BREAKING NEWS

જામનગર શહેરની આરટીઓ કચેરીમાં પરિવહન પોર્ટલમાં ધાંધિયાથી અરજદારોને ધરમ ધકકા..!

  • May 20, 2026 05:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરની આરટીઓ કચેરીમાં પરિવહન પોર્ટલમાં ધાંધિયાથી અરજદારોને ધરમ ધકકા..!

પોર્ટલ ધીમી ગતિએ ચાલતા તો છાશવારે બે-ત્રણ કલાક ડાઉન થતાં ઠપ્પ થતી કામગીરી 

જી-સ્વાન કનેકટીવીટી પણ ન મળતા બેવડાતી મુશ્કેલી: લોકોના સમય અને નાણાંનો વેડફાટ 

જામનગરની આરટીઓ કચેરીમાં પરિવહન પોર્ટલમાં ધાંધિયાથી ધરમના ધકકા થઇ રહ્યાની ફરિયાદો અરજદારોમાં જોરશોરથી ઉઠી છે. પોર્ટલ ધીમી ગતિએ ચાલતા તો છાશવારે બે-ત્રણ કલાક ડાઉન થતાં કામગીરી ઠપ્પ થઇ જાય છે. આટલું જ નહીં જી-સ્વાનની કનેકટીવીટી પણ ન મળતા મુશ્કેલી બેવડાઇ છે. જેના કારણે લોકોના સમય અને નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે. 

રાજયની સાથે જામનગરની આરટીઓ કચેરીમાં પણ છેલ્લા બે-ત્રણ દીવસથી કેન્દ્વ સરકારના પરિવહન પોર્ટલના સર્વરમાં ટેકનીકલ ખામીથી ધાંધિયાએ માઝા મૂકી છે. આથી પરિવહન પોર્ટલ આધારીત આરટીઓની તમામ કામગીરી ખોરંભે ચડી રહી છે. આરટીઓ કચેરીમાં મોટાભાગની કામગીરી ઓનલાઇન હોય પોર્ટલ ન ચાલતા તો બે થી ત્રણ કલાક ડાઉન થતાં વાહનોની ટ્રાય સહીતની કામગીરી ઠપ્પ થઇ જાય છે. આરટીઓ કચેરીમાં દરરોજ ૧૫૦ થી ૨૦૦ જેટલા અરજદારો જુદી-જુદી કામગીરી અર્થે આવે છે. ત્યારે કલાકો સુધી પોર્ટલ અને સર્વર બંધ રહેતા અરજદારોને ના છૂટકે કચેરીમાં બેસી રહેવું પડે છે. આટલું જ નહીં ત્યારબાદ પણ પોર્ટલમાં ધાંધિયાથી કામગીરી ન થતાં ધરમના ધકકા થઇ રહ્યા છે. આથી અરજદારોના સમય અને નાણાંનો વેડફાટ થતા ભારે દેકારો બોલી ગયો છે.

આટલું જ નહીં આરટીઓ કચેરીમાં જી-સ્વાનની કનેકટીવીટીમાં ધાંધિયાથી મુશ્કેલી બેવડાઇ છે. જેના કારણે કચેરીમાં વાહનમાલીકો, ડીલરો અને અરજદારોને વાહન નોંધણી, ટેકસની ભરપાઇ સહીતની ઓનલાઇન સેવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સ્થિતિમાં વાહન વ્યવહાર કમિશ્ર્નર કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર દ્વારા સર્વરની કાર્યક્ષમતા વધારવા અને સુવિધાઓને વધુ સશકત બનાવવાના હેતુથી કલાઉડ સર્વરને નવા પ્લેટફોર્મ પર અપગ્રેડ કરવાની રાષ્ટ્રીય કામગીરી હાથ ધરવામાં આવી છે આથી કેટલીક ટેકનીકલ સમસ્યા થતા સેવા પર અસર પડ રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.આટલું જ નહીં પરિવહન પોર્ટલમાં ધાંધિયાના પગલે અગાઉથી બુક થયેલ એપોઇન્ટમેન્ટને જરૂર મુજબ રી-શેડયુઅલ કરવા તથા અરજદારોને યોગ્ય માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા આરટીઓ કચેરીને સૂચના આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, જામનગરમાં આરટીઓ કચેરી શહેરની દૂર એટલે કે ૪ કીમી જેટલા અંતરે આવેલી હોય પોર્ટલમાં ધાંધિયાથી આકરા તાપ અને ગરમીમાં ધરમના ધકકા થતા અરજદારોમાં દેકારા સાથે ભારે રોષની લાગણી ફેલાઇ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News