BREAKING NEWS

જામનગર જિલ્લામાં દિવાળી પૂર્વે પોલીસની સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ

  • October 29, 2026 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં દિવાળી પૂર્વે પોલીસની સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ

રૂ. ૮૦,૪૦૦ નો દંડ વસૂલાયો: ૧૪ વાહનો ડિટેઇન: અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકીંગ

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો સુરક્ષિત રીતે તહેવારની ઉજવણી કરી શકે અને માર્ગો પર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જામનગર જિલ્લા પોલીસ દ્વારા સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ તા. ૨૮ ના રોજ સમગ્ર જિલ્લામાં હાથ ધરાયેલી આ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

જિલ્લાના ભીડભાડવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો અને વધુ અવરજવર ધરાવતા સ્થળોએ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હથિયાર ધારાની જોગવાઈઓના ભંગ, નશાની હાલતમાં વાહન ચલાવવું, બેફામ ઝડપે વાહન હંકારવું, કારમાં બ્લેક ફિલ્મ લગાવવી, નંબર પ્લેટ વગરનાં વાહનો તેમજ ફેન્સી નંબર પ્લેટ ધરાવતાં વાહનો સામે કાર્યવાહી કરાઈ હતી. આ ઉપરાંત મોડિફાઇડ સાયલન્સર લગાવીને ફરતા અને બેફામ રીતે બાઇક ચલાવતા વાહનચાલકોને પણ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું.

પોલીસની આ કામગીરી દરમિયાન જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) હેઠળ ૧૧ કેસ, નશાની હાલતમાં વાહન ચલાવવા બદલ ૯ કેસ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૮૧ હેઠળ બેફિકરાઈથી વાહન ચલાવવા બદલ ૧૦ કેસ નોંધવામાં આવ્યા હતા. જાહેર માર્ગ પર અડચણરૂપ રીતે વાહન રાખવા બદલ બી.એન.એસ.ની કલમ ૨૮૫ હેઠળ ૩ કેસ કરવામાં આવ્યા હતા. મોટર વ્હીકલ એક્ટની કલમ ૨૦૭ હેઠળ ૧૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યાં હતાં.
ચેકિંગ દરમિયાન કારમાં બ્લેક ફિલ્મ લગાવવાના ૪૪, નંબર પ્લેટ વગરનાં વાહનોના ૬૯, ફેન્સી નંબર પ્લેટના ૪૩ અને મોડિફાઇડ સાયલન્સરના ૫ કેસ મળી આવ્યા હતા. સમગ્ર ઝુંબેશ દરમિયાન સ્થળ પર કુલ રૂ. ૮૦,૪૦૦નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

જામનગર જિલ્લા પોલીસની આ સ્પેશ્યલ ટ્રાફિક ડ્રાઇવ મદદનીશ પોલીસ અધિક્ષક (લાલપુર વિભાગ), નાયબ પોલીસ અધિક્ષકો (શહેર અને ગ્રામ્ય વિભાગ) તેમજ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તહેવારો દરમિયાન ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને માર્ગ સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application