BREAKING NEWS

ઓખા મંડળમાં બે કલાકમાં બે ઇંચ: જામનગર, જામખંભાળીયા, ભાણવડમાં ઝાપટા

  • September 17, 2026 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળમાં બે કલાકમાં બે ઇંચ: જામનગર, જામખંભાળીયા, ભાણવડમાં ઝાપટા


દ્વારકા અને ઓખા વિસ્તારમાં આજ વહેલી સવારથી જ મેઘાવી માહોલ છવાયો હતો. સવારે ૬થી ૮ દરમ્યાન ઝાપટાથી મેઘાએ શરૂઆત કરી હતી. બપોરે ૧૦ થી ૧૨ દરમ્યાન ઓખામંડળ વિસ્તારમાં ર ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર ઓખાવાસીઓમાં હર્ષોલ્લાસની લાગણી પ્રસરી જવા પામી હતી.

સમગ્ર રાજયમા સૌથી ઓછો વરસાદ ઓખા મંડળમાં મોસમનો નોંધાયો છે. વરસાદની અછતના કારણે નદીનાળા અને ખાસ કરીને ઘાસચારાની  સમસ્યા સર્જાઇ જવા પામી છે ત્યારે આજે બપોરે ૧૦થી ૧૨ દરમ્યાન ર ઇંચ જેટલો વરસાદ પડતા મહદ અંશે રાહતની લાગણી થવા પામી છે.

ઓખા મંડળમાં સીઝનનો વરસાદ અઢી ઇંચ નોંધાયો હતો આજે બે ઇંચ જેટલો વરસાદ આવતા આજે બપોર સુધીમાં સાડા ચાર ઇંચ મોસમનો કુલ વરસાદ થવા પામ્યો છે. જયારે મોસમનો કુલ વરસાદ ખંભાળીયામાં પોણા છ ઇંચ, કલ્યાણપુર ૩ ઇંચ અને ભાણવડમાં પોણા છ ઇંચ વરસાદ મોસમનો કુલ થવા પામ્યો છે. આજે ઓખા મંડળને બાદ કરતા ખંભાળીયા અને ભાણવડમાં વરસાદી ઝાપટા પડયા હતા જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. 

જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વરસાદી વાતાવરણ જળવાઈ રહ્યું હતું. જિલ્લામાં ખાસ કરીને જોડિયા, કાલાવડ અને જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ હળવી હાજરી પુરાવી હતી. જોડિયામાં ૫ મિમી, કાલાવડમાં ૪ મિમી અને જામજોધપુરમાં ૩ મિમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ત્રણેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા.

જામનગર શહેરમાં પણ ગઈકાલે દિવસ દરમિયાન ધૂપ-છાંવ જેવી સ્થિતિ જોવા મળી હતી. ક્યારેક તડકો નીકળતો તો ક્યારેક આકાશ વાદળોથી ઘેરાઈ જતું હતું. વાતાવરણમાં સતત પલટો જોવા મળતા દિવસ દરમિયાન વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો.

દરમિયાન આજે સવારથી ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો છે અને જામનગર શહેરમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદને કારણે રસ્તાઓ ભીંજાયા છે. બીજી તરફ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહેતા આગામી કલાકોમાં જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદ પડવાની શક્યતા વર્તાઈ રહી છે.

જામનગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદી માહોલ યથાવત્ હોવાથી છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે. સતત બદલાઈ રહેલા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય પંથકમાં ખેતીના પાકને પણ વરસાદથી ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. હાલ પડતા વરસાદને ખેડૂતો માટે જાણે પકાચું સોનુંથ વરસી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હાલારમાં સોમવારે અને રાત્રીના વરસાદ પડયા બાદ બન્ને જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર હાલારમાં વરસાદી વાદળો અને સુર્યની સંતાકૂકડી ચાલી રહી છે. સમગ્ર હાલારવાસીઓ સારા વરસાદની આતુરતાપુર્વક રાહ જોઇ રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમ્યાન ઓખા મંડળ, કલ્યાણપુર, જામવાડી, વાંસજાળીયા, જોડીયા, કાલાવડ, જામજોધપુરમાં ઝાપટા‚પી છૂટોછવાયો વરસાદ  વરસ્યો હતો. 

મેઘાવી માહોલ વચ્ચે કંટ્રોલ‚મના જણાવ્યા અનુસાર મહતમ તાપમાન ૩૦.૮, લઘુતમ ૨૫.૪, ભેજ ૯૩ ટકા, જયારે પવનની ગતિ ૧૫ થી ૨૦ પ્રતિ કિ.મી. નોંધાઇ છે. દ્વારકા જિલ્લામાં  ઓખા મંડળમાં બે કલાકમાં આજે ૧૭ સપ્ટે. સુધીમાં મોસમનો નોંધાયેલ કુલ વરસાદમાં ઓખામંડળ ૨.૫, જામખંભાળીયા ૫.૭૫, જામકલ્યાણપુર ૩, અને ભાણવડમાં ૫.૭૫ ઇંચ વરસાદ નોંધાયો છે. દ્વારકા જિલ્લામાં સૌથી ઓછો ઓખા મંડળ અને સૌથી વધુ ખંભાળીયા અને ભાણવડમાં નોંધાયો છે. 

તા.૧૭ સપ્ટે. સુધીમાં જામનગર જિલ્લાનાં તાલુકા મથકે મોસમનો નોંધાયેલ વરસાદમાં જામનગર ૧૩, જોડીયા ૧૨.૫, ધ્રોલ ૧૩, કાલાવડ ૧૧, લાલપુર ૭.૫, અને જામજોધપુરમાં ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે. આમ જામનગર જિલ્લાનાં તાલુકા મથકોમાં સૌથી વધુ વરસાદ જામજોધપુર અને સૌથી ઓછો વરસાદ લાલપુરમાં નોંધાયો છે. 

હવામાન ખાતા દ્વારા બન્ને જિલ્લામાં હળવા વરસાદની રર સપ્ટે. સુધી આગાહી કરવામાં આવી છે. સાથોસાથ પવનની ગતિમાં પણ વધારો થવાની શકયતા દર્શાવવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૮૮ ટકા અને જામનગર જિલ્લામાં ૬૧ ટકાની વરસાદની ઘટ્ટ દર્શાવવામાં આવી છે. હાલામાં બન્ને જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ પડી રહ્યા છે. જો કે અત્યારસુધીનો કુલ વરસાદ સામાન્ય કરતા નોંધપાત્ર ઓછો હોવાથી તાજેતરનાં વરસાદથી લાંબા સમયની વરસાદની ઘટ્ટ સંપુર્ણપણે ભરાઇ નથી અને બન્ને જિલ્લાનાં નદીનાળા, તળાવોમાં પાણી નહિંવત છે. 

દ્વારકા તેમજ ઓખા મંડળ વિસ્તારમાં આજ સવારથી મેઘાવી માહોલ છવાયો હતો, સવારના ૬ થી ૮ દરમ્યાન ઝાપટાથી વરસાદનો પ્રારંભ થયો હતો, બપોરે ૧૦ થી ૧૨ દરમ્યાન ૪૭ મીમી એટલે કે ૨ ઇંચ જેટલો વરસાદ નોંધાતા ઓખાવાસીઓમાં હર્ષની લાગણી વ્યાપી છે.

ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ ઓખા મંડળમાં પડયો છે જેથી આજે બે ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં હર્ષોલ્લાસ જેવી લાગણીનો માહોલ સર્જાયો છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application