જામનગર: કનસુમરા અને જામજોધપુરમાં વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત
જામનગર: કનસુમરા અને જામજોધપુરમાં વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત
August 31, 2026 11:50 AM
જામનગર: કનસુમરા અને જામજોધપુરમાં વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત
પાટીયા પાસે ટ્રકે બાઇકને હડફેટે લીધું : હોથીજી ખડબા રોડ પર મોટરસાયકલ સ્લીપ થયું
જામનગર નજીક કનસુમરા પાસે તેમજ જામજોધપુર વિસ્તારમાં જુદા-જુદા બે માર્ગ અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. પાટીયા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારી હતી, જયારે હોથીજી ખડબા રોડ પર બાઇક સ્લીપ થવાથી બનાવ બન્યો હતો.
જામજોધપુર તાલુકાના જામવાડી ગામની સીમમાં વાડી પાસે ઝૂંપડામાં રહેતા અને મુળ એમપીના વતની મુકેશભાઈ સોબાનભાઈ ભુહા (ઉ.વ.૩૨) પત્ની રમીલાબેનને મજૂરીના પૈસા લેવા જવાનું કહી મોટરસાઇકલ લઈને તા. ૨૯ના રોજ નીકળ્યા હતા. દરમિયાન હોથીજી ખડબા ગામ પાસે વળાંકમાં મોટરસાઇકલ સ્લીપ થઈ રોડની નીચે ઉતરી જતાં મુકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં પરિવારજનો જામજોધપુરની સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તબીબે મુકેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે રમીલાબેન દ્વારા જામજોધપુર પોલીસમાં ગઇકાલે જાણ કરવામાં આવી હતી.
બીજા બનાવમાં મૂળ ઝારખંડના અને હાલ જામનગરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા સવીઉલખાન સમ્માનખાન પઠાણ (ઉં.વ.૧૬) મોટરસાઇકલ લઈને બહાર ગયા હતા. ગઇકાલે સવારે ૧૦-૩૦ વાગ્યે કનસુમરા પાટીયા પાસે ટ્રક નં. જીજે-૧૦-એટી-૫૨૫૪ના ચાલકે ટ્રક બેફિકરાઈ અને ગફલતભરી રીતે હંકારી મોટરસાઇકલને હડફેટે લેતાં તરૂણને માથા, જમણા પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે મૃત જાહેર કર્યા હતા. અકસ્માત બાદ ટ્રક સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો આ અંગે હાલ પાણાખાણ રહેતા મૃતકના ભાઇ અસમીરખાન સમાખાન પઠાણે પંચકોશી-બીમાં ટ્રકચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.