જામનગરની સંગીત શિક્ષિકાને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીતરત્ન પુરસ્કાર એનાયત થશે
આ પૂર્વે અનેક એવોર્ડ્સથી સન્માનિત થઈ ચૂક્યા છે સ્વાતિબેન મહેતા
જામનગર માટે ગૌરવની વાત છે કે શહેરની જાણીતી સંગીતકાર અને સંગીત શિક્ષિકા ડો. સ્વાતિ અજય મહેતાની ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આપેલા ૪૫ વર્ષથી આપેલા નોંધપાત્ર યોગદાનની કદર કરતાં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ, મુંબઈ દ્વારા સમગ્ર દેશભર માંથી ચુનંદા ૧૦ વ્યક્તિઓને આપવમાં આવતા પ્રતિષ્ઠિત પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર સંગીતરત્ન પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મંડળ દ્વારા તા. ૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જારી કરાયેલા સત્તાવાર પત્રમાં જણાવ્યા મુજબ, ભારતીય શાસ્ત્રીય સંગીતના પ્રખર પુરોધા પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરના સંગીત પ્રચાર-પ્રસારના કાર્યને આગળ વધારવામાં ડો. સ્વાતિ મહેતાનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમના આ અમૂલ્ય યોગદાનને માન્યતા આપતાં આ પ્રતિષ્ઠિત સન્માન માટે તેમની પસંદગી કરવામાં આવી છે.
આ પુરસ્કાર વિતરણ સમારોહ તા. ૨૨ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે, વિષ્ણુદાસ ભાવે નાટ્યગૃહ, વાશી, નવી મુંબઈ (મહારાષ્ટ્ર) ખાતે યોજાશે. સમારોહ દરમિયાન ડો. સ્વાતિ મહેતાનું મહાનુભાવો અને નૃત્ય ક્ષેત્રેના આગેવાનોની ઉપસ્થિતિમાં સન્માન કરવામાં આવશે. અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ દ્વારા પુરસ્કાર વિજેતાને નિયમ મુજબ પ્રવાસ ભથ્થાની પણ વ્યવસ્થા કરવામાં આવશે.
ડો. સ્વાતિ અજય મહેતાને મળનારા આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનથી જામનગર તેમજ સમગ્ર ગુજરાતના સંગીતજગતમાં આનંદની લાગણી વ્યાપી છે. સંગીતરસિકો, શિક્ષકો અને વિવિધ સામાજિક-સાંસ્કૃતિક સંસ્થાઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે.