BREAKING NEWS

જામ્યુકો ઘન કચરા વ્યવસ્થાપનમાં બેદરકાર, શો-કોઝ નોટીસ

  • August 22, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામ્યુકો ઘન કચરા વ્યવસ્થાપનમાં બેદરકાર, શો-કોઝ નોટીસ 

કલેકટરની અઘ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ સેલ અને જીપીસીબીની કાર્યવાહી: મહાનગરપાલીકા શું ખુલાસો કરે છે તેના પર મીટ

જામનગર શહેરમાં ઘન કચરા વ્યવસ્થાપનના નિયમોના પાલનમાં બેદરકારી બદલ મહાનગરપાલિકા સામે નોટીસ સહીતની કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ સેલ દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મારફતે મહાનગરપાલિકાને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે. શહેરના ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર આગનો બનાવ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટની કામગીરીમાં લોલંમલોલનો આક્ષેપ કરાયો છે. જિલ્લા કલેકટરની અઘ્યક્ષતામાં  રચાયેલી સ્પેશ્યિલ સેલ અને જીપીસીબી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે મહાનગરપાલીકા આ નોટીસનો શું ખુલાસો કરે તેના પર મીટ મંડાઇ છે.

જામનગરમાં ગુલાબનગર ડમ્પીંગ સાઇટ પર થોડા દીવસો પૂર્વે કચરાના ખડકાયેલા ગંજમાં આગ લાગી હતી.આટલું જ નહીં  ફાયરબ્રિગેડ દ્વારા કલાકો સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ આગ કાબૂમાં આવી હતી. આગના કારણે ઝેરી ધુમાડાના કારણે આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોને શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.

આટલું જ નહીં આ બનાવથી શહેરભરમાં ભારે ચકચાર જાગી હતી. અત્રે નોંધનીય છે કે, ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર છાશવારે આગના બનાવ બને છે. ત્યારે શું ડમ્પીંગ પોઇન્ટ પર કચરો બાળવાનો ખેલ ચાલી રહ્યો છે તે સવાલ ઉઠયો છે અને આ મુદો તપાસનો વિષય બન્યો છે. નવાઇની વાત તો એ છે કે, ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર કચરાના કારણે અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યાની ફરિયાદો છાશવારે આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકો કરી રહ્યા છે. પરંતુ મનપાના સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીઓને કંઇ પડી જ ન હોય તેમ કોઇ નકકર પગલાં લેવાતા નથી. આ સ્થિતિમાં તાજેતરમાં ગુલાબનગર ડમ્પીંગ પોઇન્ટ પર આગના બનાવ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૨૬ના નિયમોના ભંગના સંદર્ભમાં મહાનગરપાલિકા પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે. ખાસ કરીને શહેરના ઘન કચરા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા સ્થળે આગ લાગવાની ઘટના તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટનો નિયમોનુસાર યોગ્ય રીતે વિકાસ કરવામાં ન આવ્યો હોવાના મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવ્યા છે.

જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી સ્પેશિયલ સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને નોટિસ પાઠવી આ બંને મુદ્દે જવાબ રજૂ કરવા જણાવાયું છે. કચરાના યોગ્ય નિકાલ અને વ્યવસ્થાપન માટે નિર્ધારિત નિયમોનું પાલન કરવું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની જવાબદારી હોવા છતાં તેમાં ખામી જણાતા તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હવે જામનગર મહાનગરપાલિકા દ્વારા નોટિસના મુદ્દે શું જવાબ રજૂ કરવામાં આવે છે અને કચરા વ્યવસ્થાપન સાઇટના સંચાલન તથા સલામતી અંગે શું પગલાં લેવામાં આવે છે તેના પર નજર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application