જામ્યુકોનો ઘન કચરા વ્યવસ્થાપનનો કડક કાયદો, શહેરીજનોની જવાબદારી વધશે..!
અહો વિચિત્રમ: સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝમાં તમામ પ્રકારના કચરાના નિકાલ, સફાઇ,ગંદકી નિયંત્રણ માટે લોકો માટે આકરી સૂચનાઓની ભરમાર, નવા નિયમ ૩૧ માર્ચ સુધીમાં અમલમાં આવશે
શહેરના દરેક વોર્ડમાં ન્યુસન્સ સ્કવોડની રચના કરાશે:કચરાનું ફરજીયાત ચાર પ્રકારે વર્ગીકરણ પણ મહાનગરપાલીકા ડબ્બા આપશે તેની કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા અનેક સવાલ
સ્વચ્છ જામનગર સ્વસ્થ જામનગર માટે મહાનગરપાલીકા દ્વારા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ-૨૦૨૬ બનાવામાં આવ્યો છે. આ કાયદાના પેટા નિયમો આગામી તા.૩૧ માર્ચ સુધીમાં શહેરમાં સંપૂર્ણ અમલમાં આવશે. પરંતુ આ કાયદાથી કચરા વ્યવસ્થાપનમાં મહાનગરપાલીકા કરતા શહેરીજનોની જવાબદારી વધશે તેવી ચિત્ર તેના પેટાનિયમોથી ઉપસ્યું છે. આટલું જ નહીં આ કાયદામાં તમામ પ્રકારના કચરાના નિકાલ, સફાઇ,ગંદકી નિયંત્રણ માટે લોકો માટે આકરી સૂચનાઓની ભરમાર હોય અમલીકરણ સામે ગંભીર પ્રશ્ર્નાર્થ સર્જાયા છે. નવા નિયમ મુજબ શહેરના દરેક વોર્ડમાં ન્યુસન્સ સ્કવોડની રચના કરાશે જે આકસ્મિક તપાસ કરશે. શહેરીજનોએ કચરાનું ફરજીયાત ચાર પ્રકારે વર્ગીકરણ કરવાનું રહેશે પરંતુ મહાનગરપાલીકા આ માટે ડબ્બાની ફાળવણી કરશે કે કેમ તેની કોઇ સ્પષ્ટતા કરવામાં ન આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
જામનગર શહેરમાં સ્વચ્છતા જાળવવા, કચરાના વૈજ્ઞાનિક નિકાલને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણ રક્ષણના હેતુથી મહાનગરપાલિકા દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન પેટા-નિયમો-૨૦૨૬ તૈયાર કરાયા છે. આ નિયમો આગામી ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં સંપૂર્ણ અમલમાં આવશે. આ નિયમો શહેરની હદમાં આવતા દરેક રહેણાંક મકાન, દુકાન, ઓફિસ, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ઉદ્યોગો, સરકારી કચેરીઓ તથા અન્ય સંબંધિત એકમોને કચરાના વ્યવસ્થાપન માટે નિર્ધારિત જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આ નવા નિયમોનો મુખ્ય હેતુ કચરો ઉત્પન્ન થાય તે સ્થળે જ તેનું વર્ગીકરણ કરાવવાનો, પુન:ઉપયોગ અને રિસાયકલિંગને પ્રોત્સાહન આપવાનો તથા લેન્ડફિલમાં જતાં કચરાનું પ્રમાણ ઘટાડવાનો છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ કચરો ફેંકવો, ખુલ્લામાં કચરાના ઢગલા કરવા અને કચરો સળગાવવા જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મૂકવાની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.
ઘન કચરા વ્યવસ્થાપનની મુખ્ય જોગવાઇમાં નાગરિકોએ ઘર કે વ્યવસાયના સ્થળે જ કચરાનું ચાર પ્રકારમાં વર્ગીકરણ કરવાનું રહેશે. ભીના અને જૈવિક રીતે વિઘટનશીલ કચરા માટે લીલા રંગનો ડબ્બો, કાગળ, પ્લાસ્ટિક, ધાતુ, કાચ સહિતના સૂકા કચરા માટે વાદળી રંગનો ડબ્બો, સેનિટરી નેપકીન, ડાયપર, વેટ વાઇપ્સ, માસ્ક અને બેન્ડેજ જેવા કચરા માટે લાલ રંગનો ડબ્બો તથા પેઇન્ટ, કેમિકલ, એક્સપાયર થયેલી દવાઓ અને બલ્બ-ટ્યુબલાઇટ જેવા વિશેષ કાળજી માગતા ઘરેલું કચરા માટે કાળા રંગના ડબ્બાની વ્યવસ્થા કરવાની રહેશે.
તદઉપરાંત સેનિટરી કચરાને ઉત્પાદક દ્વારા આપવામાં આવેલા પાઉચમાં અથવા કાગળ કે કપડામાં સુરક્ષિત રીતે લપેટીને જ નિકાલ કરવાનો રહેશે. કચરાના સંગ્રહ માટેના ડબ્બા ઢાંકણવાળા, મજબૂત અને લીકેજ ન થાય તેવા હોવા જોઈએ. આટલું જ નહીં જૂના રંગના, જંતુનાશક દવાના ડબ્બા, સીએફએલ-ટયુબલાઇટ, એકસપાયર દવા,તૂટેલા પારાના થર્મોમીટર, બેટરી, વપરાયેલી સોય-સીરીંજ સહીતની વસ્તુઓ અલગ રાખી મનપાના વાહનમાં આપવાની રહેશે. આ પ્રકારનો કચરો ખુલ્લામાં ફેંકવો, દાટવો કે સળગવાવો પ્રતિબંધિત છે. તમામ મિલકતો, ઝૂં૫ડપટ્ટી, સોસાયટીઓ, બજારો અને ઔધોગીક વસાહતોમાંથી નિયમિત ડોર ટુ ડોર કચરો એકત્ર કરવો, કચરા સંગ્રહના વાહનો ઢાંકેલા, અલગ કમ્પાર્ટમેન્ટવાળા અને જીપીએસ યુકત રહેશે. સમય અને સેવાની ગુણવતાનું ડીજીટલ મોનીટરીંગ થશે. વર્ગીકૃત કચરો કોઇપણ તબકકે ભળેવવો નહીં.
