BREAKING NEWS

રાજકોટિયન્સો પાન-ફાકીની પિચકારી મોંઘી ન પડે, પકડાશો તો થશે રૂ.10 હજારનો આકરો દંડ

  • November 14, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ અને નવનિર્મિત પાર્ટી પ્લોટ માટે આકરા નિયમોની નીતિવિષયક દરખાસ્ત તૈયાર કરીને કમિશનરે જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી છે જેને મંજૂરી આપવા અંગે આગામી તા.૨૦ નવેમ્બરે મળનારી મિટિંગમાં નિર્ણય થશે, નવા નિયમોમાં મુખ્યત્વે તમામ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટમાં ભોજનના લાઇવ કાઉન્ટર નજીક ફાયર સેફ્ટી સાધનો ફરજિયાત બનાવવામાં આવ્યા છે, સાથે જ પાન-ફાકીની પિચકારીના પ્રત્યેક કિસ્સા દીઠ ફિક્સ રૂ.૧૦ હજારનો આકરો દંડ વસુલાશે. આ ઉપરાંત તમામ મ્યુનિસિપલ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટમાં ઇંડા અને નોનવેજ વાનગીઓ રાંધી કે પીરસી શકાશે નહીં તેવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.


રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલ તથા પાર્ટી પ્લોટના ઉપયોગ માટે પહેલી વખત વિસ્તૃત અને કડક નિયમો ઘડવામાં આવ્યા છે. આ નિયમોને મંજૂરી આપવા માટેની દરખાસ્ત આગામી જનરલ બોર્ડ સમક્ષ મૂકવામાં આવશે. બોર્ડની મંજૂરી બાદ મ્યુનિસિપલ કમિશનર જાહેર કરે તે તારીખથી નવા નિયમો અમલમાં આવશે.


નવા નિયમો મુજબ કોમ્યુનિટી હોલ કે પાર્ટી પ્લોટમાં રાખવામાં આવતા ભોજનના પ્રત્યેક લાઇવ કાઉન્ટર પાસે અગ્નિશામક સાધન રાખવું ફરજિયાત બનશે. એટલું જ નહીં, લાઇવ કાઉન્ટર એવી રીતે ગોઠવવાના રહેશે કે હોલમાં ધુમાડો ન ફેલાય તથા છત કે અન્ય સંપત્તિને નુકસાન ન થાય. આ તમામ વ્યવસ્થાની જવાબદારી ભાડે રાખનારની રહેશે.


કોમ્યુનિટી હોલ–પાર્ટી પ્લોટ માત્ર મંજૂર પ્રસંગ માટે જ વાપરી શકાશે.ખાનગી, વ્યાવસાયિક કે અન્ય હેતુ માટે ઉપયોગ કરવા કમિશનરની પૂર્વમંજૂરી જરૂરી રહેશે.હોલ કે પાર્ટી પ્લોટમાં રસોઈ માત્ર નિયત સ્થળે જ બનાવી શકાશે.


ફટાકડા ફોડવા, ધૂમ્રપાન કરવા તથા તમાકુ, ગુટખા અને પાન-મસાલાનું સેવન કરવા પર પ્રતિબંધ રહેશે.


લગ્ન કે જાહેર પ્રસંગમાં વેઇટિંગ ચાર્જ વસૂલવો કે જુગાર રમાડવો નહીં.લોન ઉપર વાહન, ભારે સામગ્રી કે જનરેટર ચલાવી શકાશે નહીં. કાર્યક્રમનો સ્પીકર હોલ–પાર્ટી પ્લોટની બહાર ન જાય તે રીતે અવાજ નિયંત્રિત રાખવો પડશે.દરેક લાઇવ કાઉન્ટર પાસે અગ્નિશામક સાધન અને તેને ચલાવી શકે તેવી વ્યક્તિ રાખવી પડશે.


કાર્યક્રમ દરમિયાન વાહન પાર્કિંગ અને ટ્રાફિક વ્યવસ્થા માટે જરૂરી સંખ્યામાં માણસો રાખવાના રહેશે.કાર્યક્રમ બાદ કચરાનો નિકાલ કરી સ્થળને પૂર્વવત્ અને સ્વચ્છ બનાવી સોંપવું પડશે.મિલકતને નુકસાન થશે તો તેની સંપૂર્ણ રકમ ડિપોઝિટમાંથી વસૂલાશે; રકમ ઓછી પડે તો ભાડે રાખનારે તફાવત ભરવો પડશે. નિયમભંગના કિસ્સામાં બુકિંગ રદ કરી ડિપોઝિટ જપ્ત કરવાની સત્તા મનપાને રહેશે.


હોલ કે પાર્ટી પ્લોટમાં ધૂમ્રપાન, તમાકુ-ગુટખા કે પાન-મસાલાનું સેવન થતું ઝડપાશે તો પ્રતિ બનાવ રૂ.૧૦ હજારનો દંડ વસૂલવામાં આવશે. મનપાની પૂર્વમંજૂરી વિના કાર્યક્રમનું સ્વરૂપ બદલાશે કે નિયમોનો ભંગ થશે તો સ્થળ તાત્કાલિક ખાલી કરાવી ડિપોઝિટ જપ્ત કરવાની જોગવાઈ પણ દરખાસ્તમાં કરવામાં આવી છે.


કાર્યક્રમના ૩૦ દિવસ પહેલાં બુકિંગ રદ કરાવાય તો ભાડામાંથી ૧૦ ટકા અથવા રૂ. ૫૦૦ અને પાર્ટી પ્લોટ માટે ૧૦ ટકા અથવા રૂ.૧,૦૦૦ બેમાંથી જે વધુ હોય તે કપાશે. ૩૦ દિવસની અંદર બુકિંગ રદ કરાવાય તો હોલ માટે રૂ. ૫,૦૦૦ અને પાર્ટી પ્લોટ માટે રૂ. ૧૦,૦૦૦ સુધીનો કેન્સલેશન ચાર્જ લાગશે.


લગ્ન પ્રસંગ માટે હોલ કે પાર્ટી પ્લોટનું બુકિંગ વધુમાં વધુ ૧૮૦ દિવસ અગાઉ કરી શકાશે, જ્યારે અન્ય કાર્યક્રમો માટે ૬૦ દિવસ પહેલાં બુકિંગ મળશે. મનપાના કર્મચારીઓ માટે આરક્ષણની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો રહેશે. નવરાત્રિ અને ગરબા–ડાન્સ ક્લાસ માટે પાર્ટી પ્લોટ અપાય તો સામાન્ય ભાડાના ૫૦ ટકા દરે ભાડું વસૂલવાની જોગવાઈ રાખવામાં આવી છે.


ગરબા-ડાન્સ ક્લાસિસ માટે ભાડે આપી શકાશે

મહાપાલિકાના તમામ કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ ગરબા તેમજ ડાન્સ ક્લાસિસ માટે ભાડે આપી શકાશે તેવો નિયમમાં ઉલ્લેખ કર્યો છે સાથે જ જણાવ્યું છે કે ગરબા અને ડાન્સ ક્લાસિસ માટે બુકિંગ પાર્ટી પ્લોટની ખુલ્લી તારીખોમાં જ બુકિંગની તારીખથી વધુમાં વધુ ૩૦ દિવસ અગાઉ કરી શકાશે.


નવરાત્રી માટે બમણાં દરેથી ભાડે અપાશે

નવરાત્રી તહેવાર દરમિયાન ગરબા/ડાન્સ માટે પાર્ટી પ્લોટનો ઉપયોગ કરવામાં આવે તો નિયત ભાડાથી બમણા દરે ભાડું વસૂલ કરવામાં આવશે. જયારે નવરાત્રી સિવાયના સમયગાળા દરમિયાન ગરબા/ ડાંસ કલાસીસ માટે પાર્ટી પ્લોટનો ઉપયોગ કરવામાં આવે તો નિયત ભાડાનાં ૫૦% ના દરે વસૂલ કરવામાં આવશે. બન્ને કિસ્સામાં પાર્ટી પ્લોટનું ઓછામાં ઓછું ૧૫ દિવસનું બુકિંગ કરાવવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application