ખંભાળીયા: મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડુતોમાં આક્રોશ: દુષ્કાળ જાહેર કરવા ઉગ્ર માંગ
ખંભાળીયા: મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડુતોમાં આક્રોશ: દુષ્કાળ જાહેર કરવા ઉગ્ર માંગ
September 12, 2026 01:24 PM
ખંભાળીયા: મગફળીનો પાક નિષ્ફળ જતા ખેડુતોમાં આક્રોશ: દુષ્કાળ જાહેર કરવા ઉગ્ર માંગ
ખંભાળીયામાં ઇશુદાન ગઢવીના સત્યાગ્રહ આંદોલનનો પંદરમો દિવસ
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાની નારાજગીના કારણે ખેડુતો, માલધારીઓ તેમજ લોકોને પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે ત્યારે અનેક ખેડુતોના ઉભા પાક નિષ્ફળ થઇ રહ્યા છે જેમાં ખેડુતો પોતાના જ ખેતરમાં ટ્રેકટર ફેરવી પાકનો નાશ કરી દુ:ખ વ્યકત કરતા સરકાર સામે વિરોધ પણ નોંધાવી રહ્યા છે.
તદઉપરાંત માલધારીઓને પશુઓ માટે ઘાસની પણ અછત ઉભી થઇ છે. ત્યારે માલધારીઓ ઘાસચારાની સહાય માટે સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે, સરકારે પણ ઘાસચારાની સહાય આપી છે પરંતુ તે સહાયમાં માલધારીઓના પશુઓને ઘાસચારો પુરો પડતો નથી. તે માટે માલધારીઓ પણ અનેક વખત વિરોધ દર્શાવી સરકાર સમક્ષ વધુ ઘાસચારાની માંગ કરી રહ્યા છે. તેમજ જિલ્લામાં પીવાના પાણીની પણ સમસ્યા દિવસેને દિવસે વધતી જાય છે. ત્યારે લોકો પણ સરકાર સમક્ષ નર્મદાના નીર આપવા માટે ઉગ્ર માંગ કરી રહ્યા છે.
આ તમામ સમસ્યાઓને ઘ્યાને લઇ દ્વારકા જિલ્લાનાં ખેડુતો, પ્રજા તેમજ માલધારીઓના હિત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી દ્વારા ૧૫ દિવસ પહેલા સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી. આજે આંદોલનનો ૧૫મો દિવસ છે. આજથી ચાર દિવસ પહેલા આંદોલનના બીજા તબકકાની શઆત કરવામાં આવી હતી તેમજ વિધાનસભામાં પણ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની આપના નેતાઓ દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. દ્વારકા સહિત ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઇ છે. તે પરિસ્થિતિ ઘ્યાને રાખી આપના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરાઇ હતી.
સત્યાગ્રહ આંદોલનના બીજા તબકકામાં આપના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવી દ્વારા દ્વારકા જિલ્લાના તમામ ગામડાઓમાં જઇ જઇને દુષ્કાળગ્રસ્ત ખેડુતોની અરજી ફોર્મ ભરવાનુ શરૂ કરી દીધા છે જેમાં સૌ પ્રથમ ગણેશગઢથી અરજી ફોર્મ ભરવાના શરૂ કરાયા છે. ત્યારબાદ આંદોલન હેઠળ તેઓ ગામડે ગામડે પહોંચીને ધરતીપુત્રની મુશ્કેલીઓ જાણી રહ્યા છે. પાણીના ગંભીર અભાવને કારણે આખા ખેતરોમાં મગફળીનો પાક સંપુર્ણપણે નિષ્ફળ ગયો છે જેને કારણે ખેડુતોને લાખો રૂપિયાનું નુકશાન થયું છે. હાલ દ્વારકા જિલ્લાનાં ખેડુતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અને દુષ્કાળ જાહેર કરાવવા માટેના ફોર્મ ભરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં લાંબી લાઇન લાગી રહી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ સરકાર સામે આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે પરિસ્થિતિ અત્યંત ગંભીર હોવાથી સરકારે તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવો પડશે, જો સરકારને જમીનની વાસ્તવિકતા જાણવા હોય તો કલેકટર અને લગત અધિકારીઓને ગામડાઓમાં ઉતારે અને જાતે જઇને ખેતરોની દયનીય હાલતની તપાસ કરે. આ આફતના સમયે સરકાર, નેતાઓ અને અધિકારીઓ સંપુર્ણ પણે ખુલ્લા પડી ગયા છે. સરકારને પરિસ્થિતિની બધી જાણ હોવા છતાં તે ખેડુતોને કંઇ આપવા માંગતી નથી. તેવા ગંભીર આક્ષેપ પણ કર્યા છે. વધુમાં જણાવ્યું કે તમામ ધારાસભ્યોને અનુરોધ કરું છું કે જેઓએ હજુ સુધી મુખ્યમંત્રીને પત્ર નથી લખ્યો તેઓ તાત્કાલિક પત્ર લખી ખેડુતોનો અવાજ બુલંદ કરે તે સાથે જ સરકારે ખેડુતોને તાત્કાલિક યોગ્ય આર્થિક સહાય ચુકવવી જોઇએ. પશુઓ માટે પુરતો ઘાસચારો ફાળવવો જોઇએ. અને ખેતી માટે નહેરોમાં તાત્કાલિક નર્મદાનું પાણી છોડવુ જોઇએ તેવા અનેક પ્રશ્ર્નો સાથે આમ આદમીના પ્રદેશ પ્રમુખ ઇશુદાન ગઢવીએ સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરી છે.