દ્વારકા જતા પદયાત્રીના થેલામાંથી ચોરી કરનાર એક ટાબરીયા સહિત ત્રણ ઝબ્બે
રોકડ રકમ અને મોટરસાયકલ સહિત ૧,૦૬ લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગર નજીક પદયાત્રી વૃઘ્ધના થેલામાંથી રોકડ અને સામાનની ચોરી થયાનો બનાવ સામે આવ્યો હતો જેનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે અને ટાબરીયા સહિત ત્રિપુટીને એક લાખના મુદામાલ સાથે દબોચી લીધી છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ જિલ્લામાં બનેલા મિલકત સંબંધિત ગુનાઓ તથા વણશોધાયેલા ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટે જામનગર એલ.સી.બી. દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી. ભાટીયા તથા સ્ટાફ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે તપાસ કરવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઈ ડેરવાળીયા, મયુદ્દીનભાઈ સૈયદ, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઈ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરમત ગામના પાટિયા નજીકથી ત્રણ શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તપાસમાં જાણવા મળ્યું હતું કે તા. ૨૬/૦૬/૨૦૨૬ના રોજ સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડ ગામ નજીક આવેલા ટોલનાકા પાસે મંદિર સામે દ્વારકા તરફ પદયાત્રા કરી રહેલા રાજસ્થાન રાજ્યના નિવૃત્ત સંન્યાસી સકારામજી મંગનાજી ચૌહાણે પોતાની ત્રણ પૈડાવાળી સાઇકલ રોડ પર પાર્ક કરી હતી. તે દરમિયાન સાઇકલમાં રાખેલા કપડાંના થેલા અને પતરાની પેટીમાંથી ભેટ-સોગાદ રૂપે મળેલી રોકડ રકમની અજાણ્યા ઇસમોએ ચોરી કરી હતી. આ ગુનાની તપાસ દરમિયાન પોલીસે ચોરીમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઝડપાયેલા આરોપીઓ ઉદલભાઈ કનૈયાભાઈ પરમાર (બાવરી), ઉંમર ૧૯ વર્ષ, રહે. દિગજામ સર્કલ બાવરીવાસ, જામનગર, ભરતભાઈ માલાભાઈ ઉર્ફે જગમલભાઈ રાઠોડ, ઉંમર ૨૫ વર્ષ, રહે. સાધના કોલોની પાસે, મારવાડી ઢાળીયા, જામનગર અને કાયદા સાથે સંઘર્ષિત કિશોર હોવાનું જાહેર થયું છે. જેઓ પાસેથી રોકડ રકમ ૫૬,૦૫૦ મોટરસાયકલ ૫૦,૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૧,૦૬,૦૫૦ નો મુદ્દામાલ શોધી કાઢવામાં આવેલ છે.જે આરોપીઓ સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ ૩૦૩(૨) મુજબ ગુન્હો દાખલ થયો છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો આરોપી ઉદલભાઈ કનૈયાભાઈ પરમાર વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે. સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ, જ્યારે જામનગર સીટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ૧૦૯, ૧૧૫(૨), ૩૫૨, ૨૨૧, ૧૯૦, ૧૮૯(૧), ૧૯૧(૨) તથા ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૫(૧) મુજબ. (આ ગુનામાં આરોપીની અટકાયત બાકી છે.)