BREAKING NEWS

જામનગરના ટાઉનહોલ સર્કલ પર  ‘વનતારા’ની ઝલક, સિંહનું વિશાળ શિલ્પ બન્યું શહેરની આગવી ઓળખ

  • September 14, 2026 09:50 AM 

જામનગરના ટાઉનહોલ સર્કલ પર  ‘વનતારા’ની ઝલક, સિંહનું વિશાળ શિલ્પ બન્યું શહેરની આગવી ઓળખ  

રિલાયન્સના પીપીપી પ્રોજેક્ટ હેઠળ ભવ્ય લેન્ડસ્કેપિંગ સાથે વન્યજીવન થીમ સાથેના નવનિર્મિત સર્કલનું લોકાર્પણ : સિંહ, સારસ, ચિતલ અને અજગર સહિતના શિલ્પોથી સર્કલ બન્યું આકર્ષક 

અબાલ-વૃદ્ધ સૌ કોઈ સર્કલને જોવા ઉમટી પડ્યા: રિલાયન્સ દ્વારા સર્કલનો નિભાવ પણ કરાશે 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી જામનગર શહેરના હાર્દસમા ટાઉનહોલ સર્કલને આજથી એક નવી અને વિશિષ્ટ ઓળખ મળી છે. આકર્ષક અને સુવ્યવસ્થિત લેન્ડસ્કેપિંગની સાથે વન્યજીવોની વિશિષ્ટ દુનિયા સમા વનતારાની થીમ સાથે વિકસાવવામાં આવેલા આ સર્કલનો લોકાર્પણ સમારોહ રવિવારે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.

રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટશ્રી ધનરાજભાઈ નથવાણીના માર્ગદર્શન અનુસાર, પીપીપી પ્રોજેક્ટ અંતર્ગત કંપનીએ હાથ ધરેલાં સર્કલ બ્યૂટીફિકેશનની વિશિષ્ટતા એ રહી છે કે, તેમાં શહેરી વિકાસ સાથે પ્રકૃતિ અને વન્યજીવન સંરક્ષણના વિચારનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે. વન્યજીવનને માત્ર જંગલો કે સંરક્ષિત વિસ્તારો પૂરતું સીમિત ન રાખીને તેને લોકોના રોજિંદા જીવન અને જાહેર સ્થળો સાથે જોડવાના ઉમદા વિચારને મૂર્તિંમંત કરવા સર્કલને વનતારાની થીમ આધારિત બનાવવામાં આવ્યું છે. જેમાં વિશાળ કદના સિંહનું શિલ્પ અબાલ, વૃદ્ધ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એટલું જ નહીં,  તેની સાથોસાથ ચિતલ(હરણ), સારસ, વનરાજ અને અજગર સહિતના વિવિધ વન્યજીવોના શિલ્પોને પ્રતીકાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા છે. 


રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધિકારીઓની મહિનાઓની આયોજનબદ્ધ કામગીરી બાદ ટાઉન હોલ સર્કલને નવું અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. નવનિર્મિત સર્કલમાં મહતમ હરિયાળા વિસ્તારમાં સુંદર લેન્ડસ્કેપિંગ તથા આકર્ષક રેલિંગ સહિતની વિવિધ સુવિધાઓ  વિકસતા તેની સુંદરતામાં વધારો થયો છે, એટલું જ નહીં શહેરના આ મહત્વપૂર્ણ જાહેર સ્થળને વધુ સુવ્યવસ્થિત અને આકર્ષક ઓળખ મળી છે.મહત્વપૂર્ણ છે કે,શહેરની નવી ઓળખ બનેલા આ સર્કલના નવનિર્માણ ઉપરાંત તેનો નિભાવ (મેઈન્ટેનન્સ) પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જ કરશે.

નવનિર્મિત સર્કલના લોકાર્પણ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જામનગરના મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધિરેનભાઈ મોનાણી, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર સહિતના પદાધિકારીઓ, ચૂંટાયેલા નગરસેવકો, જામનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી દીપેશ કેડિયા તથા મહાનગરપાલિકા તથા રિલાયન્સના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application