BREAKING NEWS

જામનગર: સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોના ત્વરિત નિકાલ માટે 'સમાધાન સમારોહ-૨૦૨૬' અને 'સ્પેશિયલ લોક અદાલત'નું આયોજન

  • May 11, 2026 06:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ કેસોના ત્વરિત નિકાલ માટે 'સમાધાન સમારોહ-૨૦૨૬' અને 'સ્પેશિયલ લોક અદાલત'નું આયોજન

​૨૧ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાનાર વિશેષ લોક અદાલતમાં ભાગ લેવા માટે ૩૧ મે સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

​ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય પ્રણાલીને વધુ સરળ, સુલભ અને નિ:શુલ્ક બનાવવાના ઉમદા હેતુ સાથે 'સમાધાન સમારોહ-૨૦૨૬' નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં પડતર હોય તેવા સમાધાનલાયક કેસોમાં પક્ષકારોની પરસ્પર સંમતિ અને મૈત્રીપૂર્ણ સમજૂતી દ્વારા વિવાદોના ઝડપી નિરાકરણને પ્રોત્સાહન આપવામાં આવશે.સૌહાર્દપૂર્ણ પદ્ધતિ દ્વારા ન્યાયની પ્રક્રિયાને વેગવંતી બનાવવા આ ખાસ ઝુંબેશ ગત ૨૧મી એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે.

​આ સ્પેશિયલ લોક અદાલતમાં ભાગ લેવા ઈચ્છતા પક્ષકારો અને વકીલશ્રીઓ વ્યક્તિગત રીતે અથવા ઓનલાઇન માધ્યમથી જોડાઈ શકે છે. આ માટે પક્ષકારોએ સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર ઉપલબ્ધ ગુગલ ફોર્મ ભરીને ૩૧ મે ૨૦૨૬ સુધીમાં અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયાના અંતે તારીખ ૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વિશેષ લોક અદાલતના આયોજન સાથે આ સમારોહનું સમાપન થશે. આ અંગે વધુ માહિતી કે સહાય માટે સુપ્રીમ કોર્ટ, દિલ્હી ખાતે કાર્યરત 'વન સ્ટોપ સેન્ટર' (રૂમ નં. ૮૦૬ અને ૮૦૮, બી બ્લોક, એડિશનલ બિલ્ડીંગ કોમ્પલેક્ષ) નો ફોન નંબર ૦૧૧-૨૩૧૧૨૪૨૮, ૦૧૧-૨૩૧૧૨૫૨૮ અથવા ડાયરેક્ટરના સંપર્ક નંબર ૦૧૧-૨૩૧૧૫૬૫૨ પર સંપર્ક કરી શકાશે.

​વધુમાં, જામનગર જિલ્લાના પક્ષકારો આ સુવર્ણ તકનો લાભ લેવા માટે સ્થાનિક સ્તરે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જામનગર, લાલ બંગલા સંકુલ, સિવિલ કોર્ટ બિલ્ડીંગ, પ્રથમ માળ, રૂમ નં. ૧૦ ની કચેરીનો રૂબરૂમાં અથવા ટેલિફોન નંબર ૦૨૮૮-૨૫૫૦૧૦૬ પર સંપર્ક કરી શકે છે. સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પોતાના કેસોનો સુખદ અંત આવે તે માટે વધુમાં વધુ લોકો આ તકનો લાભ લે તેવી જાહેર અપીલ જામનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી અને સિનિયર સિવિલ જજ એ. એમ. શુક્લ દ્વારા કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application