દરેક વોર્ડ-સમૂહમાં ન્યુસન્સ સ્કવોડ રચાશે. જે આકસ્મિક તપાસ કરશે. એસડબલ્યએમ માર્શલ, ન્યુસન્સ ડીટેકટર સ્થળ પર દંડ વસૂલ કરી શકશે. ઉલ્લંઘનની જાણ કરનારને પ્રોત્સાહન આપવાની જોગવાઇ પણ કરાઇ છે. પેકેજીંગ ઉત્પાદકો, બ્રાન્ડ માલીકો અને ઇ-કોમર્સ કં૫નીઓ પોતાના ઉત્પાદનો કચરાના વ્યવસ્થાપન માટે નોન બાયોડીગ્રેબલ પેકેજીંગ પરત એકત્ર કરવાની વ્યવસ્થા કરવાની રહેશે.
જાહેર સ્થળે ગંદકી સબબ આકરી જોગવાઇ, લાયસન્સ સસ્પેન્ડ, મીલકત સીલ કરાશે:
શહેરમાં જાહેર રસ્તાઓ, ગટર, જળસ્ત્રોતો તથા અન્ય જાહેર સ્થળોએ કચરો ફેંકવા અને વાહનમાંથી કચરો ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જાહેર સ્થળોએ થૂંકવું, પેશાબ કરવો કે શૌચ કરવું પણ પ્રતિબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. પાળતુ પ્રાણીઓ દ્વારા જાહેર સ્થળે ગંદકી થાય તો તેના માલિકે તાત્કાલિક સફાઈ કરવાની રહેશે. ખાલી પ્લોટમાં કચરો અથવા બાંધકામનો કચરો ફેંકવામાં આવે તો સંબંધિત મિલકતધારકને નોટિસ આપીને મહાનગરપાલિકા દ્વારા સફાઈ કરાવી તેનો ખર્ચ વસૂલ કરવાની જોગવાઈ છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે કમ્પાઉન્ડિંગ ચાર્જ વસૂલવા તેમજ વારંવાર નિયમોનો ભંગ કરનાર એકમો સામે લાઇસન્સ સસ્પેન્ડ કરવા અથવા મિલકત સીલ કરવા જેવી કાર્યવાહી પણ નિયમોમાં દર્શાવવામાં આવી છે.વધારે અવરજવરવાળા વિસ્તારો, બસ સ્ટોપ વગેરે સ્થળો ર લીલા(ભીના) અને વાદળી(સૂકા) રંગની જાહેર કચરાપેટી મૂકવામાં આવશે. તેનો ઉપયોગ ઘર કે દુકાનના રોજીંદા કચરા માટે કરવો નહીં.
મોટા કચરા ઉત્પાદકો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત:
ઘન કચરાના નવા નિયમો અંતર્ગત ૨૦,૦૦૦ ચોરસ મીટર કે તેથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી મિલકતો, દરરોજ ૪૦,૦૦૦ લિટર કે તેથી વધુ પાણીનો વપરાશ કરતા એકમો અથવા દરરોજ ૧૦૦ કિલો કે તેથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને મોટા કચરા ઉત્પાદકોની શ્રેણીમાં આવરી લેવામાં આવ્યા છે. આવી હોટેલો, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક સંકુલોએ નિર્ધારિત પોર્ટલ પર નોંધણી કરાવવાની તથા ભીના કચરાના નિકાલ માટે પોતાના પરિસરમાં કમ્પોસ્ટિંગ કે બાયો-ડાયજેસ્ટર જેવી સુવિધા ઊભી કરવાની જોગવાઈ છે. નિયમોમાં નિર્ધારિત શરતો અનુસાર મુક્તિ મેળવવા માટે સંબંધિત પ્રમાણપત્રની વ્યવસ્થા પણ દર્શાવવામાં આવી છે. મનપા તમામ બલ્ક જનરેટરની નોંધણી(રજીસ્ટર)નિભાવશે.
નાગરિકો,વેપારીઓ, સોસાયટીઓ, મંડળોને સહયોગનો અનુરોધ:
જામનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકો, વેપારીઓ અને વિવિધ સંસ્થાઓને ઘર તથા વ્યવસાયના સ્થળે કચરો અલગ-અલગ રાખવા અને મનપાના નિયત સમયે આવતા વાહનમાં આપવા તથા જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તથા ન સળગાવવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા, પાલતુ પ્રાણીની ગંકદી જાતે સાફ કરવા, તહેવારો અને કાર્યક્રમોના આયોજકો અગાઉથી જાણ કરી સ્વચ્છતાની વ્યવસ્થા રાખવા, સફાઈ કર્મચારીઓને સહકાર આપવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. શહેરને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટે ઘન કચરાનું યોગ્ય વર્ગીકરણ, વૈજ્ઞાનિક નિકાલ અને નાગરિકોની સક્રિય ભાગીદારી નિર્ણાયક બની રહેશે.