જામનગર: જીએસટીની ટીમ દ્વારા ૧૪ થી વધુ પેઢીઓમાં સર્ચ ઓપરેશન શરૂ
જીઆઇડીસી વિસ્તારમાં કેટલાક પેઢીઓ સામે તપાસ પુરી થયા બાદ બેંક ખાતા ફીઝ અને મિલ્કત જપ્તી સુધીનાં પગલા લેવામાં આવશે: કેટલાક ઉદ્યોગપતિઓ ભુગર્ભમાં ઉતરી ગયા: આગામી દિવસોમાં કેટલાક સામે વધુ તપાસ થશે
જામનગરમાં દરેડ વિસ્તારમાં જીએસટીની ટીમે પિતા પુત્રની ધરપકડ કરાયા બાદ કેટલાક કૌભાંડકારી ઉદ્યોગપતિઓ સામે ગાળીયો મજબૂત બનાવવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યા છે. ૧૪ થી વધુ પેઢીઓ સામે ખાનગી રાહે ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા છે તેમાં પેઢીઓનાં શંકાસ્પદ વ્યવહારો, બીલીંગ તેમજ આર્થિક લેવડદેવડ અંગે પણ તપાસ શરૂ કરી દેવામાં આવશે, કેટલાક ઉદ્યોગપતિઓનાં બેંક એકાઉન્ટ પણ સ્થગિત કરી દેવામાં આવશે.
રાજયનાં વેરા વિભાગની ટીમે જામનગરના જીઆઇડીસી વિસ્તારમાં ૨૦ થી વધુ સ્થળોએ બોગસ બીલીંગ કરનારાઓ સામે તપાસ હાથ ધરી જેમાં કેટલાક શંકાસ્પદ વહેવારો મળી આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. આ ઓપરેશનમાં એન્જલ એન્ટરપ્રાઇઝ, રીધમ મેટલ, માંડોવરા ટ્રેડીંગ, પિતલ મેટલ, નકુમ એન્ટરપ્રાઇઝ, વાયપી ઇમ્પેકસ, રાહુલ નારાયણ, બેલસીફ ઇન્ડ.,ખોડલ, હરીઓમ, ઓનેસ્ટ ઇમેકટ, શ્રી રામ એન્ટરપ્રાઇઝ સહિતની પેઢીમાં પણ જીએસટી વિભાગ દ્વારા ખાનગીમાં તપાસ ચાલુ થઇ છે અને દસ્તાવેજોની ચકાસણીમાં ડીજીટલ પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલીક પેઢીઓમાં એનજીટીપી તરીકે ઓળખાતા પુરાવાઓ મળી આવ્યા છે. ઉપરાંત ડીજીટલ ડેટા, મોબાઇલ, કોમ્પ્યુટર, હાર્ડડીશની તપાસ પણ થઇ રહી હોવાનું જાણવા મળે છે. તપાસમાં એક સામાન્ય મોડસ ઓપરેન્ડી સામે આવી છે.
એક જગ્યાએ માલ ખરીદવામાં આવે છે તેવી વિગતો બહાર આવી છે જયારે ઇનવોઇસ અલગ બોગસ પેઢીમાંથી મેળવીને ખોટી રીતે આઇટીસી પાસ કરવામાં આવે છે. પિતા પુત્રની ધરપકડ થયા બાદ અનેક કૌભાંડો બહાર આવ્યા છે અને આ અંગે પણ તપાસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કુદરત અને ભાગીરથ એન્ટરપ્રાઇઝ પેઢી સામે પણ ખાનગી તપાસ શરૂ થઇ છે. નાણાંકીય તપાસમાં સુમિત પટેલ, અભયસિંહ વાળા, હાર્દિક સચદેવ, હાર્દિક ગઢીયા, સુરેશ વસોયા, અને સિદ્ધરાજસિંહ રાણા, તેમજ કાદીરના નામો બહાર આવ્યા હોવાનું સુત્રોએ જણાવ્યું છે.
કેટલાક બ્રાસ પેઢીમાં વર્ષોથી કાચી ચિઠ્ઠીમાં વહેવાર કરતા આવતા હોય છે તેમાં કેટલાકની ચિઠ્ઠી પણ કબજે કરવામાં આવે તેવી શકયતા છે. જીએસટી ટીમને મળેલા ઇનપુટ અનુસાર હાલ તો ૧૪ થી વધુ પેઢીઓમાં સર્ચ કરવામાં આવ્યું છે. કેટલાક પેઢીઓની શંકાસ્પદ વહેવારો અંગેની તપાસ થઇ રહી છે, કેન્દ્ર સરકારના આદેશ મુજબ આ તપાસ જીએસટી નોંધણી રદ કરવા પુરતી નહીં રહે, ખોટા બિલ બનાવનારાઓની એકસ ક્રેડીટ બ્લોક કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત કેટલીક મિલકતો ટાંચમાં લેવામાં આવશે ઉપરાંત બેન્ક ખાતાઓ સીલ કરી કેટલાક નાણા વ્યવહાર હાલ તો ખાનગી રાહે તપાસ થઇ રહી છે અને કેટલાક ઉદ્યોગકારોના કોમ્પ્યુટર, મોબાઇલ કબજે કરવાનું જાણવા મળે છે.