BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા​​​​​​​: સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2026: કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાનું સન્માન

  • July 28, 2026 06:31 PM 

દેવભૂમિ દ્વારકા​​​​​​​: સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2026: કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન કાસુન્દ્રાનું સન્માન

ગુરુપૂર્ણિમાના પાવન અવસરની પૂર્વ સંધ્યાએ પોરબંદર સ્થિત સાંદિપની વિદ્યાનિકેતન દ્વારા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનારા શિક્ષકોના સન્માન માટે આયોજિત 'સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ-2026' કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગા પ્રાથમિક શાળાના આચાર્યા તન્વીબેન અરવિંદભાઈ કાસુન્દ્રાને પ્રતિષ્ઠિત ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

તા. 28 જુલાઈ, 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જાણીતા કથાકાર ભાઈ રમેશભાઈ ઓઝાના હસ્તે તન્વીબેન કાસુન્દ્રાને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિક્ષણપ્રેમી ગિજુભાઈ ભરાડ દ્વારા પુસ્તકોનો વિશેષ સેટ પણ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ માટે રાજ્યના દરેક જિલ્લામાંથી શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી, નવીન અભિગમ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કરેલા નોંધપાત્ર યોગદાનના આધારે માત્ર એક શિક્ષકની પસંદગી કરવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં તન્વીબેન કાસુન્દ્રાની પસંદગી થતાં જિલ્લામાં શિક્ષણજગતમાં આનંદની લાગણી વ્યાપી છે.

કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને અલગ-અલગ શ્રેણીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ જ પ્રસંગે જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી રતિલાલ બોરીસાગરને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સમારોહને સંબોધતા ભાઈ રમેશભાઈ ઓઝાએ ગુરુના સ્થાન અને શિક્ષકના કર્તવ્ય અંગે પ્રેરણાદાયી વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ગુરુએ પોતાના વ્યક્તિત્વમાં ગુરુત્વ જાળવી રાખવું જોઈએ અને સાચો શિક્ષક જીવનભર શીખવાની પ્રક્રિયા સાથે જોડાયેલો રહે છે. તેમના આશીર્વચન અને ગુરુવાણીએ સમગ્ર કાર્યક્રમને આધ્યાત્મિક અને પ્રેરણાત્મક માહોલ આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application