતા હોવા છતાં ફૂડ વિભાગની કામગીરી ઘણીવાર માત્ર ઔપચારિકતા પૂરતી જ જોવા મળે છે. જો થોડા જ એકમોમાં તપાસ કરતાં વાસી ખાદ્ય પદાર્થો અને અયોગ્ય તેલ મળી આવે છે, તો બાકીના એકમોની સ્થિતિ શું હશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.
​​​​​​​
લોકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે ફૂડ વિભાગે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવાને બદલે શહેરના અન્ય હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈની દુકાનો, લારીઓ અને અન્ય ખાદ્ય વેચાણના એકમોમાં નિયમિત, અચાનક અને નિષ્પક્ષ ચેકિંગ હાથ ધરવું જોઈએ. યાત્રિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન થવું જોઈએ અને નિયમોનું ઉલ્લંઘન કરનાર તમામ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application